Gujarat

સાવરકુંડલાના યુવકની દફનાવેલી લાશ પીએમ માટે બહાર કાઢવામાં આવી

અમરેલી : સાવરકુંડલા (Savarkundla) તાલુકાના બગોયા ગામે એક યુવાને બે વર્ષ અગાઉ વીડિયો વાયરલ કરી પોતાની હત્યાની આશંકા વ્યક્ત કરી હતી. દસ દિવસ પહેલા આ યુવકની લાશ નદી કાંઠેથી મળી આવી હતી. પરંતુ પરિવારે પોસ્ટમાર્ટમ કરવાની ના પાડતા લાશને દફનાવી દેવામાં આવી હતી. હવે જીજ્ઞેશ મેવાણીએ આ અંગે મામલો ઉઠાવતા વહીવટી તંત્રએ યુવકની લાશ જમીનમાંથી ખોદી કાઢી મોતનું કારણ જાણવા પોસ્ટમાર્ટમ માટે મેડિકલ કોલેજમાં (Medical College) લાવ્યા છે.

સાવરકુંડલા તાલુકાના બગોયા ગામના 32 વર્ષિય અરવિંદ ડાહ્યાભાઈ ઉર્ફે હવો પરમાર નામના વ્યક્તિનું 21 જુલાઈના રોજ મોત થયું હતું. તેમની લાશ ગામમાં જ નદી કાંઠે આવળમાના ઢોરા પાસેથી મળી આવી હતી. તેના વિરૂદ્ધ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં દારૂબંધી અને અન્ય કલમો હેઠળ 8 ગુના દાખલ થયા હતાં.

યુવાને ઉતારેલો પોતાનો એક વીડિયો અને ઓડિયો વાયરલ થયો હતો
આ યુવાને અગાઉ ઉતારેલો પોતાનો એક વીડિયો અને પોલીસવડા સાથે થયેલી વાતચીતનો ઓડિયો વાયરલ થયો હતો. જેમાં આ યુવાન ગામના એક શખ્સ દ્વારા પોતાની હત્યા કરાશે તેવી આશંકા વ્યક્ત કરી હતી. પોલીસવડાને તેણે ફોન પર પોતાની હત્યા થશે તેવી દહેશત દર્શાવી હતી. જો કે, તેણે પોલીસની કોઈ મદદ લેવાનો ઈનકાર પણ ર્ક્યો હતો. આ દરમિયાન જીજ્ઞેશ મેવાણીએ આ મામલો ઉઠાવી દલિત યુવાનની હત્યા આશંકા વ્યક્ત કરી હતી. જેને પગલે સાવરકુંડલા પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી વગેરે અધિકારીઓની ઉપસ્થિતિમાં યુવકની દફનાવાયેલી લાશ ખોદી કાઢી ફોરેન્સિક તપાસ અને પોસ્ટમાર્ટમ માટે ભાવનગર ખસેડી હતી.

લાશને પીએમ વગર પરત લાવ્યા હતા મૃતક અરવિંદના ભાઈ
મૃતક અરવિંદના ભાઇ ગુણવંતભાઇએ જણાવ્યું હતું કે લાશને દવાખાને લઇ ગયા હતા અને પીએમ વગર પરત લાવ્યા હતા. વાયરલ થયેલો વીડિયો બે વર્ષ પહેલાનો ગ્રામ પંચાયતની ચુંટણી વખતનો છે. હાલનો આવો કોઇ વીડિયો નથી.

Most Popular

To Top