Gujarat

કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ફૂલહાર નહીં સ્વીકારાઇ

અમદાવાદ : મોરબી (Morbi) દુર્ઘટના બાદ તુરત જ પ્રથમ દિવસે ગુજરાતમાં (Gujarat) પાંચ જગ્યાએથી શરૂ થનાર પરિવર્તન સંકલ્પ યાત્રા મુલત્વી રાખીને કોંગ્રેસ (Congress) પક્ષે નૈતિક જવાબદારી સ્વીકારીને શોકાતુર મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી છે. સરકારે જાહેર કરેલો શોક માત્ર રાજકીય ગતકડું છે. કોંગ્રેસે તો તુરત જ પ્રથમ દિવસે જ યાત્રા મુલતવી રાખીને શોક વ્યક્ત કરી જ દીધો છે. એટલે આવતીકાલે તા. ૨-૧૧-૨૦૨૨ના રોજ સરકારે જે દેખાવ પૂરતો શોક જાહેર કર્યો છે, ત્યારે કોંગ્રેસની સમગ્ર ગુજરાતમાં નિકળનાર પરિવર્તન સંકલ્પ યાત્રા પ્રારંભે મૌન પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપીને યાત્રા આગળ વધશે અને દિવસ દરમ્યાન યાત્રામાં ક્યાંય ફૂલ – હાર સ્વીકારવામાં અને કરવામાં આવશે નહીં, તેવું પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું.

જગદીશ ઠાકોરે વધુમાં કહ્યું હતું કે, પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસ પ્રજાને આપેલા વચનોથી સંકલ્પ બધ્ધ છે. છેલ્લા ત્રણ દાયકા જેટલા સમયથી ભાજપના કુશાસન, ખોટી નીતિ અને અણઘડ વહિવટથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. સમાજના તમામ વર્ગો પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડી રહ્યાં છે. ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારીના નાગરિકોનું જીવન અસહ્ય બન્યું છે.

આ ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’માં ગુજરાતની લગભગ તમામ વિધાનસભા બેઠકોને આવરી સમગ્ર યાત્રામાં ૧૪૫ જાહેર સભાઓ, ૩૫ સ્વાગત પોઈન્ટ (ફુલહાર સ્વિકારવામાં નહીં આવે), ૯૫ રેલીનું આયોજન કરવામાં આવેલું છે. વ્યાપક જનસંપર્ક માટે કોંગ્રેસ પક્ષની ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ કુલ ૫૪૩૨ કિ.મી. થી વધુ લાંબી યાત્રામાં દસ લાખથી પણ વધુ કાર્યકર્તાઓ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે પરિવર્તન સંકલ્પ યાત્રા’ દરમ્યાન ગુજરાતના ૪.૫ કરોડ લોકો સાથે સીધો જનસંપર્ક કરીને દિન પ્રતિદિન આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં તોતીંગ વધારો, કથળેલી સ્વાસ્થ્ય સુવિધાઓ તેમજ કાયદો અને વ્યવસ્થાની ખાડે પડેલી પરિસ્થિતિમાં ગુજરાતની પ્રજા માટે આ ભાજપના કુશાસનથી મુક્તિ મેળવવા આ પરિવર્તન યાત્રા એક સંકલ્પ યાત્રા છે.

Most Popular

To Top