Gujarat

પ્રજાએ મૂકેલો ભરોસો તૂટે નહીં તેની કાળજી રાખીશું: ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ભાજપના (BJP) વિધાનસભા પક્ષની બેઠક બાદ નવા વરાયેલા નેતા તથા પદનામિત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કમલમ ખાતે કહયું હતું કે , પીએમ (PM) નરેન્દ્ર મોદીની વિકાસની રાજનીતિ અને ભાજપાની રાષ્ટ્રવાદની નીતિ ઉપર રાજ્યની જનતા જનાર્દને મંજુરીની મહોર મારી છે. આગામી સમયમાં રાજ્ય સરકારની રચના બાદ ગુજરાતને વિશ્વની હરોળમાં વધુ તેજ ગતિથી મૂકવા માટે રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન સતત પ્રયત્નશીલ રહેશે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની જનતાએ છેલ્લા ૨૭ વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ જનતા જનાર્દનનો ભરોસો તૂટે નહીં તેની કાળજી રાખીશુ અને સાથોસાથ વિકાસની ગતિ જાળવી રાખવામાં સફળતા મેળવી છે. ભારતીય જનતા પાર્ટીએ પ્રજા સમક્ષ રાખેલ સંકલ્પપત્ર રૂપી દસ્તાવેજમાં દર્શાવેલા તમામ મુદાઓ રાજ્ય સરકાર માટે અગ્રીમ સ્થાને રહેવાના છે.

ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા માટે આમંત્રણ પાઠવતા રાજ્યપાલ
ગાંધીનગર: ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને રાજભવન ખાતે ભારતીય જનતા પક્ષના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં ભાજપાના ઉચ્ચ પ્રતિનિધિ મંડળે રૂબરૂ મળીને નવનિર્વાચિત ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને ભારતીય જનતા પક્ષના 15મી વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવા સંદર્ભનો પત્ર સુપ્રત કર્યો હતો. આ પત્રમાં કરવામાં આવેલી વિનંતીને ધ્યાને લઈ રાજ્યપાલે તા. 12/12/2022ને સોમવારના રોજ બપોરે 2-00 કલાકે મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરવા માટે ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું છે.

પાટીલની અધ્યક્ષતામાં આજે બપોરે ભાજપના સીનિયર અગ્રણીઓ રાજભવન ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતને મળ્યું હતું. પાટીલે ભાજના વિધાનસભા પક્ષના નવા નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની વરણી કરાઈ તે એક લીટીનો ઠરાવ તથા ભાજપના ચૂંટાયેલા નવા ઉમેદવારોની યાદી પણ રાજયપાલને સુપ્રત કરી હતી. જેના પગલે રાજયપાલે ભૂપેન્દ્ર પટેલને તા.12મી ડિસે.ના રોજ શપથ ગ્રહણ કરવા આમંત્રણ આપ્યું હતું.

Most Popular

To Top