Health

સિવિલ હોસ્પિટલમાં દરરોજ 50થી 60 જેટલા દર્દીઓને બારોબાર સ્મીમેરમાં મોકલી દેવાઇ છે

સુરત: સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરો (Resident doctor) દ્વારા ચાલતી હડતાળ (Strike)ને સોમવારે છઠ્ઠો દિવસ હતો. ત્યારે સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરોએ પોતાના ઉપરી અધિકારીઓ ઉપર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, આ ડોક્ટરો માત્ર દેખાવા પૂરતો જ વિરોધ (Protest) કરે છે, પોતાની માગણીઓ સમયે બૂમો પાડી વિરોધ કરતા હતા, પરંતુ હવે જોવા પણ આવતા નથી. સરકાર અને ડોક્ટરોની આ ખો-ખોની રમતમાં ગરીબ દર્દીઓ સૂડી વચ્ચે સોપારી બની રહ્યા છે. તેમ છતાં પણ સરકારના પેટનું પાણી હલતું નથી, તેઓ કોઇપણ જવાબ આપવા પણ તૈયાર થતા નથી. રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ આગામી દિવસોમાં પણ શરૂ જ રહેશે તેવી માહિતી મળી છે.

સુરતની સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળને લઇને હવે સામાન્ય દર્દીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. સિવિલ હોસ્પિટલની મોટા ભાગની ઓપીડીમાં સમસ્યા થઇ રહી છે. રેસિડેન્ટ ડોક્ટરોની ગેરહાજરીને કારણે દર્દીઓને સમયસર સારવાર મળતી નથી. કેટલાક દર્દીઓને બારોબાર સ્મીમેર હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. એક માહિતી પ્રમાણે દરરોજ 50થી 60 જેટલા દર્દીઓને બારોબાર સ્મીમેરમાં મોકલી દેવાઇ છે. જે 108માં દર્દીને પહેલા સિવિલમાં લાવવામાં આવતા હતા તેઓને હવે સ્મીમેર લઇ જવાઇ છે. હડતાળને કારણે ઓપીડી અને સર્જરીના વિભાગોમાં દર્દીઓને પડી રહેલી મુશ્કેલીઓ નિવારવા સિનિયર તબીબો દ્વારા માત્ર દેખાવા પૂરતા જ પ્રયત્નો કરાઇ રહ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. બીજી તરફ જુનિયર તબીબોના જણાવ્યા મુજબ જ્યાં સુધી તેઓની માંગો મંજૂર નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

જુનિયર ડોક્ટરોએ કહ્યું કે, સરકાર દ્વારા લેખિતમાં ખાતરી અપાયા બાદ પણ અમલ નહીં કરાતાં વિશ્વનીયતા પર પ્રશ્ન સર્જાયો છે. કોરોનાને કારણે છેલ્લા દોઢ વર્ષમાં અભ્યાસમાં પણ અસર થઈ હોવાથી સિવિલમાં જ ડેપ્યુટેશન અપાય તો શીખવાનું મળે તેને બદલે ગામડાંમાં મોકલવામાં આવી રહ્યા છે. સિનિયર તબીબો દ્વારા ફક્ત મોરલ સપોર્ટ મળે છે, પરંતુ તબીબો સામે પગલાં લેવાય તો તેઓ કેટલા સાથે રહે એ પ્રશ્નાર્થ છે. વધુમાં તેમણે કહ્યું કે, છ દિવસની જુનિયર ડોક્ટરોની હડતાળમાં સિનિયર ડોક્ટરોએ પાંખી હાજરી આપી છે, તેમની પાસે હડતાળમાં મદદ કરવાનો સમય જ નથી.

Most Popular

To Top