Feature Stories

101 વર્ષથી શા.રતિલાલ એન્ડ બ્રધર્સ પર સુરતીઓને છે 101 ટકા “સોના” નો વિશ્વાસ

સોનાની મૂરત કહેવાતા સુરતની સમગ્ર દુનિયામાં એક ઓળખ ડાયમંડ સિટી તરીકે પણ છે. સુરતીઓ જેમ ખાવાના શોખીન છે તેમ આ ટેક્સટાઇલ સિટીમાં વસેલા સુરતીઓને પહેરવા-ઓઢવાનો શોખ પણ છે. સુરતની નાર જર-ઝવેરાતની પણ ઘેલી છે. સુરતની નારની આ ઘેલછાને પુરી કરવા માટે આજે શહેરમાં અનેક સિલ્વર અને ગોલ્ડની સાથે ડાયમંડ જ્વેલરીના શો-રૂમ છે. પણ સોના અને ચાંદીના મૂલ્યવાન દાગીના ખરીદવા માટે સુરત શહેર અને સુરતની આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ 101 વર્ષથી ભાગળ પર સ્થિત શા.રતિલાલ એન્ડ બ્રધર્સ પેઢી પર વિશ્વાસ રાખે છે. હવે તો વિદેશમાં વસેલા ગુજરાતીઓની સોના-ચાંદીની ખરીદીમાં પણ શા.રતિલાલ એન્ડ બ્રધર્સ પસંદીદા જવેલર્સ બન્યાં છે. ખોટું કરવું નહીં અને ખોટું ચલાવવું નહીં આ નિયમને વળગી રહેલાં શા. રતિલાલ એન્ડ બ્રધર્સ પર સુરતીઓ 101 વર્ષથી શા માટે 101 ટકા સોનાનો વિશ્વાસ રાખે છે તે આપણે આ શો-રૂમના ત્રીજી પેઢીનાં સંચાલકો પાસે થી જાણીએ.

વંશવેલો:
રતિલાલ કિકાભાઈ ચોકસી
જયંતિભાઈ કિકાભાઈ ચોકસી
બાબુભાઇ રતીલાલ ચોકસી
મહેન્દ્રભાઈ રતીલાલ ચોકસી
રાજુભાઇ મહેન્દ્રભાઈ ચોકસી
દેવેનભાઈ બાબુભાઇ ચોકસી
મનિષભાઈ મહેન્દ્રભાઈ ચોકસી
શ્રેયસભાઈ બાબુભાઈ ચોકસી

જુના ચોકસી નામની આગળ “શા” લખતા
“શા” એ માનવાચક શબ્દ ગણાય છે એટલેજ જુના ચોકસી નામની આગળ “શા” લખતાં. એટલેજ આ પેઢીનાં નામની આગળ પણ “શા” લખાયેલું છે. મનીષભાઈ ચોકસીએ જણાવ્યું કે સુરતમાં પહેલાં પણ માત્ર 2 જ ઝવેરી હતાં અને હાલમાં પણ માત્ર 2 જ ઝવેરી છે જેમાં એક અમારી પેઢી શા. રતિલાલ એન્ડ બ્રધર્સ છે. એટલે જ શા. રતિલાલ એન્ડ બ્રધર્સ સાથે ઝવેરીઓ ઉમેરાયેલું છે.

સાઉથ ગુજરાતના ગ્રાહકોને વિશ્વાસ
આ પેઢીનાં સોના, ચાંદી, ડાયમંડના ઘરેણાં ખરીદવા સાઉથ ગુજરાતના જિલ્લાના દૂર-દૂરના લોકો આવે છે. કેટલાંક ગ્રાહકો આ પેઢીમાંથી વર્ષો પૂર્વે ખરીદેલા ઘરેણાંના બિલ પણ લઈને આવે છે અને બતાવે છે કે તેઓ વર્ષોથી આ શૉ-રૂમમાંથી ખરીદીમાં વિશ્વાસ રાખે છે. કસ્ટમરને છેતરવા નહીં આ સિદ્ધાંતને વળગી રહેવાને કારણે દૂર-દૂરથી વિશ્વાસ લઈને કસ્ટમર આવે છે.

કુંદનવર્ક, પોલકી વર્ક જવેલરીનો ક્રેઝ
શ્રેયસભાઈ ચોકસીએ જણાવ્યું કે લોકોમાં વધુ તો કુંદન વર્ક, ટર્કી વર્ક, પોલકી વર્ક જવેલરી અને કાસ્ટિંગ જવેલરી, કલકતી જવેલરી અને હેન્ડવર્ક જવેલરી તથા ફ્યુઝન જવેલરી, ઈટાલીયન જવેલરી નો ક્રેઝ વધારે છે. 2002થી 916 (22 કેરેટ) નો ટ્રેન્ડ અને 18 કેરેટ (75) નો ટ્રેન્ડ ચાલું થયો છે.

1925માં એક તોલા સોનુંં 18 રૂ. 75 પૈસામાં મળતું: રાજુભાઇ ચોકસી
આ શો-રૂમના ત્રીજી પેઢીનાં સંચાલક રાજુભાઇ મહેન્દ્રભાઈ ચોકસીએ જણાવ્યું કે, 1925માં એક તોલુ સોનું 18 રૂપિયા 75 પૈસામાં મળતું હતું. એ જમાનામાં એક તોલા સોનું એટલે 11.640 ગ્રામ હતું. અત્યારે એક તોલુ એટલે 10 ગ્રામ સોનું થાય છે. ભાવ લગભગ 52 હજાર રૂપિયા છે. જોકે એ જમાનામાં સોના કરતાં ચાંદીના દાગીનું ચલણ વધારે હતું. એ જમાનામાં યેલો ગોલ્ડની ચેન, કાનની કડી અને મંગળસૂત્રની ખરીદી વધારે થતી. લોકોમાં લગ્નપ્રસંગમાં, બર્થ-ડે અને શ્રીમંતમાં તથા અન્ય સારા-નરસા પ્રસંગોમાં ગોલ્ડ આપવાનો રિવાજ વધારે હતો. લગ્નમાં માતા-પિતા દીકરીને બચત અને વ્યવહારની દ્રષ્ટિથી સોનાના દાગીના આપતા. આજથી એકવીસ વર્ષ પહેલાં સોનાનો એક તોલાનો ભાવ 4300 રૂપિયા હતો. 2015માં સોનાનો ભાવ ડબલથી પણ વધારે 26 હજાર રૂપિયા અને 2019માં 40 હજાર રૂપિયાને પાર થયો હતો. પહેલાં ચાંદી 12 રૂપિયામાં 100 તોલા મળતી. જ્યારે હાલમાં 100 ગ્રામ ચાંદીનો ભાવ 58 હજાર રૂપિયા છે.

દાગીનાની ઘડામણમાં 5 લાખથી વધુ બંગાળી કારીગર રોકાયેલા છે: દેવેન ચોકસી
આ શૉ-રૂમના ત્રીજી પેઢીનાં સંચાલક દેવેનભાઈ બાબુભાઇ ચોકસીએ જણાવ્યું કે સુરતમાં દાગીનાની ઘડામણના કામમાં 5 લાખથી વધારે કારીગર જોડાયેલા છે. વર્ષો પૂર્વે કારીગરો સુરત આવીને વસ્યા હતાં. આ કારીગરો કલકત્તાથી આવ્યાં હતાં. તેઓની ઝીણવટભર્યા કામમાં માસ્ટરી છે. મેરેજની સિઝન હોય ત્યારે આ બંગાળી કારીગરો 18 કલાક કામ કરી શકે છે. 1984માં સોનાનો એક તોલાનો ભાવ 4000 રૂપીઆ હતો ત્યારે ઘડામણની કામગીરી કરતા કારીગરો ને એક ગ્રામ પાછળ મજૂરી લગભગ 25 રૂપિયા અપાતી. હવે મજૂરી ટકા પ્રમાણે આપવામાં આવે છે. હવે લગભગ 500થી 700 રૂપિયા અપાય છે. મજૂરીનો દર તો એ જ છે પણ હવે ટકા પ્રમાણે અપાય છે.

સિનિયર સિટીઝન અને વિદેશી કસ્ટમરને ઓનલાઈ ઘરેણાં બતાવવામાં આવે છે: શ્રેયસ ચોકસી
આ શૉ-રૂમના ત્રીજી પેઢીનાં સંચાલક શ્રેયસભાઈ ચોકસીએ જણાવ્યું કે સિનિયર સિટીઝન શૉ-રૂમ સુધી આવવામાં અસમર્થ હોવાથી આ પેઢી દ્વારા ખૂબ વિશ્વાસુ કસ્ટમર હોય તેમને વોટ્સએપના માધ્યમથી ઓનલાઇન ઘરેણાં બતાવવામાં આવે છે. ડીઝાઇનની કોપી નહીં થાય તે માટે વિશ્વાસુ કસ્ટમરને જ ઓનલાઇન ઘરેણાં બતાવવામાં આવે છે. એજ રીતે વિદેશમાં વસતા કસ્ટમરને પણ ઓનલાઇન ડીઝાઇન બતાવવામાં આવે છે. આ શૉ-રૂમનું 1984માં અને 2008માં શૉ-રૂમને નવો ઓપ આપવામાં આવ્યો.

U.S.A., U.K., કેનેડાના ગુજરાતી ગ્રાહકોને વિશ્વાસ: મનીષભાઈ ચોકસી
આ શૉ-રૂમના ત્રીજી પેઢીનાં સંચાલક મનીષભાઈ મહેન્દ્રભાઈ ચોકસીએ જણાવ્યું કે, 1992 પછીથી વિદેશમાં વસેલા ગુજરાતી કસ્ટમર આ શૉ-રૂમમાંથી દાગીના ખરીદવામાં વિશ્વાસ રાખે છે. U.S.A., U.K., કેનેડાથી હજારોની સંખ્યામાં ગુજરાતી ગ્રાહકો નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન લગ્નની સિઝનમાં ખરીદી માટે આવે છે. એન્ટિક જેવેલરી, ટર્કી જેવેલરી, હેન્ડ વર્ક જેવેલરીને આ શૉ-રૂમ માટેના બેસ્ટ ડીઝાઇનર જેવલરીને ઓપ આપતાં હોવાથી અહીંથી દાગીના લઈને કસ્ટમર વિદેશ જાય ત્યારે ત્યાં આ કસ્ટમરના રિલેટિવ કે મિત્રો કે અન્ય ઓળખાણના મળે ત્યારે આ દાગીના જોઇ તેઓ પણ સુરત આવે ત્યારે અમારે ત્યાંથી દાગીના લઈ જાય છે.

1921માં આ પેઢીનો પાયો શા. રતિલાલ ચોકસીએ નાંખ્યો હતો
એક જવેલર્સની દુકાનમાં એકાઉન્ટન્ટ તરીકે સેવા આપતાં રતિલાલ કિકાભાઈ ચોકસીને જવેલરીના બિઝનેસમાં ઇન્ટરેસ્ટ હતો એટલે તેમણે નવાપુરા ચોકસી બજારમાં 1921માં આ પેઢીનો પાયો તેમના ભાઈ જ્યંતીભાઈ સાથે મળીને નાંખ્યો હતો. જવેલરીના આ શો-રૂમને તેમણે શા.રતિલાલ એન્ડ બ્રધર્સ (ઝવેરીઓ) નામ આપ્યું. તેમનો હંમેશા એક જ નિયમ રહ્યો કે ખોટું કરવું નહીં અને ખોટું ચલાવવું નહીં તથા લાલચ કરવી નહીં. ત્યારે ચોકસી બજારમાં સોના-ચાંદીની 10થી 11 દુકાનો હતી. જેમાંથી 4 દુકાનોનું અસ્તિત્વ ભૂંસાઇ ગયું છે. રતિલાલ ચોકસીએ 300 ચોરસ મીટરમાં આ શો-રૂમ શરૂ કર્યો હતો. આજે તેનો વિસ્તાર વધીને 3500 ચોરસ મીટર થઈ ગયો છે. તેમણે આ પેઢીનું સંચાલન 1971 સુધી એટલેકે 50 વર્ષ સુધી કર્યું હતું.

સોનું ખરીદવાના મહત્ત્વના દિવસો
સોના-ચાંદીના દાગીના આમ તો આખું વર્ષ લોકો ખરીદતાં જ હોય છે. લગ્નસરામાં જવેલરીની ખૂબ ખરીદી થતી હોય છે. એ સિવાય દશેરા, પુષ્યનક્ષત્ર, ધનતેરસ અને દિવાળીમાં ગોલ્ડની ખરીદી થાય છે. લોકો સૌથી વધારે સોનુ ધનતેરસમાં લેતાં હોય છે. આ સમયે કસ્ટમર સોના અને ચાંદીના સિક્કા એક ગ્રામ, 5ગ્રામ, 10 ગ્રામ, 20 ગ્રામમાં આવે તે લઈ જાય છે. તેનામાં આખા વર્ષની બચત કસ્ટમર રોકતા હોય છે. કસ્ટમરમાં લેડીઝ વધારે હોય છે. લાઈટવેટ જવેલરીમાં આ પેઢીની માસ્ટરી છે. મહત્ત્વના આ દિવસોમાં જ્વેલર્સ અતિવ્યસ્ત રહેતા હોય છે.’

આ પેઢી અને પરિવાર સાથે નો દુઃખદ પ્રસંગ
રાજુભાઈ ચોકસીએ જણાવ્યું કે મારા કાકા બાબુભાઈ ચોકસીનું આ નવાપુરા ચોકસી બજારના આ શૉ-રૂમમાં જ એટેક આવતા શૉ-રૂમમાં જ અવસાન થયું હતું. જે જીવનનો ટર્નિંગ પોઇન્ટ બન્યો. મારે અને કાકા બાબુભાઈના દીકરા દેવેનભાઈએ સ્ટડી છોડી અને આ બિઝનેસમાં ઝંપલાવ્યું. મેં 12મુ ધોરણ પાસ કર્યું હતું અને દેવેનભાઈએ 11મું ધોરણ પાસ કર્યું હતું. વર્ષ 2002માં મારા પિતા મહેન્દ્રભાઈનું અવસાન થયું.

Most Popular

To Top