SURAT

વરાછાની આર્જવ ડાયમંડ કંપનીમાંથી 55 લાખના હીરા ખરીદી દલાલે એવું કર્યું જે કોઈ નહીં કરે

સુરત (Surat) : વરાછા (Varacha) પાસે આવેલી આર્જવ ડાયમંડ (Arjav Diamond) કંપની પાસેથી એક હીરા દલાલ (Diamond Broker) અને વેપારી 100 દિવસમાં પેમેન્ટ (Payment) આપવાનું કહી રૂા.55.19 લાખના હીરા ખરીદી ફરાર થઇ ગયો હતો. જે અંગે વરાછા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • આર્જવ ડાયમંડ્સના મોન્ટુ આઈવાલા સાથે છેતરપિંડી
  • હીરા દલાલ વિજય વસાણીયા અને વેપારી રાકેશ બફલીપરાએ કર્યું ચિટીંગ
  • 100 દિવસમાં પેમેન્ટ કરવાનો વાયદો કરી 54.19 લાખના હીરા ખરીદયા
  • કોરોનાના લીધે ધંધામાં નુકસાની થયાનું કહી પેમેન્ટ આપવાની ના પાડી
  • પેમેન્ટ માંગવા જતા હીરા દલાલ અને વેપારીએ ગાળાગાળી કરી
  • આર્જવ ડાયમંડના ડાયરેક્ટર મોન્ટુ આઈવાલાએ દલાલ અને વેપારી વિરુદ્ધ ફરિયાદ આપતા વરાછા પોલીસે તપાસ શરૂ કરી

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામ બાળાશ્રમ રોડ વિશાલનગરમાં રહેતા મોન્ટુ અશોકભાઈ આઈવાલા (ઉ.વ.40) વરાછાના અશ્વનિકુમાર રોડ ઉપર સર્વોદય સોસાયટીમાં આર્જવ ડાયમંડ્સ પ્રા.લી. કંપનીના નામે વેપાર કરે છે. સુરતમાં આવેલી આ કંપનીમાં તેઓ ડાયરેક્ટર છે જ્યારે તેમની એક શાખા એન્ટવર્પ (બેલ્જીયમ)માં આવેલી છે. સને-2019માં તેઓની ઓફિસમાં મોટા વરાછા શાલીગ્રામ સ્ટેટ્સમાં રહેતા હીરા દલાલ વિજય મનુભાઇ વસાણીયા તેમજ મોટા વરાછા અબ્રામા રોડ ઉપર શુભમ એવન્યુમાં રહેતા રાકેશ રતીલાલ બફલીપરા આવ્યા હતા.

રાકેશે પોતાની ઓળખાણ હીરા વેપારી તરીકે આપીને પોતાની ઓફિસ વરાછા પોલીસ મથકની સામે સેન્ટ્રલ બજારમાં આર્ટીસન જેમ્સના નામથી આવી હોવાનું જણાવ્યું હતું. હીરાદલાલ વિજય વસાણીયા તેમજ વેપારી રાકેશ બફલીપરાએ મોન્ટુ આઇવાલાનો સંપર્ક કરીને તેની પાસેથી સને-2019માં 2188 કેરેટના રફ હીરા ખરીદ્યા હતા. આ હીરાનો સ્ટોક સુરતમાં ન હોવાથી હીરાને એન્ટવર્પથી મંગાવી આપ્યા હતા.

યુએસ ડોલર પ્રમાણે આ સ્ટોકની કિંમત 67849 ડોલર એટલે કે રૂા. 54.19 લાખ થઇ હતી. હીરાદલાલ અને વેપારીએ રૂા.54.19 લાખની રકમ 100 દિવસના સમયમાં આપી દેવાનું કહીને માલ ખરીદ્યો હતો. પરંતુ 100 દિવસ થઇ ગયા છતાં પેમેન્ટ નહીં આવતા મોન્ટુભાઇએ ઉઘરાણી કરી હતી. દરમિયાન બંને ચીટરોએ લોકડાઉન અને કોરોનાની મહામારીનું બહાનુ કાઢીને ધંધામાં નુકસાન થયું હોવાનું કહી રૂપિયા ભૂલી જવા જણાવ્યું હતુ અને મોન્ટુભાઇની સાથે ગાળાગાળી પણ કરી હતી. બનાવ અંગે મોન્ટુભાઇએ વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top