Gujarat

પંચમહાલથી 74માં વન મહોત્સવનો પ્રારંભ, બીજા વન કવચનું CM દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે (CM Bhupendra Patel) 74માં વન મહોત્સવનો (Forest Festival) પંચમહાલનાં (Panchmahal) જેપુરા-પાવાગઢથી (Jepura-Pavagarh) પ્રારંભ કરાવતાં રાજ્યને પર્યાવરણ પ્રિય વાતાવરણ નિર્માણની વધુ એક ભેંટ વન કવચ લોકાર્પણથી આપી છે. રાજ્યનાં વન વિભાગે તૈયાર કરેલા બીજા વન કવચનું ૭૪માં વન મહોત્સવ પ્રારંભ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વન કવચ 1.1 હેક્ટર વિસ્તારમાં 11,000 રોપાઓનાં ઊછેર સાથે નિર્માણ પામ્યું છે.આ વન કવચની વિશેષતા છે કે વિવિધ છોડની 100 જેટલી પ્રજાતિઓ અહિં વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવી છે તેની સાથે બીજી 100 જેટલી પ્રજાતિઓ કુદરતી રીતે આપોઆપ ઉગી નીકળી છે.

મુખ્યમંત્રીએ આ વન કવચનાં લોકાર્પણ સાથે દેવભુમિ-દ્વારિકા જિલ્લામાં હરસિદ્ધમાતા તીર્થ ક્ષેત્ર ખાતે નિર્માણ થનારા રાજ્યનાં 23માં સાંસ્કૃતિક વન હરસિદ્ધ વનનું ઈ-ખાતમૂહુર્ત પણ કર્યું હતું.તેમણે કહયું હતું કે રાજ્યની આબોહવા અને માટીની ફળદ્રુપતા ધ્યાને લઈ વૃક્ષોનાં વાવેતર દ્વારા આવા વન કવચ વિકસાવવા પીએમ નરેન્‍દ્ર મોદીએ પ્રેરણા આપેલી છે. મુખ્યમંત્રીએ આવનારી પેઢીઓને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા તેમજ શુદ્ધ વાતાવરણ પૂરું પાડવા માટે પર્યાવરણ સાથે સંતુલન જાળવીને ગ્રીન ગ્રોથથી વિકાસનું આહવાન કર્યું હતું. પટેલે કહયું હતું કે રાજ્ય સરકારે પણ ‘વન કવચ’ દ્વારા ગ્રીન કવર વધારવાનો અને ખુલ્લી જમીનમાં વૃક્ષ વાવેતરનો સફળ સેવાયજ્ઞ ઉપાડ્યો છે. આના પરિણામે મોટાપાયે વૃક્ષોનો ઊછેર થતાં માત્ર માનવ સૃષ્ટી જ નહિં પરંતુ પશુ પક્ષીઓને પણ શુદ્ધ વાતાવરણ મળી રહેશે.

તેમણે કહ્યું હતું કે પર્યાવરણ સાથે સમન્‍વય સાધીને વિકાસનો વિચાર પીએમ મોદીએ આપેલો છે. મિશન લાઈફ અન્‍વયે આપણા રોજબરોજનાં જીવનમાં પર્યાવરણ જાળવણી, જમીન અને માનવી બેયનું સ્વાસ્થ્ય બગડતું અટકાવવા પ્રાકૃતિક ખેતીનો નવતર વિચાર જેવા અભિગમોથી પીએમ મોદીએ સ્વાસ્થ્યપ્રદ જીવનનો માર્ગ બતાવ્યો છે. આ વર્ષે વન-મહોત્સવ અન્‍વયે 10.40 કરોડ રોપાઓનાં વિતરણની તેમજ રાજ્યનાં બધાં જ જિલ્લાઓમાં 100 હેક્ટર વિસ્તારમાં 85 સ્થળોએ વન કવચ વિકસાવવાની કામગીરીની ભૂમિકા તેમણે આપી હતી.

‘ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાત’ના મંત્રને સમગ્ર ગુજરાતભરમાં સાર્થક કરવાના ઉદ્દેશ સાથે આગામી તા. 5 ઓગસ્ટના રોજ રાજ્યના 32 જિલ્લાઓમાં કેબિનેટ, રાજ્યમંત્રી અને જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ તમામ આઠ મહાનગર પાલિકાઓમાં મેયરની પ્રેરક ઉપસ્થિતિમાં 74માં વન મહોત્સવ- 2023 મહાઅભિયાનની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવનાર છે. ‘વાવે ગુજરાત’ને ચરિતાર્થ કરી ગુજરાતને વધુને વધુ હરિયાળું બનાવવાના હેતુ સાથે આ મહાઅભિયાનમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠાના દાંતીવાડા ખાતે, નાણા મંત્રી કનુભાઇ દેસાઇ વલસાડ જિલ્લાના નામધા-વાપી ખાતે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણાના તપોવન જૈન દેરાસર-સતલાસણામાં, આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર ભરૂચના જંબુસરમાં ખાતે યોજાનાર વન મહોત્સવમાં વિશેષ ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સુરતના બારડોલી ખાતે, વન-પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ નવસારીના બિલીમોરામાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી કુંવરજી હળપતિ તાપી જિલ્લાના સોનગઢમાં, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા વડોદરાના પીપરીયા ગામ-વાઘોડિયામાં તેમજ નાયબ મુખ્ય દંડક વિજય પટેલ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ-ડાંગ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં સહભાગી થશે. આ સિવાય રાજ્યની અમદાવાદ, ગાંધીનગર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, વડોદરા અને સુરત એમ તમામ આઠ મહાનગરપાલિકા વિસ્તારમાં મેયર ઉપસ્થિતિમાં વન મહોત્સવ-2023ની ઉજવણી કરવામાં આવશે

Most Popular

To Top