Dakshin Gujarat

‘હું રાશિ લેબર યુનિયનની માલિક છું, તમે કંપનીવાળાને એટ્રોસિટીમાં ફસાવી દઈશ’

ઉમરગામ : ‘અમે રાશિ લેબર યુનિયન કંપનીના માણસો છીએ, એટલે અમારી પરવાનગી વગર કોઈપણ માલ સામાન કંપનીમાંથી (Company) બહાર નહીં જાય’ તેમ જણાવી સરીગામની સ્વદેશી ટેક્ષટાઇલ કંપનીના ટેક્નિકલ મેનેજર અને કર્મચારીઓને ધમકી (Threat) આપનાર એક મહિલા સહિત ચાર જણા વિરુદ્ધ પોલીસ (Police) ચોપડે ફરિયાદ નોંધાવી છે.

સરીગામ જીઆઇડીસી સ્થિત સ્વદેશી ટેક્ષટાઇલ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા રાઘવેન્દ્ર રાજેન્દ્ર તિવારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે સરીગામની સ્વદેશી ટેક્ષટાઈલ કંપનીમાંથી દિલીપ ભંડારી અને તેમનો છોકરો પિંકલ ભંડારી પિંકલ એન્ડ દિનેશ એન્ટરપ્રાઇઝ નામની કંપની સ્ક્રેપના માલસામાનની ખરીદી કરે છે. કંપનીના સંબંધો પિંકલ ભંડારી સાથે સારા હોવાથી કંપનીએ સ્ક્રેપનું તેમની સાથે વેચાણ કરવાનું નક્કી કરેલું છે.

ગતરોજ સાંજે પિંકલ દિલીપભાઈ ભંડારીએ મજુરો સાથે મોકલેલી ટ્રક નંબર આર જે-27-જીડી-8111 માં સ્ક્રેપનો માલ સામાન ક્રેન દ્વારા ટ્રકમાં લોડિંગ થતો હતો ત્યારે એક ઈસમે કંપનીમાં આવી ધમકી આપી ટ્રકમાં લોડિંગ થતા સ્ક્રેપનો માલ સામાન ભરતા અટકાવી ધમકી આપતા જણાવ્યું હતું કે ‘અમે રાશિ લેબર યુનિયન કંપનીના માણસો છીએ, એટલે અમારી પરવાનગી વગર માલ સામાન કંપનીમાંથી બહાર નહીં જાય’ તેમ જણાવી ગાળો આપી આ ઈસમે યોગિનીબેનને ફોન કરી જણાવ્યું હતું કે તેઓ લેબર યુનિયન ચલાવે છે અને તેમની મરજી વગર અહીંથી સામાન કંપનીની બહાર નહીં જાય.

ત્યારબાદ બીજા ઇસમે બુલેટ પર આવી કંપનીના માણસોને ધમકાવવા લાગ્યો હતો. યોગીનીબેન પણ બીજા ઈસમ સાથે રેન્જ રોવર કારમાં ત્યાં આવી ‘હું રાશિ લેબર યુનિયનની માલિક છું, તમે કંપનીવાળાને એટ્રોસિટીના કેસમાં ફસાવી દઈશ કહી ઉશ્કેરાઈ કંપનીમાં અમારા રાશિ લેબર યુનિયનના કહેવા મુજબ કામ નહીં આપો તો જાનથી હાથ ધોવાનો વારો આવશે, કહીં ધમકી આપી યોગીનીબેન તથા તેના માણસોએ પિંકલભાઈ સાથે બોલાચાલી કરી માર મારતા લોકોએ ભેગા થઈ છૂટા પાડ્યા હતા. આ મારા મારી બાબતે બંને પક્ષે સામ સામી ફરિયાદ ભિલાડ પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.

આ કામના તહોમતદારો ઋષિલાલ રોહોણી સાંકેત, તેજસ અશ્વિનભાઈ રાઠોડ તથા યોગીનીબેન રાજેશભાઈ રાઠોડ તથા દક્ષિલ અશ્વિનભાઈ રાઠોડ (તમામ રહે સરીગામ)એ ભેગા મળી સ્વદેશી ટેક્ષટાઇલ કંપનીના પ્રિમાયસીસમાં ગેરકાયદેસર પ્રવેશી મારી નાખવાની ધમકી આપી હોવાની કંપનીના મેનેજર રાઘવેન્દ્ર રાજેન્દ્ર તિવારીએ પોલીસમાં ફરીયાદ આપતા ભિલાડ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top