Feature Stories

38 વર્ષથી ફોરેન કન્ટ્રીઝમાં પણ ચંદી પડવાના દિવસે ઘારીનો સ્વાદ માણવામાં આવે છે

ઘારીની શોધ સુરતમાં થઈ પણ તેની ખ્યાતિ દેશ-વિદેશમાં પ્રસરી છે. એનાથી તો આપણે સહુ વાકેફ છીએ ફોરેન કન્ટ્રીઝમાં 38 વર્ષથી ચંદની પડવાના દિવસે ઘારી ખવાય છે. પણ છેલ્લાં ચારેક વર્ષથી વિદેશોમાં વસેલા ગુજરાતીઓમા ઘારીની સાથે સુરતી ભૂસું મંગાવવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જોકે ઘારીની સરખામણીમાં સુરતી ભૂંસુ ઓછી ક્વોન્ટીટીમાં મંગાવાય છે. ફોરેન કન્ટ્રીઝમાં ચંદની પડવાના દિવસે ચાંદની રાતમાં જ ઘારી ખવાય એવું નથી પણ દિવસે ગમે ત્યારે તેની મજા માણવામાં આવે છે. ફોરેન કન્ટ્રીઝમાં બદામ-પીસ્તા અને કેસર-બદામ-પીસ્તા ઘારી હોટ ફેવરિટ છે પણ હવે ગોલ્ડન ઘારી ખાવાનું ચલણ પણ વધ્યું છે. ફોરેનમાં ઘારી મોકલવાની શરૂઆત બુધવારથી થઈ ગઈ છે. આ વખતે ચંદની પડવા 10મી તારીખે છે આપણા સુરતીઓના હાથમાં ઘારી સોમવારે કે તેના એક દિવસ પહેલાં રવિવારે આવશે પણ વિદેશમાં વસેલા ગુજરાતીઓના હાથમાં ગઈકાલે જ ઘારી પહોંચી ગઈ. ઘારી કયા-ક્યા દેશમાં ખવાય છે? વિદેશની ધરતી પર ઘારી સૌથી પહેલાં કયા વર્ષમાં પહોંચી ? વિદેશ પહોંચતા સુધી ઘારી કઈ રીતે ફ્રેશ રહે છે અને પહોંચ્યા બાદ પણ કેટલાં દિવસ સુધી તેનો ટેસ્ટ જળવાય રહે છે તે આપણે જાણીએ.

કોરોનાં 2 વર્ષમાં ઘારીનો સુરતી ટેસ્ટ બહું મીસ કર્યો: જ્યોતિબેન ગાંધી
અમેરિકાના ટેમ્પા ફ્લોરિડામાં રહેતા જ્યોતિબેન ગાંધીએ જણાવ્યું કે 2019 અને 2020માં કોરોના કાળને કારણે સુરતની ઘારી ખાવા નહીં મળી. અમે આ સમય ગાળા દરમિયાન ચંદની પડવા પર ઘરે ઘારી બનાવાની ટ્રાઇ કરી હતી પણ એમાં સુરતી ટેસ્ટ નહીં મળ્યો. અમે સગા-સંબંધી,મિત્રો મળીને ઘારીનો વધારે ક્વોન્ટીટીમાં સુરતના મીઠાઈ વિક્રેતાઓને ઓર્ડર આપીએ છીએ. મારું ફેમિલી 10-15 વર્ષથી સુરતથી અહીં ઘારી મંગાવે છે. 2021માં કોરોના હળવો થતાં થોડા પ્રમાણમાં ઘારી સુરતથી મંગાવી હતી.

વિદેશમાં બોર્ન ન્યૂ જનરેશનને પણ ઘારીનો ટેસ્ટ પસંદ: વિજયભાઈ શ્રોફ
ન્યૂ જર્સીમાં રહેતાં વિજયભાઈ શ્રોફએ જણાવ્યું કે, અમેરિકામાં બોર્ન ન્યૂ જનરેશનને પણ ઘારી નો ટેસ્ટ પસંદ છે. તેમને વધારે તો ગોલ્ડન ઘારીનો ટેસ્ટ વધુ પસંદ છે. અમે 30 વર્ષથી ઘારી મંગાવીએ છીએ. લગ્નની સિઝન, વાર-તહેવારે અમે ઘારી મંગાવીએ છીએ. દશેરાના ચાર-પાંચ દિવસ પહેલાં અમને ઘારીના પાર્સલ મળી જાય છે.

1984થી અમેરિકા, કેનેડા, U.K. અને દુબઈમાં ઘારી ખાવાનું ચલણ : મનોજભાઈ ઘારીવાલા
સુરતમાં ઘારી માટે જ ખાસ ફેમસ એક મીઠાઈની દુકાનના મનોજભાઈ ઘારીવાલાએ જણાવ્યું કે સુરતમાં વસતા લોકોએ તેમના અમેરિકા, કેનેડા, U.K. અને દુબઈમાં વસતા સગા-સંબંધીઓ માટે ઘારી લઈ જવાનું 1984થી શરૂ કર્યું. આ કન્ટ્રીઝમાંથી સુરત આવતા ગુજરાતીઓ રિટર્ન થતી વખતે તેમની સાથે ઘારી લઈ જવાની શરૂઆત કરી. 2007થી કુરિયર સેવા શરૂ થતાં ઘારીના પાર્સલ કુરિયરથી જવાની શરૂઆત 15 વર્ષથી થઈ છે. ફોરેન કન્ટ્રીઝમાં સૌથી વધારે ઘારી U.S.માં ખવાય છે કારણકે ત્યાં ગુજરાતી વસ્તી વધારે છે.

ઘારી હવે મોડીફાઈ એટમોસ્ફીયર પેકિંગમાં મોકલાય છે : વિશાલ હલવાવાલા
ભાગળના ફેમસ મીઠાઈ વિક્રેતા વિશાલ હલવાવાલાએ જણાવ્યું કે,ચંદની પડવાના ચાર કે પાંચ દિવસ પહેલાં વિદેશમાં ઘારી પહોંચી જાય છે. એટલે ઘારીનું પેકીંગ દશેરાના દિવસથી શરૂ થાય છે. 15 દિવસ સુધી ઘારી ફ્રેશ રહે તે માટે નવી ટેકનોલોજીના મોડીફાઈ એટમોસ્ફીયર પેકીંગમાં ઘારી મોકલાય છે. આ એક પ્રકારનું પ્લાસ્ટીકનું કન્ટેનર હોય છે. ત્યાં ડીપ ફ્રિજમાં ઘારી મુકાય છે. એને કારણે બેકટેરિયા ફોર્મેશન નથી થતું. ઘારીની મજા માણવી હોય ત્યારે 2 કલાક પહેલાં ડીપ ફ્રીજમાંથી ઘારી કાઢવામાં આવે છે અને નોર્મલ તાપમાનમાં ઘારી આવે ત્યાર બાદ તેને ખાવાની મજા લેવાય છે.

ગોલ્ડન ઘારી ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં વધારે જાય છે
ઘારી અલગ-અલગ ફ્લેવરમાં મળે છે પહેલાં ત્રણ ફ્લેવરમાં મળતી જેમાં પ્લેન માવા ઘારી, પીસ્તા ઘારી અને કેસર-બદામ-પીસ્તા ઘારી. હવે સ્ટ્રોબેરી, ચોકલેટ, બ્લેક કરંટ ફ્લેવરમાં ઘારી મળે છે. હવે તો ગોલ્ડન ઘારીનો ક્રેઝ પણ જોવા મળે છે. ગોલ્ડન ઘારી ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીમાં વધારે જાય છે. ત્યાં વધારે ગુજરાતી લોકો વસ્યા છે. ગોલ્ડન ફ્લેવર ઘારીનો એક નંગનો ભાવ 350 રૂપિયાની આસપાસ છે. તેમાં સોનાનું વરખ હોય છે. વિદેશમાં પણ ઘારી સુરતમાં જે ભાવ હોય છે તે ભાવે જ મોકલાય છે પણ કુરિયર પાર્સલના ચાર્જને કારણે વિદેશ જતી ઘારી મોંઘી થઈ જાય છે.

Most Popular

To Top