National

દેશમાં કોરોના ફરી બન્યો બેકાબૂ, 24 કલાકમાં 40 ટકા નવા કેસ નોંધાયા

નવી દિલ્હી: કોરોનાના (Corona) વધતા જતા કેસોએ (Case) ફરીથી આરોગ્ય વિભાગની (Health Department) ચિંતા વધારી દીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં 5233 નવા દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે એક દિવસ અગાઉ 3741 કેસ નોંધાયા હતા. એટલે કે એક દિવસમાં કોરોના દર્દીઓમાં લગભગ 40 ટકાનો વધારો નોંધાયો છે. ઘણા મહિનાઓ પછી એક દિવસમાં આટલા દર્દીઓ નોંધાયા છે. આ સાથે સક્રિય દર્દીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. હવે દેશમાં 28857 સક્રિય કોરોના દર્દીઓ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3345 લોકો કોરોનાથી સાજા થયા છે અને સાત લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કોરોનાના કારણે કુલ મૃત્યુઆંક 5,24,715 પર પહોંચી ગયો છે. હાલમાં ભારતમાં કોરોનાના 28,857 સક્રિય કેસ છે. છેલ્લા 24 કલાકમાં 1881 સક્રિય કેસ વધ્યા છે. જે રાજ્યોમાં કોવિડના સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે તેમાં મહારાષ્ટ્ર (1881 નવા કેસ), કેરળ (1494), દિલ્હી (450), કર્ણાટક (348) અને હરિયાણા (227)નો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 84.08 ટકા આ રાજ્યોના છે. કુલ નવા કેસોમાં એકલા મહારાષ્ટ્રનો હિસ્સો 35.94 ટકા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 7 નવા મોત થયા છે. દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં પાંચ લાખ (5,24,715) થી વધુ લોકોના મોત થયા છે.

જ્યાં સુધી ટેસ્ટિંગનો સવાલ છે, ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 3,13,361 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 85,35,22,623 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કેટલી રસી આપવામાં આવી છે?
કોવિડને અટકાવવા માટે કોરોનાની રસી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 14 લાખ 94 હજારથી વધુ રસી આપવામાં આવી છે. દેશમાં અત્યાર સુધીમાં 194 કરોડ (1,94,43,26,416) થી વધુ કોવિડ રસી આપવામાં આવી છે.

જૂનમાં કોરોનાએ ગતિ પકડી
કોરોનાના આંકડાઓ પર નજર કરીએ તો આ મહિનાની શરૂઆતથી જ કોરોનાએ જોર પકડ્યું છે. 1 જૂનથી 7 જૂન સુધીમાં દરરોજ લગભગ ચાર હજાર કેસ નોંધાયા હતા. જ્યારે સપ્તાહના અંતે 5000 થી વધુ કેસ નોંધાયા હતા. આંકડાઓ પર નજર કરીએ તો 1 જૂને 2745, 2 જૂને 3712, 3 જૂને 4041, 3 જૂને 3962, 4 જૂન 3962, 5 જૂન 4270, 6 જૂન 4518 અને 7 જૂને 3741 કેસ નોંધાયા હતા. તે જ સમયે, આજે 5233 કેસ નોંધાયા હતા.

Most Popular

To Top