Business

જંત્રીના નવા દર મુદ્દે સરકાર જરૂરી સુધારા કરવા માટે તૈયાર

ગાંધીનગર : રાજયમાં આજથી બે ગણી જંત્રીનો (Jantri) અમલ શરૂ થઈ જતાં રાજયભરના બિલ્ડર એસોસિએશનનો (Builders Association) વિરોધ નોંધાવ્યો છે. આજે રાજયભરના બિલ્ડર એસોસિએશનની એપેક્ષ બોડી ક્રેડાઈ ગુજરાતના (Gujarat) પ્રિતિનિધિ મંડળ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વની બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે મેં તેમની રજૂઆત ધ્યાનથી સાંભળી લીધી છે, તેને અધિકારીઓ સાથેની બેઠકમાં સમજીને રાજય સરકાર જરૂરી ફેરફાર – સુધારો કરવા તૈયાર છે. બિલ્ડર એસોસિએશન સાથેની બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચીફ સેક્રેટરી, શહેરી તથા મહેસુલ વિભાગના સિનિયર અધિકારીઓ સાથે પણ મહત્વની બેઠક યોજી હતી. જેના પગલે રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા હાલ પુરતી જંત્રીનો અમલ સ્થગિત કરાય તેવી સંભાવના છે.

દેશના ક્રેડાઈના પ્રમુખ જક્ષય શાહ અને ક્રેડાઈ ગુજરાત તરફથી ચેરમેન અજય પટેલે બેઠકમાં મુખ્યપ્રધાન સમક્ષ એવી રજૂઆત કરી હતી કે, રાજય સરકાર જંત્રીના દરોમાં અચાનક બમણો વધારો કર્યો છે. જે હાલ પુરતો સ્થગિત કરવો જોઈએ. નવી જંત્રીનો અમલ તા.1લી મેથી કરવો જોઈએ, એટલું જ નહીં નવી જંત્રી અમલમાં મૂકતા પહેલા રાજયમાં વિવિધ શહેરો તથા તેની અંદર આવેલા વિસ્તારોનો વૈજ્ઞાનિક સર્વે કરવો જોઈએ. જેમાં જરૂર લાગે તો જંત્રીના દરો વધારી 150 ટકા પણ કરવા જોઈએ અને જરૂર લાગે તો 5 ટકા જ વધારવા જોઈએ. અલબત્ત, આ બાબત વૈજ્ઞાનિક સર્વેના આધારે નક્કી કરવી જોઈએ.

જંત્રી માટે નવા સર્વેની કામગીરીમાં ક્રેડાઈ ગુજરાત પણ મદદ કરવા તૈયાર છે. અલબત્ત. અચાનક જંત્રીના દરો બમણા થઈ જવાના કારણે પ્રોપ્રટીના ભાવ ઊંચા જશે. એટલું જ નહીં બિલ્ડર તથા ગ્રાહક અને બિલ્ડર અને ખેડૂત વચ્ચેના વ્યવહારો તૂટી જશે એટલે ત્રણ માસનો સમય આપવો જોઈએ. એટલે આ ત્રણ માસની અંદર આ વ્યવહારોમાં કોઈ મુશ્કેલી પેદા ના થાય. અલબત્તસામે સરકારને પણ મહેસુલી આવક પણ પુરતી મળી રહેશે. ક્રેડાઈ દ્વારા એવી રજૂઆત કરાઈ છે કે 33% ના ધોરણે જંત્રીમાં વધારો કરવો જોઈએ. આ ઉપરાંત જે લોકોને ટોકન અપાઈ ગયા છે તે લોકો જૂની જંત્રીના આધારે જ દસ્તાવેજ કરી શકશે તેવી રજૂઆત ક્રેડાઈ દ્વારા કરાઈ છે. રાજય સરકાર દ્વારા એકાદ બે દિવસની અંદર નવો સુધારેલો પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે.

Most Popular

To Top