Sports

નાનો હતો ત્યારે રબર બોલ વડે સ્કૂપ શોટ રમીને એ કાબેલિયત કેળવી છે : સૂર્યકુમાર યાદવ

એડિલેડ: દોઢ વર્ષ પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટમાં (International Cricket) ડેબ્યુ કરનાર સૂર્યકુમાર યાદવને હવે તેની મેદાનના દરેક ખૂણે શોટ (Shot) ફટકારવાની કાબેલિયતને કારણે તેને મિસ્ટર 360નું બિરૂદ મળ્યું છે. ઈંગ્લેન્ડ સામેની નોકઆઉટ મેચ પહેલા, તેણે સાથી ખેલાડી આર અશ્વિન સાથે વાત કરી જેમાં તેણે તેની 360 રમતનું રહસ્ય જાહેર કર્યું. આ વાતચીત દરમિયાન, તેણે જણાવ્યું કે નાનપણમાં રબર બોલ વડે સ્કૂપ શોટ રમવાની કેળવેલી કાબેલિયત હવે કામ આવી રહી છે.

બીસીસીઆઈએ તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર અશ્વિન અને સૂર્યકુમાર યાદવ વચ્ચેની આ વાતચીતનો એક નાનો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં અશ્વિન પુછે છે કે તુ આખા મેદાન પર શોટ રમી રહ્યા છો, જેના કારણે તને મિસ્ટર 360 કહેવામાં આવે છે પણ મને નથી લાગતું કે તે માત્ર 360 છે, તુ જુદા જુદા ખૂણા શોધે છે. તુ આ શોટ્સનું સંચાલન કેવી રીતે કરે છે? સૂર્યકુમાર યાદવ જવાબ આપે છે કે અહીંની બાઉન્ડ્રી જુઓ તો તે 80-84 મીટર છે, અહીં ચોરસ બાઉન્ડ્રી પણ 75-80 મીટર મોટી છે. મને લાગે છે કે માત્ર પાછળની બાઉન્ડરી 60-65 મીટર છે. તેથી હું તે દિશામાં હિટ કરવાનું જોઉં છું અને તેમાં હું સફળ રહ્યો છું. અશ્વિન વધુમાં કહે છે કે મને નથી લાગતું કે તુ આ શોટ્સ નેટ્સમાં રમ્યો હોય, તો અચાનક કેવી રીતે તુ આવા શોટ રમતો થયો ત્યારે સૂર્યા જવાબ આપે છે કે જ્યારે હું નાનો હતો, ત્યારે હું મારા મિત્રો સાથે રબરના બોલથી ક્રિકેટ રમતો હતો. એક મિત્ર 17-18 યાર્ડથી ભીના બોલથી ઝડપી બોલિંગ કરતો હતો. આ શોટ્સ ત્યાંથી આવ્યા હતા. મેં નેટ્સમાં આ શોટ્સની પ્રેક્ટિસ કરી ન હતી.

સૂર્યકુમાર યાદવ નવો મિસ્ટર 360 ડિગ્રી બની ગયો છે : સુનિલ ગાવસ્કર
નવી દિલ્હી : માજી દિગ્ગજ બેટ્સમેન અને ગુજરાતમિત્રના કોલમિસ્ટ સુનીલ ગાવસ્કરે કહ્યું છે કે સૂર્યકુમાર યાદવ નવો મિસ્ટર 360 ડિગ્રી બની ગયો છે અને જો તે નિષ્ફળ જશે તો ભારત સ્કોરબોર્ડ પર પૂરતા રન બનાવવા માટે સંઘર્ષ કરશે. વિશ્વના નંબર વન ટી-20 બેટ્સમેન સૂર્યકુમારે તેના પહેલા જ ટી-20 વર્લ્ડકપમાં પ્રભાવિત કર્યા હતા અને સુપર 12 તબક્કામાં તેના પ્રભાવશાળી પ્રદર્શને સેમિફાઇનલમાં ભારતનો રસ્તો સરળ બનાવ્યો હતો. ઝિમ્બાબ્વે સામેની સુપર 12ની અંતિમ મેચમાં સૂર્યાએ 25 બોલમાં અણનમ 61 રન બનાવ્યા હતા.

ઈન્ડિયા ટુડેએ ગાવસ્કરને ટાંકીને કહ્યુ હતું કે આ દરેક ઈનિંગમાં તેણે 360 ડિગ્રી સ્કોર કર્યો હતો અને તે નવો મિસ્ટક 360 ડિગ્રી છે. તેણે વિકેટકીપરની ડાબી બાજુએથી સિક્સર ફટકારી જે શાનદાર હતી. છેલ્લી ઓવરોમાં તેણે બોલરના એંગલનો ફાયદો ઉઠાવ્યો અને શોટ રમ્યા. લોફ્ટેડ કવર ડ્રાઇવ સિવાય, તેની પાસે તમામ શોટ્સ છે. તેણે સ્ટ્રેટ ડ્રાઇવ પણ રમી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટનનું માનવું છે કે સૂર્યકુમારના કારણે જ ભારત બચાવ કરી શકાય તેવો સ્કોર બનાવી શક્યું છે.

Most Popular

To Top