Comments

‘લોકશાહી માટે નાગરીકો એકતા બતાવી શકે’?

પશુપાલકો એકઠાં થયાં છે કારણ કે રસ્તે રખડતાં પશુ માટે સરકારે જે કાયદો કર્યો હતો તેનો વિરોધ કરવાનો હતો. એક સમાજ ભેગો થયો છે. કારણ કે પોતાના સમાજના અગ્રણી નેતા વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેસ થયા છે તેનો વિરોધ કરવાનો હતો. કર્મચારીઓના જુદા જુદા સમુદાયો ભેગા થયા છે કારણ કે તેમને તેમની વિવિધ માંગણીઓ સરકાર સંતોષે તે માંગણી કરવી છે. અને આ બધું જ બની રહ્યું છે. કારણ કે ચૂંટણી આવી રહી છે. સરકાર પણ વાત તો જ સાંભળે છે જો સામે ચૂંટણી હોય. સત્તા મેળવવાની લાલસા હોય! ચૂંટણી પત્યા પછી તો સત્તાવાળા માટે પ્રજા એટલે ‘તું કોણ અને હું કોણ?’

‘એક તો દેશમાં ભેગા મળીને કાયદો તોડો તો વાંધો નહીં’ એ માનસિકતા વધતી જાય છે. કાયદાના પાલકો પણ એકલદોકલને જ સજા કરે છે. જે ભેગા મળીને મોટો સમૂહ કાયદા વિરુદ્ધનું વર્તન કરે તો સત્તાવાળા મૌન ધારણ કરી લે છે. એ એકાદ વ્યક્ત રાત્રે જાહેર માર્ગો પર ફટાકડા ફોડે તો ગુનો બને, પણ ખૂબ બધા લોકો રાજકીય, ધાર્મિક કે ક્રિકેટ વિજય જેવા કારણસર રસ્તા પર ફટાકડા ફોડવા આવી જાય તો કોઇ ન બોલે!

ટ્રાફિકમાં તો કાયમ જોવા મળે છે કે જો એકલદોકલ સિગ્નલ તોડે તો પોલીસ પકડે-મેમો આપે પણ જો ભેગા થયેલા બધા વાહનચાલકો લાઈન તોડીને નીકળે તો પછી પોલીસ જ ખસી જાય છે!આ ભેગા મળીને કાયદો તોડવાની ભાવના ચૂંટણી સમયે પરવાન ચડે છે. રાજકીય પક્ષો પણ આ બળતામાં ઘી હોમે છે.અને આ સમગ્ર ‘સ્વલક્ષી’ પ્રક્રિયામાં નાગરિક ઘડતર, લોકશાહી ઘડતરની પ્રક્રિયા અટકી પડે છે. આજે જયારે પશુપાલકો ભેગાં થાય છે. જ્ઞાત સમૂહો ભેગા થાય છે જુદા જુદા વર્ગના કર્મચારીઓ ભેગાં થાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે દેશમાં ‘નાગરિકો’ સંગઠિત કયારે થશે? અને વ્યક્તિગત લાભો, જ્ઞાતિગત લાભો માટે એકતા બતાવનારાં લોકો દેશમાં લોકશાહી મજબૂત થાય, કાયદાનું શાસન સ્થપાય તે માટે ભેગાં કયારે થશે?

વાત આદર્શની નથી, વ્યવહારની છે. સહજ સમજણની છે. ચૂંટણી આવે ત્યારે વિચારવાનું એ હોય કે દેશમાં નાગરિક અધિકારોની રક્ષા થાય તે માટે શું થઇ શકે! દેશમાં કાયદા ઘડતરની પ્રક્રિયા વધારે પારદર્શી થાય, નાગરિક ભાગીદારી વધે તેવી સરકાર બનાવવા શું કરવું જોઇએ! કયો પક્ષ નાગરિક ઘડતર લોકશાહી મૂલ્યોને વધારે મહત્ત્વ આપે છે. કયો પક્ષ અધિકારીઓની આપખુદશાહીને ઓછી કરશે! આપણે દેશમાં રૂઢિચુસ્તતા, જ્ઞાતિવાદ, સામાજિક બંધનો, સ્ત્રી સ્વતંત્રતા જેવાં અનેક માનવમૂલ્યોમાં ખૂબ કામ કરવાનું બાકી છે. હજુ જ્ઞાતિ-જાતિ આધારિત કામની વહેંચણીમાંથી આપણે બહાર આવ્યા નથી. દેશમાં કુલ આવકો વધે છે પણ આવકની અસમાનતા તીવ્ર થતી જાય છે. કઇ સરકાર આર્થિક અસમાનતા ઘટાડવા કામ કરશે? આવા પ્રશ્નો વિચારાતા નથી.

આપણે વ્યક્તિગત રીતે રોજગારી બધાને જોઈએ છે પણ દેશમાં કાર્યફોર્સને યોગ્ય વેતન સાથે કામ કેવી રીતે મળે? તેનો વિચાર કોઇ નથી કરતું! મતલબ કે ધર્મ આધારે, સંપ્રદાયના આધારે, સમાજના વ્યવસાયના આધારે આપણે એક થઇ શકીએ છીએ. સ્વાર્થ માંગણીઓ માટે સોદાબાજી કરવા એકઠા થઇ શકીએ છીએ. પણ દેશને એક પરિપકવ લોકશાહી દેશ બનાવવા ભેગાં થઇ શકતાં નથી.એકતા લાવી શકતાં નથી. ‘દેશમાં એકતા’ એ રાજકીય પક્ષોનો રાજકીય લાભ માટેનો જોરદાર મુદ્દો છે.ભાજપ માને છે કે સૌ એક થઇ એમને ચૂંટી નાખે. કોંગ્રેસ માને છે કે પ્રજા એક થાય અને ભાજપને હાંકી નાખે. નાના-નાના પક્ષોના નેતાઓ માને છે જો નાના પક્ષો એક થઇ જાય તો બન્ને મોટા પક્ષોને હટાવી આપણે સત્તામાં આવી જઇએ! આમ ‘રાષ્ટ્રીય એકતા’ જેવી આદર્શ ભાવનાનો પણ માત્ર સ્વાર્થ માટે ઉપયોગ થાય છે. આ દુ:ખદ છે.

એક સમયે દેશમાં સામાજિક કાર્યકર્તાઓ હતા. સમાજ પરિવર્તન માટે કામ કરતા દેશની સામાજિક બદીઓ સામે લડતા મૂળભૂત માનવમૂલ્યોના જતન માટે કામ કરતા જેનાથી સામુહિક નાગરિક વર્તન બદલાતું. અખો, નરસિંહ, કબીર જેવાં લોકો ધાર્મિક રૂઢિઓ માટે સમર્પિત થયા. તો ગાંધી-સરદાર-આંબેડકર લોકોમાં રાજકીય સામાજિક જવાબદારી માટે કામ કરતા હતા. ગુજરાતમાં દરેક પ્રદેશના નાના-મોટા અનેક આગેવાનોએ લોકોમાં નાગરિક જાગૃતિનું કામ કર્યું! અમુલની ચળવળ માટે ત્રિભુવનભાઈ પટેલ શિક્ષણમાં ગિજુભાઈ બધેકા, માનભાઈ ભટ્ટ, જેવાં અનેક નામો છે, પણ છેલ્લાં દસ-વીસ વર્ષથી સૌ આગેવાનો રૂપિયા અને સંપત્તિમાં પડયા છે. સમાજના શ્રેષ્ઠીઓ રહ્યા નથી જે સમાજ અને સરકાર વચ્ચે સેતુ બને અને સરળ શાસનમાં મદદરૂપ થાય.

ખેર, ફરિયાદ કરવા સાથે ઉકેલ તરફ પણ વિચારવું જોઈએ.અને એ વિચાર એ છે કે આપણે ખરેખર લોકો શાહી સંસ્થા મજબૂત કરવા એક થવાનું છે. દરેક સામાજિક આગેવાને પોતાના પોળ-ગલી, મહોલ્લા નગર શહેરમાં ચર્ચાઓ શરૂ કરવી જોઈએ કે વોટ ગમે તે પક્ષને આપો પણ એ પક્ષ પાસેથી શું કામ લેવાનું છે તે પણ જાણતા રહેજો. આપણા ઉમેદવારને પૂછજો કે ચૂંટાયા પછી અગત્યના મુદ્દાઓમાં નિર્ણય કરતી વખતે અમને પૂછવા આવીશ ને ‘તમારા પક્ષની વિચારધારાથી જૂદી વિચારધારા રાખનારાનો આદર કરીશ ને! ભૌતિક સુવિધાઓનો વિકાસ તો અંગ્રેજોનું શાસન હોત તો પણ થાત! આપણે જે મૂલ્યો માટે સ્વતંત્રતાની લડત ચલાવી હતી તે સ્વતંત્રતા માટે તમારી વિભાવના શું?

દેશના સૌ નિસ્બત ધરાવતાં લોકોએ વિચારવાની જરૂર છે કે રાહુલ ગાંધી દેશના વડા પ્રધાન બનશે કે કેમ? નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે ટકશે કે કેમ? અદાણી વિશ્વના સૌથી વધુ ધનિક બનશે કે કેમ? દેશ પાંચ ટ્રિલિયન ડોલર ઇકોનોમી થશે કે કેમ? એ આપણા મુખ્ય પ્રશ્ન જ નથી! દેશમાં લોકશાહી અને માનવમૂલ્યો ટકશે કે કેમ? એ મુખ્ય પ્રશ્ન છે. કાયદાનું શાસન સૌ સ્વીકારશે કે કેમ? જ્ઞાતિ-જાતિ-વ્યક્તિગત સ્વાર્થથી ઉપર લોકશાહી માટે વોટ થશે કે કેમ?  
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top