World

ભયાનક દુકાળમાં સપડાયું ચીન, 66 નદીઓ સુકાઈ ગઈ, લોકોને પીવાના પાણીના વલખાં

ચીન (China) 144 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચી ગયું છે. એક તરફ સૌથી મોટી યાંગ્ત્ઝે સહિત 66 નદીઓ (River) લગભગ સુકાઈ ગઈ છે. બીજી તરફ આકાશમાંથી પણ આગનો વરસાદ (Rain) વરસી રહ્યો છે. એટલે કે રેકોર્ડ ગરમી (Hot) પડી રહી છે. ચીનના હવામાનશાસ્ત્રીઓએ આ અંગે આગાહી કરી છે. આ હિસાબે 26 ઓગસ્ટ સુધી હીટ વેવની (Hit Wave) સમસ્યા યથાવત રહેશે. આ દરમિયાન ઘણી જગ્યાએ તાપમાનમાં રેકોર્ડ વધારો થશે. દુષ્કાળની (Drought) આ પરિસ્થિતિને કારણે ચીનના નાગરિકોને પાણીની (Water) મોટી સમસ્યામાંથી પસાર થવું પડી રહ્યું છે.

  • ચીનની સૌથી મોટી યાંગત્ઝી નદી સહિત 66 નદીઓ સુકાઈ
  • દુકાળને કારણે હાઈડ્રોપાવરથી તૈયાર થનાર વિજળીનું ઉત્પાદન 80 ટકા ઘટ્યું
  • લાખો લોકોને પીવાના પાણીના વલખાં
  • ચીનમાં સૌથી મોટું વિજળી સંકટ
  • અનેક શહેરોમાં તાપમાન 49 ડિગ્રી સુધી પહોંચ્યું

ચીનના કટોકટી મંત્રાલયે ગયા અઠવાડિયે એક આંકડો બહાર પાડ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે માત્ર જુલાઈમાં ગરમીના કારણે ચીનને 2.73 અબજ યુઆન એટલે કે 400 મિલિયન ડોલરનું નુકસાન સહન કરવું પડ્યું હતું. 55 લાખ લોકો પર તેની નકારાત્મક અસર પડી છે. મંત્રાલયે જણાવ્યું કે 2022ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ચીનનો જીડીપી 5.5 ટકા વધવાનો અંદાજ હતો પરંતુ દુષ્કાળ અને ગરમીને કારણે તે માત્ર 2.5 ટકા વધ્યો હતો.

બીજી તરફ ચીનમાં ભારે ગરમીના કારણે પાણીની કટોકટી સર્જાઈ છે. ચીનના જળ સંસાધન મંત્રાલયના જણાવ્યા અનુસાર યાંગ્ત્ઝી નદીના ઉપરના ભાગમાં પાણીનું સ્તર તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયું છે. આ એ નદી છે જેના દ્વારા અડધાથી વધુ વસ્તીને પીવાનું પાણી મળે છે. આ ઉપરાંત હાઇડ્રોપાવરનું કામ પણ આ નદીના પાણીમાંથી થાય છે. આ નદીના પાણીનો ઉપયોગ ખેતી માટે પણ થાય છે. જેના કારણે ચીનમાં લોકો દુષ્કાળના સંકટનો સામનો કરી રહ્યા છે.

વોલ સ્ટ્રીટ જનરલે આ અંગે એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ મુજબ ચીનમાં આ વખતે 40% ઓછો વરસાદ થયો છે. આ 1961 પછીનો સૌથી ઓછો વરસાદનો આંકડો છે. ઉપરથી ગરમી સતત વધી રહી છે. ચીનના ઘણા શહેરોમાં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ગરમીના કારણે વીજળીનો વપરાશ પણ વધ્યો છે. બીજી તરફ હાઈડ્રોપાવરમાંથી ઉત્પન્ન થતી વીજળીનું ઉત્પાદન ઘટ્યું છે. ગરમીની અસર ખેતી પર પણ પડી છે. ખેતી માટે પાણીની માંગ વધી છે. સિંચાઈ માટે નદીઓમાંથી વધુ પાણી લેવામાં આવ્યું હતું. જેના કારણે ચીનની સૌથી મોટી નદી યાંગ્ત્ઝી ઘણી જગ્યાએ સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે. તેનું કદ પણ ઘણું ઓછું થઈ ગયું છે. આ સિવાય ચીનની 66 અન્ય નદીઓ પણ સંપૂર્ણપણે સુકાઈ ગઈ છે.

કયા પ્રાંતોમાં સ્થિતિ વધુ ખરાબ છે?
ચીનના જિયાંગસી પ્રાંતમાં આ વર્ષે ગંભીર દુષ્કાળના કારણે પોયાંગ તળાવનું કદ એક ક્વાર્ટર જેટલું ઘટી ગયું છે. બીજી તરફ ચોંગકિંગ ક્ષેત્રમાં આ વર્ષે 60 ટકા ઓછો વરસાદ થયો છે. ચોંગકિંગની ઉત્તરે બાયબે જિલ્લામાં તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે. ચીનના દસ અત્યંત હોટ સ્પોટમાંથી અડધો ડઝન ચોંગકિંગમાં છે. કાળઝાળ ગરમીને કારણે ચોંગકિંગની હાલત ખરાબ છે. અહીં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. દક્ષિણ-પશ્ચિમ ચીનના 34 પ્રાંતોની 66 નદીઓ વધતા તાપમાનના કારણે સુકાઈ ગઈ છે. સિચુઆન અને હુબેઈ પ્રાંતમાં પણ સ્થિતિ ઘણી ખરાબ છે. અહીંના લોકોને પીવાના પાણી માટે પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

પાક નાશ પામ્યો, લોકોને પીવાનું પાણી મળતું નથી
હુબેઈ પ્રાંતમાં દુષ્કાળના કારણે 6-7 લાખ હેક્ટર પાક નાશ પામ્યો છે. એ જ રીતે હેનાન પ્રાંતમાં 10 લાખ હેક્ટર પાકનો નાશ થયો છે. સિચુઆનમાં ખેતીને પણ દુષ્કાળની અસર થઈ છે. અહીં 10 લાખ હેક્ટરથી વધુનો પાક નાશ પામ્યો છે. આઠ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત હોવાનું કહેવાય છે. તેઓને પીવાના પાણીની તંગી છે. ચીનની સરકાર પાકને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે હેલિકોપ્ટર દ્વારા પાક પર વરસાદ કરવામાં આવી રહ્યો છે. લોકોને પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top