Columns

જિજ્ઞાસા : નવું જાણવાની –માણવાની સાહજિક વૃત્તિ

તૂહલ કદાચ કુટેવ ગણાય પણ જિજ્ઞાસા જરૂરી વૃત્તિ છે. પાડોશીના ઘરમાં થતી તકરાર સાંભળી કાન સરવા કરવા એ કુતૂહલ છે પણ પાડોશીના બગીચામાં જાતજાતના છોડને આશ્ચર્યથી નિહાળી એ અંગે પૂછપરછ કરવી એ જિજ્ઞાસા છે. જિજ્ઞાસા એટલે નવું જાણવાની અને જાણીને માણવાની સાહજિક વૃત્તિ.
ખાસ કરીને બાળકોમાં નવું નવું જાણવાની ખૂબ જિજ્ઞાસા હોય છે. એક વાર અમે નાનાં બાળકોને લઇને પિકનિક પર ગયા. ગાર્ડનમાં સૌ બાળકો ખૂબ રમ્યાં પછી બધાં બેસીને પ્રકૃતિનું સૌંદર્ય નિહાળતાં હતાં. સાથે અમે શિક્ષકો સવાલો પૂછી ફળ-ફૂલ, નદી, આકાશ વિશે માહિતી આપતા હતા ત્યાં જ એક બાળકે પૂછયું, ‘‘ટીચર, આવડું મોટું આકાશ થાંભલા વગર અધ્ધર કેવી રીતે ઊભું છે?’’ ત્યાં તો બીજા બાળકે પૂછયું-‘‘વૃક્ષો આપણી જેમ ખાતાં નથી તો પણ તેઓ કેટલાં મોટાં અને આપણે કેટલાં નાનાં?’’
ત્યાં તો બીજા બાળકે પૂછયું- ‘‘ભગવાને બધું બનાવ્યું છે તો એનું ઘર કયાં? તેઓ કયાં રહેતા હશે ને શું ખાતા હશે?’’
બાળકોના આવા પ્રશ્નો ઘણી વાર આપણને મૂંઝવણમાં મૂકી દે છે પણ બાળકોને પોતાની કલ્પનાઓ હોય છે, જાણવાની, જોવાની જિજ્ઞાસા હોય છે. નાનાં બાળકોમાં વિસ્મય, કુતૂહલ, જિજ્ઞાસા ભારોભાર હોય છે. એની આંખોમાં નાનીનાની વસ્તુઓનો અપાર મહિમા હોય છે, કોઇ પણ વસ્તુને કુતૂહલથી જોઇ એનું સમાધાન મેળવવાનો પ્રયત્ન કરે છે. આ સમયે માતાપિતાનું તેની સાથેનું સમજપૂર્વકનું તાદાત્મ્ય અને માર્ગદર્શન ખૂબ જરૂરી અને અનિવાર્ય બની રહે છે. જેથી એ પોતાની શક્તિઓને યોગ્ય દિશામાં વાળી તેને વિકસિત કરી શકે. એક બાળક રોજ નિશાળેથી ઘેર ચાલીને આવતાં 15-20 મિનિટનો સમય લેતું. માતાને થયું કે નિશાળથી ઘરનો રસ્તો તો ફકત 5-7 મિનિટનો છે તો એને આટલો સમય કેમ લાગે છે? એ તપાસ કરવા એક દિવસ માતા છુપાઈને બાળકની પાછળ ચાલતી ગઇ. તેણે જોયું કે બાળક રસ્તામાં કીડીઓની હાર, ચકલીઓની રમત, એના પીછાં, ખિસકોલીઓની ઝાડ પરની દોડાદોડ, રંગબેરંગી ઊડતાં પતંગિયાં, ઘાસ, ફૂલ વગેરે જોતાં જોતાં, માણતા ત્યાં રોકાઈને આવતો હતો. ત્યારે માતાને થયું કે, બાળકનું વિસ્મય-જિજ્ઞાસા એને અનેક જગ્યાએ રોકે છે અને એ કલ્પનામાં રાચતાં બાળકને એમાં વિશેષ આનંદ મળે છે. આમ બાળકની દરેક ક્રિયાનું આપણે પુખ્ત આંખથી નહિ પણ શિશુની આંખથી અવલોકન કરવું અને કુતૂહલના પ્રશ્નોનો, તેને સાચું સમાધાન થાય એ રીતે ઉત્તર આપવા- બાળક માતાના સાન્નિધ્યમાં રહીને જે ગ્રહણ કરે છે,એ જિંદગીનાં બાકીનાં વર્ષોમાં, દુનિયાની કોઇ યુનિવર્સિટીમાંથી નહિ મેળવી શકે. જિજ્ઞાસા માત્ર બાળકોમાં જ નહિ, પ્રત્યેક ઉંમરના માણસમાં જરૂરી છે! આ વૃત્તિને પોષીને કે વિકસાવવીને આપણે જીવનરસ માણી શકીએ. આમ જિજ્ઞાસા જીવનરસનો સ્ત્રોત બની શકે, નવું નવું જાણવાની ઇચ્છા સદા યુવાન રાખી શકે છે. કોઇ નવું માસિક (મેગેઝિન) આપણી નજરે પડે અને એને જોતાની સાથે કેવી તાલાવેલી જાગે છે… જોવાની, વાંચવાની…! આ તૃપ્ત થવાનો આનંદ અવર્ણનીય હોય છે. આપણે કોઇ ઐતિહાસિક સ્થળની મુલાકાતે ગયા હોઈએ ત્યારે ત્યાંના પ્રાચીન ભવ્ય અવશેષો, તેની પાછળનો ઇતિહાસ જાણવાની આપણને જિજ્ઞાસા હોય છે અને એ જિજ્ઞાસા તૃપ્ત કરવા ‘ગાઈડ’ને સાથે લઇને ફરીએ છીએ અને તેની પાસેથી માહિતી મેળવીએ છીએ. જિજ્ઞાસા ક્ષણિક આનંદ આપીને અટકી જતી નથી, એ આપણા વ્યક્તિત્વમાં કંઇક નવો ઉમેરો કરે છે, તે માટે આપણી પાસે દૃષ્ટિ જોઇએ. આમ ઝીણવટથી જોવા જઇએ તો કેટલી બધી ચીજો આપણી આસપાસ આપણી જિજ્ઞાસાનો ખોરાક પૂરો પાડતી હોય છે, નિહાળવાની દૃષ્ટિ કેળવવી પડે. કાકા સાહેબ કાલેલકરનું ‘ઓતરાતી દીવાલો’ પુસ્તક, જેલની કોટડીમાં બેઠા બેઠા કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું. આપણે જેલની બહાર હોવા છતાં એ દૃષ્ટિ કયાં છે? આ દૃષ્ટિ ઊઘડતાં જ આ દુનિયા નવી લાગશે. દરેક સ્થળે આપણને નવીનતાના દર્શન થશે. આ નવીનતામાં જ્ઞાન હશે, સૌંદર્ય હશે અને તેથી આનંદ જ આનંદ હશે.
જેની જિજ્ઞાસા જીવતી રહે છે એ કદી વૃદ્ધ થતો નથી કારણ એની દૃષ્ટિમાં બાળક જેવી જિજ્ઞાસા હોવાથી સદા યુવાન રહે છે. બાળક જેવી મુગ્ધતા છે. પ્રત્યેક નવી ચીજ જોવાની-જાણવાની જિજ્ઞાસામાં જીવનરસ પ્રાપ્ત થાય છે અને બાળક જેવું જીવન જીવવાનો ઉત્સાહ રહે છે. અકાળે વૃદ્ધ બની ગયેલા, હંમેશ તણાવમાં રહેતા આજની પેઢીના આપણા યુવાનોએ જિજ્ઞાસાની આ જડીબુટ્ટીનો ચમત્કાર અનુભવી જોવાની જરૂર છે.
તો વાચકમિત્રો…! સૌથી મોટી વાત તમારા જીવનમાં વરસો ઉમેરવાની નથી પણ તમારા વરસોમાં જીવન ઉમેરવાનું આ કાર્ય જિજ્ઞાસાવૃત્તિની પ્રેરણાથી થઇ શકે છે.
બીજી વાત આપણે આપણી ભીતર રહેલાં શિશુનું, એના શૈશવનું જતન કરવાનું છે. બાળકને એની રીતે વિકસવા દો. તમારા વિચારો એના પર ન થોપો. બાળકોની સૌથી મોટી મૂડી નિર્દોષતા અને વિસ્મયતા કદી ન છીનવો, પ્રત્યેક બાળકમાં એક મહાન પ્રતિભા છુપાયેલી છે. બાળક એટલે ક્ષણે ક્ષણે વિકસતો જીવ, એની દૃષ્ટિ પ્રશ્નાત્મક છે. એનું હૃદય ઉદ્દગારાત્મક છે. પણ પૂર્ણવિરામ કયાંય નથી. બાળકની મૂર્તિમંત ગતિ એટલે જિજ્ઞાસા… બસ વિકસવા દો…!
સુવર્ણરજ
સમજણપૂર્વકની દૃષ્ટિ અને નિશ્ચિત દિશા તરફની ગતિ હોય તો આકાશ આપમેળે કોઇ વિરાટ કમળની જેમ ઊઘડતું આવે.

  • સુરેશ દલાલ

Most Popular

To Top