Comments

કામદારો અંગેની નીતિ સુધારશો તો ઉદ્યોગ-ધંધા સારા ચાલશે

આજે સમગ્ર દુનિયામાં ઔદ્યોગિકીકરણનો વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે. દેશની સમૃદ્ધિ, ઉત્થાન, આર્થિક સધ્ધરતા વિગેરે ઉદ્યોગનાં કાર્યો અને તેમાંથી ઉત્પન્ન થતા પ્રોડકટ પર આધાર રાખે છે! એટલે દરેક દેશ ઉદ્યોગના કાર્ય અને તેના વિકાસ માટે ખૂબ જાગૃત રહે છે. આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાના દેશોમાં ચાયના સૌથી વધુ મેન્યુફેકચરીંગ અને મોટું ઉત્પાદન કરતો દુનિયામાં પહેલો નંબર છે. ત્યાર પછી ભારતનો મેન્યુફેકચરીંગ ઉત્પાદનનો દુનિયામાં બીજો નંબર આવે છે.

handshake isolated on business background

ભારત દેશ એક મોટો લોકશાહી દેશ છે. તેની વસ્તી ૧૩૫ કરોડ જેટલી છે. આ મહાકાય વસ્તીમાં અનેક પ્રકારના ઉદ્યોગો ભારત દેશમાં ધમધમી રહ્યા છે  અને વધુ વિકાસ અને ઉત્પાદનશકિત વધે એ માટે સરકાર વધુ સક્રિય છે; પણ  ઉદ્યોગ માટેના જરૂરી એવા કાયદાઓ અને નિયમોના માપદંડો છે તે હાલના  સમયમાં ફેરફાર કે બદલાવની આવશ્યકતા છે.

ઉદ્યોગ અંગેના જૂના માપદંડો હવે નિરર્થક બની રહ્યા છે  તો કેટલાક એવા છે કે ઉદ્યોગના વિકાસમાં બાધારૂપ છે. આ અંગે આપણે અહીં થોડો વિચારવિમર્શ કરીએ-વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે. દુનિયાના ઘણા દેશો તેના સભ્ય છે.

આ ઓર્ગેનાઇઝેશન ખૂબ જૂનું છે. એના જે કાયદા અને નિયમો જે હાલમાં છે તેની પાંખ જેટલી ઊડવી જોઇએ તેટલી ઊડતી નથી.  કેટલાક દેશો આ ઓર્ગેનાઇઝેશનથી દૂર થઇ રહ્યા છે; જે દુનિયાના ઔદ્યોગિકીકરણ માટે એક મોટો પ્રશ્ન બની રહેશે એવી દહેશત છે. આજે જયારે દુનિયામાં ઔદ્યોગિકીકરણ માટે સંગઠનની જરૂર છે ત્યારે આ ઓર્ગેનાઇઝેશનમાંથી ખસી જવું એ દુનિયાના ઉદ્યોગજગત માટે એક મોટું જોખમરૂપ પણ ગણાય છે.

ઉદ્યોગ હોય એટલે લેબર – કામદારની જરૂર પડે છે. તેના વગર ઉદ્યોગકાર્ય થઇ શકે નહિ. મોટા ભાગના ઉદ્યોગો લેબર ઓરીએન્ટેડ હોઇ ખૂબ મોટી સંખ્યામાં ઉદ્યોગમાં કાર્યરત હોય છે. ઉદ્યોગમાં કામદાર માટે સરકારે લેબર લોઝનું આયોજન કરેલ છે. આ લેબર વર્ષો જૂના છે. જો કે હાલમાં સરકારે તેમાં સુધારણાનું કામ શરૂ કર્યું છે.

હાલના લેબર લોઝ છે તે ઉદ્યોગકારના અનુભવે તે પ્રો-લેબર છે એવી લાગણી છે. જો કે ઉદ્યોગમાં કામ કરતા કામદારના બધી રીતના રક્ષણ અંગે કાયદાની જરૂર પણ ખરી છે. કામદારોને તેની સગવડ, અને તેના વેતન વિગેરેની દેખભાળ માટે ફેકટરી ઇન્સ્પેકટર ઓફીસની સરકારે નિયુકત કરેલ છે. લેબર લોઝની વાત કરીએ તો તે થોડા વધુ પડતા પ્રો-લેબર તરફ ઢળેલા છે. હાલના સમય પ્રમાણે એમાં ફેરફાર સાથે થોડા રીલેકશેનની જરૂર છે તેનો ખૂબ મોટો અભાવ છે.

રીલેકશેનનો અર્થ એ નથી કે કામદારને એક બંધક તરીકે કામકાજમાં જોતરવાનો નથી. પણ તે ઉદ્યોગના વિકાસ અને વધુ ઉત્પાદકતાને વેગ આપે તે માટે તેના પર કાયદાનું બંધન હોય તો જ તે કામદાર કામ કરી શકે. તેની હાલમાં કમી છે. જો કામદારની ઉત્પાદક કરવાની શકિત વધુ કરવી હોય તો તેના વેતનને ઉત્પાદનના ગ્રોથ સાથે જોડવું જોઇએ. પણ તે હાલમાં નથી તેનો અમલ જરૂરી છે.

કામદારોના કાર્ય અને તેના રક્ષણ માટે કામદાર યુનિયનોનો રાફડો ફાટયો છે. સરકારી રાહે આ યુનિયનોને લાઇસન્સ આપવામાં આવે છે. પણ યુનિયનના બંધારણ પ્રમાણે ઘણાં યુનિયનોમાં કામદારોની મેમ્બર સંખ્યા તેમ જ યુનિયન નેતાની રીતિનીતિ અને ચાલચલગત વિગેરેની કોઇ વિગત રજૂ કરવાની ન હોવાથી બોગસ યુનિયનો ઊભાં થઇ રહ્યાં છે.

સરકારી તંત્ર ખૂબ જ છૂટથી થોડી ફી ભરે એટલે તેને કામદાર યુનિયનનો નંબર આપી સર્ટીફાઇડ કરવામાં આવે છે. ખરી રીતે આવાં યુનિયનો  અને તેના નેતાની બધી રીતે તપાસ અને ખરાઇ કરવાની જરૂર છે. આવાં યુનિયનો કામદાર કે ઉદ્યોગના ભલા કે હિત માટે નહિ પણ પોતાનો રોટલો શેકવા અનેક પ્રકારના ખોટા મુદ્દા ઊભા કરી ઉદ્યોગમાં ખોટી માંગ અને હડતાળ કે બંધનું એલાન આપી ઉદ્યોગ પ્રવૃત્તિને ઠેસ મારે છે. એટલે આ બાબતે સરકારે આવી પ્રવૃત્તિ માટે સખત કાયદાની જરૂર હોય તો કોઇ બોગસ યુનિયનો પોતાની મનમાની કરી ઉદ્યોગકાર અને ઉદ્યોગને નુકસાન ન કરે!

કામદારને વેતન તથા તેમને મળવાપાત્ર હકકો જેવા કે હકક રજા, વેતન, બોનસ વિગેરે બાબતે પ્રશ્ન ઊભા થાય ત્યારે તેને લેબર કોર્ટમાં લઇ જવામાં આવે છે. લેબર કોર્ટ પણ પ્રો-લેબર આજે બની ગઇ હોવાથી ઉદ્યોગને આર્થિક રીતે મોટી નુકસાનીમાં મૂકયાની વાત જગજાહેર છે. જો કે લેબર કોર્ટને સમતોલપણે બન્ને પક્ષે સમાધાન કે આર્થિક રીતે સમતોલપણાથી જજમેન્ટ આપવું જોઇએ. તેનો આજે અભાવ છે. આજે ઉદ્યોગ આલમમાં આ બાબતે ચર્ચાઇ રહ્યું છે.

તાજેતરમાં ગુજરાત ગવર્નમેન્ટે ફેકટરી એકટમાં માઇક્રો અને મીડીયમ ઉદ્યોગોમાં કામદારોની સંખ્યાને આ કાયદાથી મુકિત આપવાની અને કામદારોના વર્કીંગ અવરને ૮ કલાકને બદલે ૧૨ કલાક કરવા માટેનો મુદ્દો રજૂ કર્યો છે તેની સામે ગુજરાત મજદૂર સભા યુનિયને આ ફેરફાર માટે ગુજરાત ગવર્નમેન્ટને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

ગુજરાત ગવર્નમેન્ટે આ ફેરફાર પરદેશી બહારના ઉદ્યોગકરોને આકર્ષવા માટે રજૂ કર્યો છે. આ બાબતે એક દાખલો જોઇએ તો જાપાનની એક કંપની તદ્દન લેટેસ્ટ વિવિંગ મહાકાય ઉદ્યોગ સૂરતમાં નાખવા માટેની પ્રપોઝલ આવી હતી તે પૈકી જાપાનીસ કંપનીના ઓફીસરોએ સર્વે કરી નકકી કર્યું હતું પણ પાછળથી તેઓએ જોયું કે લેબર લોઝ પ્રો-લેબર હોઇ તેઓ આ કામ કરી ન શકે એટલે આ પ્રોજેકટ શ્રીલંકામાં ઊભો કર્યો. આજે એ પ્લાન્ટ ધમધમી રહ્યો છે.

આવી રીતે આમ બહારના પરદેશી ઉદ્યોગકારો પણ આપણા લેબર લોઝને આવકારતા નથી. તેથી લો માં સુધારાની ખાસ જરૂર છે. કામદાર યુનિયનોને સરકારની વિરુધ્ધ કોર્ટમાં પડકારવાની સત્તા ન હોવી જોઇએ. એટલે જ ચાયના અને વિયેતનામ વિગેરે દેશોમાં કામદારો તેમના કામમાં એકાગ્રતા અને ખંત જોવામાં આવે છે.

  • જયોતીન્દ્ર ભ. લેખડિયા –  આ લેખમાં પ્રગટ થયેલાં િવચારો લેખકનાં પોતાના છે.
Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top