Gujarat Main

ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ, કોઈ બચ્યું નહીં, કાર ચીરી ડેડબોડી બહાર કાઢવી પડી

સુરેન્દ્રનગર: રાજ્યમાં અકસ્માતોની ઘટના અટકવાનું નામ લેતી નથી. હાઈવે પર અવારનવાર ભયંકર અકસ્માતોના બનાવ બની રહ્યાં છે. આવી જ એક ઘટના આજે સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં બની છે. અહીંના ધ્રાંગધ્રા માલવણ હાઈવે પર સવારે એક કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર ચીરીને ડેડબોડી બહાર કાઢવી પડી હતી.

પ્રાપ્ત માહિતી સુરેન્દ્રનગર જિલ્લામાં આજે વહેલી સવારે ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર અખિયાણા-માલવણ ગામ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રકની પાછળ કાર ઘુસી ગઈ હતી. અકસ્માતમાં ત્રણ યુવકનાં મોત થયાં છે. આ ઘટના CCTVમાં પણ કેદ થઈ છે. ભયંકર અકસ્માતમાં કારના આગળના ભાગમાં ભારે નુકસાન પહોંચ્યું છે.

ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર ટ્રકની પાછળ કાર ઘૂસી ગઈ હતી, જેથી ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં બે યુવાનનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, જ્યારે અન્ય એક યુવાનનું સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ લઈ જતી વખતે મોત થયું છે.

માલવણ સી.એન.જી પંપ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કુલ ત્રણ યુવક વસીમખાન ગેડીયા, જાવેદખાન ખેરવા (ઉં.વ. 25) અને હજરતશા રસુલશા ખેરવા (ઉં.વ. 35)નું મોત થયો છે. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યાં છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, ફુલસ્પીડમાં દોડતી કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારની આગળના ભાગનો ડુચો વળી ગયો હતો. આગળ બેઠેલા બે યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે એકનું સારવારમાં લઈ જતી વખતે મોત થયું હતું. 

Most Popular

To Top