Editorial

ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં કાપ ભારતને બેવડો ફટકો મારશે

એક તરફ આખી દુનિયામાં મોંઘવારીએ માઝા મુકી છે. અમેરિકામાં ફુગાવાને કારણે બેંકો ઉઠી રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર આખી દુનિયા પર જોવાઈ રહી છે. રશિયા દ્વારા ક્રુડ ઓઈલના સપ્લાયનું અલગ જ રાજકારણ રમવામાં આવી રહ્યું છે. છેલ્લા બેએક વર્ષથી આ સ્થિતિ છે. આ સ્થિતિમાં માંડ સુધારો આવ્યો હતો પરંતુ એવું લાગી રહ્યું છે કે જેમની ક્રુડ ઓઈલના ઉત્પાદનમાં મોનોપોલી છે તેવા દેશ વિશ્વમાં મોંઘવારીની સ્થિતિ સુધરે તેવું ઈચ્છતા નથી. ક્રુડ ઓઈલના ભાવમાં હજુ માંડ સુધારો આવ્યો ત્યાં સાઉદી અરેબિયા દ્વારા તેલના ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેલનું ઉત્પાદન કરતી સંસ્થા ઓપેકના સભ્ય દેશો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે સમગ્ર વિશ્વમાં ફુગાવો વધવાની સાથે આગામી દિવસોમાં ફરી મોંઘવારી વધે તેવી સંભાવના દેખાઈ રહી છે.

આ નિર્ણયને પગલે સમગ્ર વિશ્વમાં ક્રુડ ઓઈલનું નવું સંકટ ઊભું થશે અને તેની અસર ભારતમાં પણ દેખાશે. તેલના ઉત્પાદનમાં કાપ મુકવાનો નિર્ણય લેનારા દેશોમાં સાઉદી અરેબિયાની સાથે સાથે રશિયા તેમજ અન્ય ઓપેકના દેશોનો સમાવેશ થાય છે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઓપેક દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને કારણે આગામી દિવસોમાં તેની ગંભીર અસરો દેખાશે. તેમાં પણ ભારત દ્વારા મોટાપાયે ક્રુડ ઓઈલની આયાત જ કરવામાં આવતી હોવાથી ભારત પર તેની વધુ ગંભીર અસર દેખાશે. આને કારણે ભારતની અર્થવ્યવસ્થા વધુ ડામાડોળ થવાની સંભાવના છે. હાલમાં ભારત દ્વારા રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રુડ ઓઈલની આયાત કરવામાં આવશે. રશિયા પાસેથી ભારતને પ્રમાણમાં સસ્તું ક્રુડ ઓઈલ મળે છે. હાલમાં રશિયા અને યુક્રેનના યુદ્ધ સમયમાં એક તરફ જ્યાં યુરોપિયન દેશો દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલની ખરીદી બંધ કરી દેવામાં આવી હતી ત્યાં ભારત દ્વારા રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવામાં આવતું હતું. આનો ફાયદો ભારતને પણ થતો હતો.

રશિયા પાસેથી સસ્તામાં ક્રુડ ઓઈલની ખરીદી કર્યા બાદ ભારત દ્વારા આજ ક્રુડ ઓઈલ યુરોપિયન દેશોને વેચવામાં આવતું હતું. જોકે, હવે જે રીતે તેલ ઉત્પાદનમાં કાપ મુકવામાં આવ્યો ત્યારે તેનાથી ભારતને બેવડો ફટકો પડવાનો છે. એક તરફ ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી દ્વારા આગામી છ માસમાં વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મુશ્કેલીઓ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ ભારતમાં આ નિર્ણયની ઘેરી અસરો જોવા મળી શકે છે. ભારત દ્વારા શક્ય હોય તેટલા પ્રયાસો એવા કરવામાં આવે છે કે ક્રુડ ઓઈલની આયાત ઘટાડી શકાય.

પરંતુ રોજબરોજ માંગ વધી રહી હોવાથી તેમાં ઘટાડો કરવો શક્ય બની શકતો નથી. વર્ષોથી ભારતે ક્રુડ ઓઈલ માટે વિદેશો પર આધાર રાખવો પડતો હોવા છતાં ભારતમાં ક્રુડ ઓઈલની ખપત ઘટાડવા માટે કોઈ જ પ્રયાસો કરવામાં આવતા નથી. વૈકલ્પિક ઉર્જા માટે ભારત દ્વારા મહેનત કરવામાં આવી પરંતુ તે ક્રુડ ઓઈલનો વિકલ્પ બની શકતું નથી. જે રીતે ઓપેક દેશો દ્વારા છાશવારે ક્રુડ ઓઈલના મામલે ભારત સહિત સમગ્ર વિશ્વને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યા છે તે જોતાં આગામી દિવસોમાં ભારતે ક્રુડ ઓઈલના મામલે વૈકલ્પિક પગલાઓ વિચારવા જરૂરી છે.

ભારત વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. આ કારણે ભારતમાં વાહનોની સંખ્યા પણ વધુ છે. ભારત દ્વારા આ કારણે જ ક્રુડ ઓઈલનો વપરાશ વધુ કરવામાં આવે છે. હાલમાં કેટલાક સમયથી ભારતમાં ઈલેકટ્રિક વાહનોનો વપરાશ વધ્યો છે પરંતુ ઈલેકટ્રિક વાહનોની વધુ કિંમતને કારણે તે લોકોને આકર્ષી શકતા નથી. ભારત દેશે જો ક્રુડ ઓઈલના મામલે ઓપેકની મોનોપોલી તોડવી હોય તો તમામ વાહનોને ઈલેકટ્રિક કરવા તરફ ધ્યાન આપવું જોઈએ. વાહનો ઈલેકટ્રિક થઈ જશે તો ક્રુડ ઓઈલનો વપરાશ ઘટી જશે અને ભારત તેના મોટા વિદેશી હુંડિયામણને ખર્ચવામાંથી બચી જશે.

આ ઉપરાંત જે જે ક્ષેત્રમાં ક્રુડ ઓઈલનો વપરાશ થતો હોય તે તે ક્ષેત્રમાં વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત માટે ભારતે મહેનત કરવાની જરૂરીયાત છે. બની શકે કે આ અઘરો ટાસ્ક છે પરંતુ જો સરકાર ધારે તો આ કરી શકે તેમ છે. ક્રુડ ઓઈલમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને મોટા પ્રમાણમાં ટેક્સની રકમ મળતી હોવાથી બની શકે છે કે સરકાર વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત ઊભો કરવા માટે એટલી ઈચ્છા નહીં બતાવે પરંતુ જો આજે સરકાર નહીં જાગે તો બની શકે છે કે ભવિષ્યમાં ક્રુડ ઓઈલનો મામલો સરકારને જ લઈને ડૂબશે તે નક્કી છે.

Most Popular

To Top