Editorial

અતિ વિશાળ અને અતિ ગહન બ્રહ્માંડનો સંપૂર્ણ તાગ ક્યારેય મેળવી શકાશે ખરો?

અમેરિકાની અવકાશ સંશોધન એજન્સી નાસા દ્વારા અવકાશમાં એક ભારે શક્તિશાળી ટેલિસ્કોપ ચડાવવામાં આવ્યું છે, તે ટેલિસ્કોપે હાલમાં કેટલીક તસવીરો મોકલી છે તે તસવીરોએ ખગોળપ્રેમીઓમાં અને આપણી પૃથ્વી, બ્રહ્માંડ,  જીવસૃષ્ટિ વગેરેની ઉત્પત્તિની બાબતોમાં રસ ધરાવનારાઓમાં ભારે ચર્ચા જગાડી છે. આ ટેલિસ્કોપે બ્રહ્માંડની અતિ દૂરની તસવીરો ઝડપી છે અને એમ કહેવાય છે કે આ  તસવીરો બ્રહ્માંડના ઉત્પત્તિ સમયના પ્રકાશની છે. નાસાના નવા  સ્પેસ ટેલિસ્કોપ તરફથી ગયા સોમવારે આવેલી પ્રથમ તસવીરમાં બ્રહ્માંડનું અત્યાર સુધી ક્યારેય ઝડપાયું હોય તેના કરતા વધુ ગહન દ્રશ્ય જોવા મળે છે જે અનેક આકાશગંગાઓથી ઝળહળે છે. અને આ ટેલિસ્કોપે અત્યંત દૂરના  અંતરનો જે પ્રકાશ ઝડપ્યો છે તે ૧૩ અબજ વર્ષ પહેલાનો પ્રકાશ છે એમ જણાવવામાં આવ્યું છે. હવે બ્રહ્માંડનું આપણું દર્શન વધુ વિસ્તૃત બન્યું છે એમ આ નવા, અતિ શક્તિશાળી ટેલિસ્કોપે બ્રહ્માંડની મોકલેલી અત્યંત દૂરની તસવીરો  જોયા પછી કહેવામાં આવી રહ્યું છે.

જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ કે જે દસ અબજ ડોલર જેટલા મૂલ્યનું છે તેના વડે લેવામાં આવેલી પ્રથમ તસવીર માનવ જાતે અત્યાર સુધી સમય અને અંતર બંનેની રીતે જોયું હોય તે બાબતમાં સૌથી દૂરનું દ્રશ્ય બતાવે છે, જે બ્રહ્માંડના  સમય અને યુગના ઉદયની તદ્દન નિકટનું દ્રશ્ય બતાવે છે. આમ તો પ્રકાશ ખૂબ ઝડપથી ગતિ કરે છે પરંતુ અતિ વિશાળ બ્રહ્માંડમાં ખૂબ લાંબુ અંતર કાપતા પ્રકાશને પણ ઘણો સમય લાગી જાય છે.

વિશાળ અને નિ:સીમ અવકાશમાં  પ્રકાશને જે અંતર કાપતા એક વર્ષ જેટલો સમય લાગે છે તેટલા અંતરને પ્રકાશવર્ષ કહેવામાં આવે છે. અબજો પ્રકાશવર્ષના અંતરનો દેખાતો પ્રકાશ એ હાલનો નહીં પણ અબજો વર્ષ પહેલાનો હોય જે હાલમાં આપણને જોવા મળતો હોય તે  સ્વાભાવિક છે અને તે રીતે જોતા આ જેમ્સ વેબ ટેલિસ્કોપે અબજો વર્ષ પહેલાનો પ્રકાશ આપણને દેખાડ્યો છે એમ કહી શકાય. આ ટેલિસ્કોપ દ્વારા મોકલવામાં આવેલી એક વિશિષ્ટ તસવીરને ડીપ ફીલ્ડ નામ આપવામાં આવ્યું છે જે  તસવીર અમેરિકી પ્રમુખ આવાસ વ્હાઇટ હાઉસમાં યોજાયેલ એક કાર્યક્રમમાં જારી કરવામાં આવી હતી અને તે તસવીર ઢગલેબંધ તારાઓથી ભરપૂર છે અને તેમાં આગળના ભાગે વિશાળ આકાશગંગાઓ જોવા મળે છે જ્યારે અત્યંત દૂરના  અંતરની આકાશગંગાઓ પણ અહીં તહીં જોવા મળે છે.

આ તસવીરનો એક ભાગ જે સમયનો પ્રકાશ દર્શાવે છે તે સમય બ્રહ્માંડની ઉત્પત્તિ જે ઘટના વડે થઇ હોવાનું મનાય છે તે બિગ બેંગની ઘટના પછીનો બહુ મોડેનો સમય નથી, જે  ઘટના ૧૩.૨ અબજ જેટલા વર્ષ પહેલા બની હતી. બ્રહ્માંડમાં અત્યંત દૂરના પ્રકાશને પ્રવાસ કરીને આવતા ઘણો સમય લાગે છે તે જોતા આ ટેલિસ્કોપમાં જે દૂરનો પ્રકાશ ઝડપાયો છે તે અબજો વર્ષ પહેલાનો છે એવી ગણતરી કરવામાં  આવી છે. આ તસવીર જારી કરવામાં આવી તેના થોડા સમય પહેલા જ પ્રમુખ જો બાઇડને આ તસવીરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમાં બ્રહ્માંડના ઇતિહાસનો સૌથી જૂનો દસ્તાવેજી પ્રકાશ છે જે ૧૩ અબજ વર્ષ કરતા વધુ જૂનો  પ્રકાશ છે.

 વિશ્વના આ સૌથી મોટા અને સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ જેમ્સ વેબ ટેલિસ્કોપને ગયા ડિસેમ્બરમાં દક્ષિણ અમેરિકાના ફ્રેન્ચ ગુયાના ટાપુ પરથી રવાના કરવામાં આવ્યું હતું. તે પૃથ્વીથી ૧.૬ મિલિયન કિલોમીટરના અંતરે આવેલ  તેના લૂકઆઉટ પોઇન્ટ પર જાન્યુઆરીમાં પહોંચ્યું હતું. આ ટેલિસ્કોપે હવે તસવીરો મોકલવા માંડી છે. ડીપ ફીલ્ડ તસવીર પછી આ ટેલિસ્કોપે બીજી પણ અનેક તસવીરો મોકલી છે જે બ્રહ્માંડના સુંદર દ્રશ્યો બતાવે છે. કેટલાક ગ્રહોની  પણ નજીકના અંતરની તસવીરો આ ટેલિસ્કોપે મોકલી છે. ઘણી અભ્યાસક્ષમ તસવીરો અને માહિતીઓ આ ટેલિસ્કોપ તરફથી મળશે એવી આશા રાખવામાં આવે છે પરંતુ ગમે તેટલા પ્રયાસો પછી પણ અતિ વિશાળ અને અતિ ગહન એવા  બ્રહ્માંડનો સંપૂર્ણ તાગ મેળવવાનું માણસ જાત માટે ક્યારેય શક્ય બનશે કે કેમ? તે પ્રશ્ન તો ઉભો જ રહે છે.

Most Popular

To Top