Health

કોડ બ્લૂ, રૂમ નં: 1223

હું હોસ્પિટલના રાઉન્ડ પર હતો અને એક જાહેરાત થઈ, ‘કોડ બ્લૂ, રૂમ નંબર 1223. કોડ બ્લૂ, રૂમ નંબર 1223’. આવી જાહેરાત તમામ સ્ટાફ અને ડૉક્ટરોને ખડે પગે ઊભા કરી દેતી હોય છે અને એ જ સમયે જે દર્દીની અમે તપાસ કરી રહ્યા હતા એમના સંબંધીએ પૂછ્યું કે સાહેબ, આ જાહેરાત થઈ એમાં ‘કોડ બ્લૂનો મતલબ શું થાય? ઘણી વાર ક્યારેક કોડ વ્હાઇટ કે કોડ ઓરેન્જ એવી પણ જાહેરાતો થતી હોય છે તો એનો કંઈક મતલબ હશે??’ હોસ્પિટલમાં પ્રોટોકોલ પ્રમાણે એ દર્દીના સંબંધીને મારે ના કહેવી પડી કે હું તમને જણાવી નહીં શકું કે એનો મતલબ શું છે.

અત્યારે આજે આપણે કંઈક આવા જ વિચાર માંગી લેતા એક મુદ્દા પર વાત કરીશું કે દર્દી માટે કે દર્દીના સંબંધીઓ માટે હોસ્પિટલો કઈ રીતે કાર્યરત રહેતી હોય છે? તમે જ્યારે દાખલ થયા હો કોઈ પણ માંદગી હેઠળ કે તમે ફક્ત OPD માં પણ બતાવવા માટે ગયા હો છો ત્યારે એની પાછળ કેટલું મોટું મેનેજમેન્ટ કામ કરી રહ્યું હોય છે. પેશન્ટની સેફટી માટે કે પેશન્ટની પ્રાઇવેસી માટે ઘણી બધી વસ્તુઓ પડદા પાછળ કાર્યરત હોય છે. હોસ્પિટલ ઇમરજન્સી કોડ્સ એમાંની જ એક છે. આજના અંકનું ટાઈટલ આમ જોવા જઈએ તો હોસ્પિટલ ઈમરજન્સી કોડ જ હોવું જોઈએ, બરાબર ને!

શું છે હોસ્પિટલ ઈમરજન્સી કોડ??
હોસ્પિટલ ઈમરજન્સી કોડ એ એક કોડેડ સંદેશાઓ છે જે મોટાભાગે હોસ્પિટલની જાહેર સ્પીકર સિસ્ટમ પર જાહેરાત કરવામાં આવતા હોય છે અને જેનાથી સ્ટાફને હોસ્પિટલમાં જેતે જગ્યા પરની માહિતી અને ત્યાં ઉદભવેલી ઇમરજન્સી કે એના વિવિધ વર્ગો વિશે ચેતવણી આપવામાં આવે છે. ક્યારેક આ પ્રકારનું કોમ્યુનિકેશન હોસ્પિટલમાં ઇન્ટરકોમ દ્વારા કે પછી પેજર્સ જેવી ડિવાઇસ દ્વારા પણ કરવામાં આવતું હોય છે. હોસ્પિટલમાં આ પ્રકારના કોડવાળા નામ ઉપયોગમાં લઇ સ્ટાફને ઇમરજન્સી કે જે તે ઘટના અંગે એલર્ટ કરવામાં આવતા હોય છે.

શા માટે આ કોડ? શું ઉપયોગ છે આ પ્રકારની સિસ્ટમનો?
તમે કલ્પના કરો કે તમે 1222 નંબરના રૂમમાં દાખલ થયા છો અને સ્પીકર પર એવી જાહેરાત કરવામાં આવે કે જે તમે સાંભળી શકો છો અને જાહેરાત એવી છે કે ‘1223 નંબરના પેશન્ટને કાર્ડિયાક એરેસ્ટ થયું છે. પેશન્ટની પલ્સ નથી અને પેશન્ટ બેભાન અવસ્થામાં છે. જલ્દીથી કોઈ પણ ડોક્ટર અહીં ઉપસ્થિત થાય.’ આવી જાહેરાત કરવામાં આવે તો સમગ્ર હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓ 100% પેનિક થાય, તેઓ સ્ટ્રેસમાં આવે, તેઓ વધુ ચિંતાતુર બને, તેમની સાથે સાથે અન્ય સ્ટાફ કે અન્ય સંબંધીઓ પણ ચિંતામાં મુકાઈ જાય અને તેઓ ગભરાઈ જાય.

બસ આ જ કારણે આવો સંદેશો ફક્ત એક જ શબ્દમાં આપવો હોય તો જાહેરાત એવી કરવામાં આવે કે કોડ બ્લૂ, રૂમ નંબર 1223.’ તો વળી જે રૂમ નંબર કે અન્ય અમુક માહિતી હોય છે એ પણ દરેક હોસ્પિટલના અલગ અલગ રીતે ડિઝાઇન કરવામાં આવેલા હોય છે. જેમ કે અહીં 1223 નંબરનો મતલબ એવો નીકળી શકે કે પહેલો માળ, બીજી વિંગ અને 23 નંબરનો રૂમ. ક્યારેક 1223ની જગ્યાએ એમ પણ જાહેરાત થઈ શકે કે કોડ બ્લૂ, ફર્સ્ટ ફ્લોર, વિંગ ટુ, રૂમ નંબર 23. તો આ પ્રમાણે ફક્ત કોડ બ્લૂ એટલું જ જાહેર કરીને જેતે ડ્યુટી પરના ડૉક્ટર, જેતે નર્સિંગ સ્ટાફ સૌને આ રૂમ તરફ જવા માટે એલર્ટ કરવામાં આવતા હોય છે. જેથી સત્વરે જેતે દર્દીની સારવાર થઈ શકે અને કોઈ પણ પ્રકારની ગભરાટવાળી પરિસ્થિતિ હોસ્પિટલમાં ના ઉદભવે. આમ આવા કોડનો ઉપયોગ હોસ્પિટલના મુલાકાતીઓમાં તણાવ અને ગભરાટને રોકવા સાથે સ્ટાફને ઝડપથી અને ન્યૂનતમ ગેરસમજ સાથે આવશ્યક માહિતી પહોંચાડવાનો હોય છે.

શું આ કોડ યુનિવર્સલ એટલે કે સમગ્ર વિશ્વમાં એકસમાન છે?
ના, આવા કોડ સમગ્ર વિશ્વમાં એકસમાન નથી અને આ કોડ્સના ઉપયોગ માટેની કોઈ પ્રમાણિત માર્ગદર્શિકા હજી સુધી ઉપલબ્ધ નથી. વિશ્વકક્ષાએ આને સ્ટાન્ડર્ડાઇઝ કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ છે. વિવિધ દેશોમાં કે વિવિધ હોસ્પિટલોમાં આ કોડ અલગ અલગ સંદેશાઓ સાથે ઉપયોગમાં લેવામાં આવે છે. હોસ્પિટલો મોટેભાગે આ કોડનો ઉપયોગ કરતી હોય છે અને ખાસ કરીને જે મોટી હોસ્પિટલો હોય છે કે કોર્પોરેટ હોસ્પિટલ હોય છે એમાં આ સિસ્ટમનો ઉપયોગ જોવા મળે છે. (હોસ્પિટલ સિવાય ક્યારેક અમુક શાળાઓ, કાયદાને લગતી કચેરીઓ કે સંસ્થાઓ, અત્યાધુનિક નર્સિંગ હોમ વગેરેમાં પણ આ કોડ સિસ્ટમ જોવા મળે છે.) આવા કોડ ઘણી વાર સમગ્ર હોસ્પિટલમાં અલગ અલગ જગ્યાએ પોસ્ટર થકી મૂકવામાં આવેલા હોય છે તથા આના રેફરન્સ માટે જેતે અધિકારી કે કર્મચારીના તેમના પોતાના આઈડેન્ટિટી કાર્ડ પર પણ પાછળની બાજુ આ છાપવામાં આવે છે. જેથી જેતે કોડની યોગ્ય સમજ સૌને એક સમાન રહે અને એ અંગે કોઈ ગેરસમજ ઉપસ્થિત ના થાય.

વિવિધ પ્રકારના કોડમાં મુખ્યત્વે કોનો સમાવેશ થાય છે?
વિવિધ પ્રકારના કોડમાં મુખ્યત્વે જેનો સમાવેશ થાય છે એ છે કોડ બ્લૂ, કોડ રેડ અને કોડ બ્લેક. આ ઉપરાંત કોડ વ્હાઇટ, કોડ ઓરેન્જ, કોડ ગ્રે, કોડ પર્પલ, કોડ પિંક વગેરે જેવા કોડનો સમાવેશ થાય છે. સામાન્ય પણે મોટાભાગે કોડ બ્લૂ એ કાર્ડિયાક એરેસ્ટ માટે, કોડ રેડ આગ કે કોઈ પણ પ્રકારના ધુમાડા માટે, કોડ બ્લેક બોમ્બના ખતરા માટે તો કોડ ઓરેન્જ મેડિકલ ઈમરજન્સી માટે હોય છે, જે આગળ જણાવ્યા મુજબ હોસ્પિટલથી હોસ્પિટલ અલગ પણ હોય શકે.

ટૂંકમાં, હોસ્પિટલમાં બોમ્બ મુકાયાની માહિતી મળી હોય અને જાહેરાત આવી રીતે કરાય કે બોમ્બ છે તો કેવી દોડધામ મચી જાય, વિચારી જુઓ. પણ એની જગ્યાએ ફક્ત, ‘સિક્યોરિટી એલર્ટ, કોડ બ્લેક’ એવું જાહેર કરવામાં આવે તો સંલગ્ન સ્ટાફ અને ટીમ બધી બાબતોનું શાંત પણે ધ્યાન રાખી, જરૂરી દર્દીઓને બહાર કાઢવા કે યોગ્ય જગ્યાએ શિફ્ટ કરવા કે સુરક્ષિત કરવાની કામગીરી કરી શકે. બસ, હોસ્પિટલ ઈમરજન્સી કોડના આવા જ મોટા ફાયદા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં દર્દીઓને અમુક ચોક્કસ હક્કો પણ હોય છે, દર્દીના પક્ષમાં આવતા આવા અમુક હક્કો વિશે રસપ્રદ ચર્ચા અન્ય અંકમાં..

Most Popular

To Top