Gujarat

ગુજરાતમાં બોગસ ડોકટરો વધી જતા નવો એક્ટ બનાવવામાં આવ્યો: જાણો શું છે આ કાયદો

સુરત : ગ્રામીણ વિસ્તાર (rural area)ના છેવાડાના લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સેવા (health service)ઓ મળી રહી તે માટે હવે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (clinical establishment act) બનાવવામાં આવ્યો છે. આ કાયદાથી સામાન્ય લોકોને બહુ મોટી રાહત રહેશે.

એસ્ટાબ્લિશમેન્ટ એકટ માટે દક્ષિણ ગુજરાતમાંથી પણ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. આ એકટમાં આર્યુવેદિક, હોમિયોપેથી કે પછી એમબીબીએસ હોય તેમણે તેમની ક્લિનિક પર ટ્રેઇન્ડ સ્ટાફ રાખવો પડશે. આ ઉપરાંત ક્લિનિક હોય કે પછી હોસ્પિટલ તેમાં ધારાધોરણ મુજબના સાધનો ફરજિયાત વસાવવા પડશે. કોઇ પણ સામાન્ય તબીબ આખી હોસ્પિટલ ભાગીદારીમાં ખોલીને જે રીતે હાટડી શરૂ કરી દેતા હતા તેના પર હવે કાબૂ આવી જશે.

આ ઉપરાંત મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ અને તમામ ક્લિનિકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અન્ય રાજયોમાં આ એકટ લાગુ કરાયો છે. ગુજરાતમાં થોડા દિવસોમાં આ એકટ લાગુ કરવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે. તેમાં ગાઇડ લાઇન અમલમાં રહેશે. એટલેકે જે તે હોસ્પિટલમાં ચોક્કસ સાધનો ફરજિયાત વસાવવા પડશે. નવા કાયદાને લઇને તમામ દર્દીઓને સારામાં સારી મેડિકલ સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે આ નવો કાયદો લાવવામાં આવ્યો છે. ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હાલમાં ભારતના અન્ય રાજ્યોમાં અમલી છે, આ કાયદો હવે ગુજરાતમાં પણ લાગુ કરવામાં આવશે. હોસ્પિટલમાં એક્સ-રે, સોનોગ્રાફી, સિટી સ્કેન તેમજ બ્લડ સહિતના વિવિધ સેમ્પલોના રિપોર્ટ કરવા સહિતની જોગવાઇઓ આપવામાં આવી છે. કાયદાની જોગવાઇ પ્રમાણે જો ડોક્ટરની લાયકાત નહીં હોય તો તેનું રજિસ્ટ્રેશન જ થઇ શકશે નહીં.

શું છે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ એ એવો કાયદો છે કે જેનાથી નાનામાં નાના માણસોને પણ રાહત મળી રહેશે. અત્યાર સુધી ઓછી ડિગ્રી ધરાવતા ડોક્ટરો પોતાનું ક્લિનિક તેમજ અન્ય ભાગીદારોને સાથે રાખીને નાની હોસ્પિટલ જ શરૂ કરી દેતાં હતાં. પરંતુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટથી તમામ નાની-મોટી હોસ્પિટલોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ હોસ્પિટલમાં બેડ પ્રમાણે કેટલો નર્સિંગ સ્ટાફ, કેટલો ડોક્ટરી સ્ટાફ તેમજ અન્ય સ્ટાફની જરૂર પડશે તે વિગતો પણ આપવી પડશે. આ ઉપરાંત હોસ્પિટલ પ્રમાણે તેમાં જરૂરી સાધનો છે કે નહી..? તેની પણ માહિતી સરકાર સુધી પહોંચશે. જે રજિસ્ટ્રેશન કરવામાં આવશે તેમાં એક વર્ષ સુધી રજિસ્ટ્રેશન માન્ય ગણાશે. જો હોસ્પિટલના લાયસન્સને આજીવન ચાલુ રાખવું હોય તો તે માટેની પણ પ્રોવિઝન રાખવામાં આવશે.

રાજ્યમાં બે બોડી દ્વારા કાયદાનું અમલીકરણ કરાશે

ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ માટે રાજ્યમાં બે બોડી બનશે. જેમાં એક બોડી રાજ્ય લેવલની હશે અને બીજી બોડી ડિસટ્રિક્ટ લેવલની હશે. આ બંને બોડીમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના બે હોદ્દેદારોને રાખવામાં આવશે. આ ઉપરાંત આરોગ્ય કમિશનર, ડેપ્યુટી કમિશનર અને અન્ય આરોગ્ય અધિકારીઓ આવશે.

શા માટે આ કાયદો ઘડવામાં આવ્યો..?

અત્યાર સુધી નાની હોસ્પિટલો તેમજ ક્લિનિકમાં લાયકાત ધરાવતા નહીં ધરાવતા હોય તેવા ડોક્ટરોની અણઆવડતને કારણે દર્દીઓને ભળતી જ દવાઓ આપવામાં આવતી હતી. આ ડોક્ટરો દર્દીને બીજા જ રોગના ઇન્જેકશનો આપી દેતા હતાં જેના કારણે દર્દીની તબિયત વધારે ખરાબ થતી હતી. આવા ડોક્ટરોની સામે ફરિયાદ પણ કરવામાં આવતી હોય છે. પરંતુ હવે જો ડોક્ટરો ક્વોલિફાય હશે તો જ તેઓને ડોક્ટરી પ્રેક્ટિશ કરવાની માન્યતા આપવામાં આવશે. આ ઉપરાંત ઘણીવાર એક્સ-રે, સોનોગ્રાફી, સિટીસ્કેન તેમજ લેબોરેટરીમાં પણ રિપોર્ટ સાથે ચેડાં કરવામાં આવે છે અને બિનયોગ્ય ડોક્ટરો કે જેઓની પાસે ડિગ્રી જ નથી તેઓ આ તમામ રિપોર્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરે છે. બજારમાં પડ્યા પાથર્યા રહેતા આવા અયોગ્ય ડોક્ટરો તેમજ ઓપરેટરોને લઇને ખાસ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અમલમાં લાવવામાં આવશે.

એક લાખ સુધીનો દંડ અને લાયસન્સ રદ્દ કરવાની પણ જોગવાઇ

જો કોઇ હોસ્પિટલ દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની જોગવાઇનો અમલ નહીં કરે તો તેઓની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આવી હોસ્પિટલોને એક લાખ સુધીનો દંડ તેમજ તેઓનું લાયસન્સ રદ કરવા સુધીની જોગવાઇ કરવામાં આવી છે.

Most Popular

To Top