Madhya Gujarat

આણંદમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા બે ગઠિયા રૂા.2 લાખના દાગીના સેરવી ગયાં

આણંદ : આણંદ શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં પોલીસ ચોકીની સામે જ આવેલા હર્ષિતા જ્વેલર્સ પર ગ્રાહકોના સ્વાંગમાં આવેલા બે ગઠિયા સોનાના પેન્ડલ ખરીદવાના બહાને રૂ.2 લાખના દાગીના સેરવી ગયાં હતાં. આ શખસોએ વેપારીને અન્ય ડિઝાઇનના પેડલ લેવા બહાર મોકલ્યા બાદ કારીગરની નજર ચુકવી ચોરી કરી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે. જોકે, મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ દાખલ થઇ નહતી. આણંદ શહેરના લોટીયા ભાગોળમાં હર્ષિતા જ્વેલર્સ આવેલું છે. આ જ્વેલર્સના માલીક ભરતભાઈ સોલંકી લગ્ન પ્રસંગે બહાર હોવાથી મંગળવારના રોજ માત્ર કારીગર હાજર હતાં. દરમિયાનમાં દસેક વાગ્યાના સુમારે બે શખસ ગ્રાહકના સ્વાંગમાં જ્વેલર્સ પર આવી પહોંચ્યાં હતાં. તેઓએ સોનાના પેન્ડલ ખરીદવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. આથી, કારીગરે તુરંત ભરતભાઈને જાણ કરતાં તેઓ દાગીનાની પેટી લઇને દુકાને આવી પહોંચ્યાં હતાં. જોકે, થોડો સમય આમતેમ પેન્ડલ જોયા બાદ નાપસંદગી દર્શાવી હતી.

આ ઉપરાંત પત્નીને ગીફ્ટ કરવાની હોવાનું બહાનુ બતાવી બીજા જ્વેલર્સ પરથી અન્ય ડિઝાઇનના પેન્ડલ લાવી આપવા દબાણ કર્યું હતું. આથી, ગ્રાહકને સાચવવા માટે ભરતભાઈ તુરંત બહાર નિકળ્યાં હતાં. આ તકનો લાભ લઇ બન્ને ગઠિયાએ ફરીથી સોનાની પેટીમાં પેન્ડલ જોવાનું શરૂ કર્યું હતું. આ સમયે હાજર કારીગરની નજર ચુકવી તેઓએ ઝુમ્મરવાળી બુટ્ટીનું બોક્સ ઉઠાવી લીધું હતું. જેમાં છ બુટ્ટીઓ કિંમત રૂ.1.80 હતી. આ પોણા બે લાખનું બોક્સ ઉઠાવ્યાની ગણતરીની મિનિટોમાં જ તેઓએ ચાલતી પકડી હતી. આ બાબતથી અજાણ કારીગર પણ કામે લાગ્યો હતો. જોકે, ભરતભાઈ પરત આવી જોતા ગ્રાહક ન હતાં. આથી, બેગમાં તપાસ કરતાં તેમાંથી છ બુટ્ટીઓ ભરેલું બોક્સ ગાયબ હતું. આથી, ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયા ચોરી કરી ગયાનું જણાયું હતું. જોકે, આ બાબતે ભરતભાઈએ બુધવાર મોડી સાંજ સુધી કોઇ ફરિયાદ આપી નહતી. પરંતુ પોલીસે મામલાની ગંભીરતાથી લઇ સીસીટીવી ફુટેજ આધારે તપાસ હાથ ધરી છે.

આ અંગે ભારતભાઈના બહેન ધર્મિષ્ઠાબહેને જણાવ્યું હતું કે, જ્વેલર્સ પર બે વ્યક્તિ આવ્યાં હતાં અને તેઓએ પેન્ડલ ખરીદવા જણાવ્યું હતું. જોકે, પેન્ડલ બતાવ્યાં બાદ તેઓએ ગમતા નથી તેમ કહ્યું. આથી, બીજા પેન્ડલ લાવવા કહેતા ભરતભાઈ બહાર નીકળ્યાં હતાં. બાદમાં એક બ્લ્યુ કલરની ડબ્બી ગાયબ કરી વસ્તુ લઇ ગયાં હતાં. જેમાં બેથી અઢી લાખની મત્તા ચોરી ગયાં હતાં. જોકે, શોધખોળ છતાં કોઇ મળી આવ્યું નહતું.
સોનીને જ ટાર્ગેટ કરતી ગેંગ સક્રિય થતાં ફફડાટ
આણંદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં જ સોનીને ટાર્ગેટ કરી દાગીનાની ચીલઝડપ થઇ હોવાના બે બનાવ બનતાં ફફડાટ ફેલાઇ ગયો છે. કોરોના કાળમાં લાંબા સમય બાદ બજારમાં તેજી જોવા મળી છે. આવા સમયે તસ્કરોએ પણ માઝા મુકતા વેપારીઓમાં ચિંતાની લાગણી જન્મી છે.

આંકલાવની ચીલઝડપ કેસમાં પોલીસે વડોદરા તપાસ લંબાવી
આંકલાવમાં બે દિવસ પહેલા મોડી રાત્રે તસ્કરોએ વેપારીની કારમાં પંચર પાડી તેમાંથી રૂ.45 લાખના દાગીના ભરેલી બેગની ચીલ ઝડપ કર્યા બાદ વડોદરા તરફ ગયાં હોવાનું પોલીસને સીસીટીવી ફુટેજ પરથી જાણવા મળ્યું હતું. આથી, આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને આંકલાવ પોલીસની ટીમ વધુ તપાસ અર્થે વડોદરા તરફ રવાના થઇ છે. જોકે, હાલ આ શખસો વડોદરાના જ હતા કે અન્ય કોઇ જિલ્લાના તે બાબતે પોલીસ પણ હજુ સ્પષ્ટ થઇ શકી નથી. લોટીયા ભાગોળ પોલીસની સામે જ બનેલો બનાવ
આણંદ શહેરના તસ્કરોને પોલીસનો પણ ભય રહ્યો નથી, તે લોટીયા ભાગોળની ચોરી પરથી ફલિત થઇ રહ્યું છે. હર્ષિતા જ્વેલર્સની સામે જ લોટીયા ભાગોળ પોલીસ ચોકી આવેલી છે. આમ છતાં ગઠિયાઓએ આ જ્વેલર્સમાં ઘુસીને ચોરી કરી પોબારા ભણી ગયાં છે. જે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top