World

ચીની લશ્કરનું વડપણ કોમ્યુનિસ્ટ પાર્ટીના વફાદારો પાસે હોવું જોઇએ : જિનપિંગ

બૈજિંગ : ચીન (China) રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિમાં વધતી જતી અસ્થિરતા અને અચોક્કસતાનો સામનો કરી રહ્યું છે એમ પ્રમુખ ઝિ જિનપિંગે (Xi Jinping) ચેતવણી આપી છે, જેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે ચીની લશ્કરનું વડપણ શાસક કોમ્યુનિસ્ટ પાર્ટીને વફાદાર એવા વિશ્વાસપાત્ર લોકો પાસે હોવું જોઇએ જેથી વિશ્વના સૌથી મોટા સશસ્ત્ર દળો પર આ પાર્ટીનું સંપૂર્ણ નેતૃત્વ સુનિશ્ચિત કરી શકાય.

ગુરુવારે લશ્કરી તાલીમ માટેના એક સ્ટડી સેસનમાં બોલતા ઝિએ સેના કર્મચારીઓને અભિનંદન આપ્યા હતા. ચીનના લશ્કર પીએલએની ૯પમી સ્થાપના તિથિના પહેલા આ કાર્યક્રમ યોજાય હતો જે વાર્ષિક તિથિ પહેલી ઓગસ્ટના રોજ આવે છે. વીસ લાખ કર્મચારીઓ સાથેનું પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ) એ વિશ્વનું સૌથી મોટું લશ્કર છે. આપણે કર્મચારીઓની નિમણૂક, મૂલ્યાંકન અને તાલીમ વખતે રાજકીય નિષ્ઠા પર ભાર મૂકવો જોઇએ તેથી લશ્કર પર પક્ષના સંપૂર્ણ નેતૃત્વને કર્મચારીઓના સમગ્ર કાર્યમાં સુનિશ્ચિત કરી શકાય એમ તેમણે જણાવ્યું હતું. ઝીએ ભાર મૂક્યો હતો કે સશસ્ત્ર દળોનું વડપણ હંમેશા એવા લોકોની પાસે હોવું જોઇએ જેઓ પક્ષને વફાદાર એવા વિશ્વાસપાત્ર હોય એમ એક સત્તાવાર અખબારી નિવેદને જણાવ્યું હતું.

પોતાના સંબોધનમાં ઝીએ કહ્યું હતું કે વિશ્વ વમળો અને પરિવર્તનના એક નવા સમયગાળામાં પ્રવેશ્યું છે અને વધુમાં તેમણે જણાવ્યું હતું કે ચીન રાષ્ટ્રીય સુરક્ષાની સ્થિતિમાં વધતા જતા પ્રમાણમાં અસ્થિરતા અને અચોક્કસતાનો સામનો કરી રહ્યું છે. જિનપિંગની આ ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે નેન્સી પેલોસીની તાઇવાનની સૂચિત મુલાકાતના મામલે ચીનનો અમેરિકા સાથે તનાવ વધી ગયો છે.

Most Popular

To Top