Dakshin Gujarat

ક્રિકેટ રમતા મિત્રોને મળી યુવકો પરત ફરતા હતા, મોડી રાત સુધી ન આવતા ફોન કર્યો અને શોઘવા નીકળતા જ…

પલસાણા: કામરેજના કઠોદરા ગામે રહેતા બે સગીર વયનાં બાળકો તેમના મિત્રનું બાઇક (Bike) લઇ કામ અર્થે બોરાણ ગામે નીકળ્યા હતા. રાત સુધી પરત ન ફરતાં તેના મિત્રો તેમને શોધવા ગયા ત્યારે પલસાણાના (Palsana) એરથાણ ગામની સીમમાં કેનાલ રોડની સાઇડમાં કોઇ અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને અકસ્માત (Accident) કરતાં બંને સગીરોને ગંભીર ઇજા થવાથી તેમનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

મળતી માહિતી અનુસાર કામરેજના કઠોદરા ગામે રહેતા અંકુર મુકેશ રાઠોડ (ઉં.વ.૧૭) તથા તેનો મિત્ર અજય દિનેશ રાઠોડને તેમના કામ અર્થે બોરાણ ગામે જવા માટે તેમના અન્ય મિત્ર વિજય રાઠોડની બાઇક નં. (જીજે ૦૫ ડબ્લ્યૂએચ ૪૮૩૫) લઈ નવાગામના ક્રિકેટ ગ્રાઉન્ડ પ૨ ક્રિકેટ રમતા તેમના મિત્રોને મળી આ બંને સગીર બોરાણ ગામે જવા નીકળ્યા હતા. ત્યારબાદ મોડી રાત સુધી પણ તેઓ પરત ન ફરતાં ગામના અન્ય મિત્રોએ તેમને ફોન કરી સંપર્ક કરવાની કોશિશ કરી હતી. પરંતુ કોઇ જવાબ ન મળતાં અંતે મિત્રોને શોધવા માટે કાર લઇને નીકળ્યા હતા.

પલસાણાના એરથાણ ગામથી બોરાણ ગામ તરફ જતા રસ્તા પર જતી વેળા એરથાણ ગામ પાસે કેનાલ રોડ પ૨ અંકુર રાઠોડનાં ચપ્પલ જોવા મળતાં મિત્રોએ ગાડી ઊભી રાખી ત્યાં તપાસ કરતાં બાજુમાં આવેલી ગટરમાં બંને મિત્રો તેમજ બાઇક એક્સિડન્ટ થયેલી હાલતમાં પડી હતી. આથી તેમને બહાર કાઢી ૧૦૮ તેમજ પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં અંકુર રાઠોડ તેમજ અજય રાઠોડનું ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં. કોઇ અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જ્યો હોવાથી પલસાણા પોલીસે અજાણ્યા વાહનચાલક, બાઇકચાલક સગીર વયના અંકુર રાઠોડ તેમજ બાઇકના મૂળ માલિક વિજય રાઠોડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બલવાડામાં હાઈવે પાસે વાહન અટફટે તિથલના બાઇક સવાર શખ્સનું મોત
ઘેજ : ચીખલી નજીકના બલવાડામાં નેશનલ હાઈવેના ઓવરબ્રિજ પાસે અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોટર સાયકલ સવાર તિથલના 53 વર્ષીય શખ્સનું મોત નીપજ્યું હતું. પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ વલસાડ-તિથલના માસ્ટર ફળિયાના રહેવાસી હર્ષદરાય ઉત્તમરાય પટેલ વાપીમાં દીપ એન્જિનિયરીંગ કંપનીમાં નોકરી કરતા હતા. આજે સવારના સમયે તેમની કાળા રંગની હોન્ડા સાઈન મોટર સાયકલ નંબર જીજે-15-બીએમ-8469 પર આલીપોર વસુધારા ડેરીમાં નોકરીના કામ અર્થે જઇ રહ્યા હતા. તે દરમ્યાન બલવાડા નેશનલ હાઈવેના બ્રિજ પાસે કોઇ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા મોટર સાયકલ બ્રિજની પેરાપેટ સાથે અથડાતા હેલ્મેટ પણ ફંગોળાઈ ગયો હતો અને હર્ષદરાયને માથાના ભાગે ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું. ઉપરોક્ત અકસ્માતના બનાવમાં સંદિપ બાલુભાઈ પટેલ (રહે. વાધલધરા વારી ફળિયા તા. જી. વલસાડ)ની ફરિયાદમાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Most Popular

To Top