Gujarat

રાજ્યમાં અતિવૃષ્ટિમાં અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય કરવા કોંગ્રેસની માંગ

અમદાવાદ : રાજ્યમાં થઈ રહેલા ભારે વરસાદને (Heavy Rain) કારણે અનેક જિલ્લાઓ અને પંથકો જળબંબાકાર થઈ જતા સંખ્યાબંધ ગામો અને શહેરોમાં લાખો લોકો પૂરથી (Flood) અસરગ્રસ્ત થયા છે. ત્યારે રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે કેસડોલની ચુકવણી શરૂ કરવી જોઈએ, જે થઈ શકી નથી. સરકારે નુકસાનીના સર્વે કરવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી નક્કર કામગીરી શરૂ થઈ નથી. આ કામગીરી ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. જેથી તાત્કાલિક પૂર અસરગ્રસ્તોને સહાય ચૂકવવા માટેના પગલાં ભરવામાં આવે તેવી માગણી પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના દંડક ડૉ. સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓ અને વિસ્તારો જળબંબાકાર થયા છે. હજારો પરિવારો બેઘર થયા છે, અનેક મકાનોને નુકસાન થયું છે. રાજ્ય સરકાર ૧૫મી જૂને – ચોમાસાની શરૂઆત ગણીને આગોતરૂ આયોજન કરવામાં વધુ એક વાર નિષ્ફળ ગઈ છે, ત્યારે ગુજરાતના પુરગ્રસ્તો – અસરગ્રસ્તોને પૂરતી સહાય મળે, સરકારી તંત્ર સત્વરે પગલા ભરી સહાય ચુકવવામાં આવે.

ડૉ. સી.જે. ચાવડાએ વધુમાં કહ્યુ હતું કે, ગુજરાતના અનેક જિલ્લાઓ અત્યારે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં છે. રોડ-રસ્તા, દવાખાના, શિક્ષણ વગેરે માટે આગોતરુ આયોજન કરવાનું હોય છે, ત્યારે પ્રશાસન અન્ય રાજ્યની સરકાર બદલવામાં વ્યસ્ત હતું. રાજ્યના નાગરિકોને કુદરતી આપત્તીમાં મદદ કરવા – સહાય માટેના નિતિ નિયમો છે પણ તે કાગળ પર હોય તેમ, વિવિધ વિસ્તારના કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો, આગેવાનોએ મુલાકાત સમયે પુરગ્રસ્ત-અસરગ્રસ્ત પરિવારોએ રજુઆત કરી. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે, ઘરવખરીને ભારે નુકસાન થયું છે, અનેક ઘરો ધોવાઈ ગયા છે, સરકાર જાહેરાતો કરે છે, પણ સર્વે નથી, પરિપત્રો છે પણ અમલવારી નથી, કુદરતી આપત્તીમાં મેન્યુઅલ છે, પણ નિતિનો અભાવ છે, અસરગ્રસ્તો સુધી તંત્રએ પહોંચવાનું હોય છે ત્યાં પહોંચ્યુ નથી.

Most Popular

To Top