National

અખિલેશ યાદવને ગેરકાયદે ખનન કેસમાં પૂછપરછ માટે CBIએ મોકલ્યું સમન

લખનઉઃ CBIએ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ પર પોતાની પકડ વધુ કડક કરવા જઈ રહી છે. સીબીઆઈએ અખિલેશ યાદવને સમન્સ (Summons) મોકલીને ગેરકાયદે માઈનિંગ કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા છે. અખિલેશ યાદવને (Akhilesh Yadav) 160 CRPC હેઠળ સમન્સ પાઠવવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ અખિલેશ યાદવને 29 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. સીબીઆઈએ તેમને આ કેસમાં સાક્ષી તરીકે પૂછપરછમાં સામેલ થવા માટે સમન્સ પાઠવ્યા છે. 2016 માં અલ્હાબાદ હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં હમીરપુરના તત્કાલિન જિલ્લા મેજિસ્ટ્રેટ અને અન્ય જાહેર સેવકો સામે ગેરકાયદેસર ખનનનો આરોપ મૂકવામાં આવ્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈએ આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી હતી. તેમજ આ કેસમાં હવે CBIએ સાક્ષી તરીકે પૂછતાછ કરવા સમન પાઠવ્યું છે.

આરોપ એવો હતો કે 2012-2016ના સમયગાળા દરમિયાન જીલ્લા હમીરપુર (યુપી)માં ગૌણ ખનિજોના ગેરકાયદેસર ખનનને મંજૂરી આપવામાં આવી હતી. રેતીના ખનન માટે ગેરકાયદેસર રીતે નવી લીઝ મંજૂર કરી હતી. હાલની લીઝનું નવીકરણ કર્યું અને હાલના લીઝ ધારકોને વિક્ષેપિત સમયગાળાની મંજૂરી આપી હતી. તેમજ તેના કારણે જાહેર તિજોરીને ખોટી રીતે નુકસાન થયું હતું, અને આરોપીઓએ અયોગ્ય નફો મેળવ્યો હતો.

સીબીઆઈએ આ કેસમાં 15 જાન્યુઆરી 2019ના રોજ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના હમીરપુર, જાલૌન, નોઈડા, કાનપુર અને લખનૌ જિલ્લામાં 12 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું. શોધ દરમિયાન ગેરકાયદેસર રેતી ખનન સંબંધિત ગુનાહિત સામગ્રી સહિત મોટી રોકડ અને સોનું મળી આવ્યું હતું.

સીબીઆઈની આ નોટિસને લોકસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે. અખિલેશ યાદવ અવારનવાર કહેતા રહ્યા છે કે કોંગ્રેસ સરકારે તેમને સીબીઆઈ ક્લબમાં મૂકી દીધા છે અને હવે બીજેપી પણ આવું જ કરી રહી છે. દરમિયાન યુપીમાં સપા અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે સમજૂતી થઈ છે. રાજ્યમાં બંને પક્ષો ગઠબંધન કરીને લડી રહ્યા છે. સપાએ ગઠબંધન હેઠળ કોંગ્રેસને 17 બેઠકો આપી છે. તેમજ ભાજપે એવો દાવો કર્યો છે કે પાર્ટી લોકસભા ચૂંટણી 2024માં રાજ્યની તમામ 80 બેઠકો જીતવામાં સફળ રહેશે.

Most Popular

To Top