Gujarat

પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં બાળકોએ બાળનગરીની રચના કરી, આજે આ દિગ્ગજો આવશે

અમદાવાદ: અમદાવાદમાં શરુ થયેલા પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આજે અમિત શાહ, ગૌતમ અદાણીથી લઇને ઉદ્યોગ જગતનાં દિગ્ગજો હાજરી આપશે. ગતરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મહંત સ્વામી મહારાજના હસ્તે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો શુભારંભ થયો હતો. ‘તારક મહેતા..’ ફેમ જેઠાલાલ ગતરોજ જ નગરમાં આવી ગયા છે. આ સમગ્ર મહોત્સવ એક મહિના સુધી ચાલશે. આ નગરમાં એક મહિના દરમિયાન એક કરોડથી વધુ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે. જો કે આટલિ વિશાળ સંખ્યામાં લોકોનું આગમન હોવાના પગલે કડક વ્યવસ્થા કરવામાં આવી છે.

આ દિગ્ગજો આજે મુલાકાતે આવ્યા
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગૌતમ અદાણી, પરિમલ નથવાણી, પંકજ પટેલ, સુધીર મહેતા, દિલીપ સંઘવી અને વિજય મુંજાલે મુલાકાત લીધી. આ મહોત્સવમાં ખાસ આકર્ષણમાં 3 પ્રદર્શન ખંડ, 2 ટેલેન્ટ સ્ટેજ, શાંતિનું ધામ- ચાણસદ, બાળ મંડળ એક્સપ્રેસ, એનિમલ કોર્નર, બાળ સ્નેહી ઉદ્યાન, સહિત અનેક પ્રદર્શનો આકર્ષણનું કેન્દ્ર છે. પ્રમુખ સ્વામી નગરમાં પ્રવેશવા માટેનાં સાત પ્રવેશદ્વાર ઊભાં કરવામાં આવ્યાં છે, જેમાં મુખ્ય પ્રવેશદ્વાર VVIP માટે છે, જ્યારે બાકીનાં છ પ્રવેશદ્વારમાંથી ભક્તો પ્રવેશ કરી શકશે. 

બાળકોએ કરી બાળનગરીની રચનાં
આ મહોત્સવમાં BAPS બાળનગરીએ લોકોનું આકર્ષણ ખેંચ્યું છે. આ નગરી બાળકો દ્વારા રચવામાં આવી છે. જેમાં સંસ્થાનાં 4,500થી વધુ બાળ-બાલિકા સ્વયંસેવકો દ્વારા સંચાલિત આ બાળનગરીને સજાવવામાં 6,500થી વધુ બાળપ્રવૃત્તિ કાર્યકરો સેવા આપી રહ્યા છે. કલાત્મક મેસ્કોટ, 3 પ્રદર્શન ખંડો, સંસ્કૃતિરત્નો, શાંતિનું ધામ, બાળસ્નેહી ઉદ્યાન, બાળમંડળ એક્સપ્રેસ જેવી વિવિધ રચનાઓ ઉપરાંત બાળનગરીના બે કલામંચોમાં 150થી વધુ બાળકો નૃત્ય, ગીત-સંગીત, વક્તવ્યોની રમઝટ બોલાવશે અને બાળકોને મોજ કરાવશે.

પાંચ વિશાળકાય ડોમમાં સંસ્કૃતિનાં દર્શન
મહોત્સવ સ્થળના કેન્દ્રમાં 40 ફૂટ પહોળી અને 15 ફૂટ ઊંચી પીઠિકા પર સ્થાપવામાં આવેલી પ્રમુખ સ્વામી મહારાજની સ્વર્ણિમ મૂર્તિ 30 ફૂટ ઊંચી છે. આ મૂર્તિની ચારેતરફના વર્તુળમાં અહર્નિશ સેવામય પ્રમુખસ્વામી મહારાજના અદભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવેલા 67 ફૂટ ઊંચા મહામંદિરમાં કુલ પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મનાં દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે. ભગવાન સ્વામિનારાયણ – અક્ષરપુરુષોત્તમ મહારાજ, ભગવાન રાધા-કૃષ્ણ, ભગવાન સીતા-રામ, ભગવાન ઉમા-મહાદેવ વગેરેની અદભુત મૂર્તિઓનાં દર્શન કરીને લાખો લોકોમાં શ્રદ્ધા દૃઢાવશે. આ ઉપરાંત આ મંદિરના મંડોવર અને સ્તંભોમાં 48 ગણપતિજી, 104 ઋષિમુનિ-સંતો-ભક્તોની કલાત્મક મૂર્તિઓ કંડારાયેલી છે.

Most Popular

To Top