NEET-UG 2026ના કથિત પ્રશ્નપત્ર લીક મુદ્દે કેન્દ્ર સરકાર સામે કોંગ્રેસે મંગળવારે દિલ્હીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર સહિત અનેક નેતાઓની અટકાયત કરી હતી. જોકે, દિવસ દરમિયાન તમામ નેતાઓને બાદમાં મુક્ત કરવામાં આવ્યા. કોંગ્રેસે આંદોલન દરમિયાન કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગને વધુ તેજ બનાવી હતી અને NEET-UG 2026ના કથિત પ્રશ્નપત્ર લીક મામલે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી.
શશિ થરૂરનો પોલીસ કાર્યવાહી પર સવાલ
મુક્તિ મળ્યા બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પોલીસની કાર્યવાહીની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે લોકશાહી દેશમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન પર રોક લગાવવી યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે રાજકીય પક્ષોને લોકોના પ્રશ્નો ઉઠાવવાનો અને તેમની માંગ સરકાર સુધી પહોંચાડવાનો સંપૂર્ણ અધિકાર હોવો જોઈએ. તેમના મતે આ પ્રકારની કાર્યવાહી લોકશાહીની ભાવના સાથે સુસંગત નથી.
રાહુલ-પ્રિયંકા સહિત અનેક નેતાઓની અટકાયત
પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત કોંગ્રેસના અનેક નેતાઓને દિલ્હી પોલીસે અટકાયતમાં લીધા હતા. રાહુલ ગાંધીને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને અન્ય વિરોધ પક્ષોના નેતાઓ સાથે છત્રસાલ સ્ટેડિયમ લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તમામને મુક્ત કરવામાં આવ્યા. પ્રિયંકા ગાંધીની અટકાયત બાદ કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધી મંદીર માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કે.સી. વેણુગોપાલ, પવન ખેરા, કેરળના વિપક્ષના નેતા વી.ડી. સતીશન અને કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર પણ જોડાયા હતા.
‘સંસદ ચાલો‘ બાદ ફરી રાજકીય ઘર્ષણ
કોંગ્રેસનું આ પ્રદર્શન એક દિવસ પહેલાં કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા યોજાયેલી ‘સંસદ ચાલો’ રેલી બાદ આવ્યું છે. તે પ્રદર્શન દરમિયાન પણ મધ્ય દિલ્હીમાં પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. હવે કોંગ્રેસ NEET-UG 2026ના કથિત પ્રશ્નપત્ર લીક મુદ્દે કેન્દ્ર સરકાર સામે સતત આક્રમક વલણ અપનાવી રહી છે અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર અડગ છે.