Gujarat

રાજકોટ: આ મુદ્દે થયેલો સામાન્ય ઝગડો લોહિયાળ બની ગયો, એક જ પરિવારના ત્રણ લોકોની ઘાતકી હત્યા

રાજકોટ : સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના નાનકડા ફૂલગામ ગામમાં ટ્રિપલ મર્ડરની (Murder) ઘટના બનતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. પડોશીઓ વચ્ચે નજીવી બાબતે થયેલા ઝગડા બાદ એક જ પરિવારના વડીલ તેમના પુત્ર અને તેમના પુત્રવધુની ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી.

આ ઘટનાની મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફૂલગામમાં હમીરભાઇ કહેરભાઇ મેમકિયા તેમના પરિવાર સાથે રહે છે. તેમની પડોશમાં ભગાભાઇ નાગજીભાઇ રહે છે. આ બંને પરિવાર વચ્ચે એક ગટરના મુદ્દે ઝગડો ચાલી રહ્યો હતો. એક મહિના અગાઉ પણ આ મુદ્દે ઝગડો થયો હતો અને આજે પણ આ મુદ્દે બોલાચાલી થઇ હતી જેના કારણે ભગા નાગજી ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે હમીરભાઇના પુત્ર ધર્મેન્દ્ર ઉપર ચપ્પુથી હુમલો કરી દીધો હતો. તેને બચાવવા વચ્ચે પડેલા હમીરભાઇ અને તેમની પુત્રવધુને પણ ચપ્પુના ઘા ઝીંકી દેવામાં આવ્યા હતાં.

આ લોહિયણ જંગમાં હમીરભાઇ, ધર્મેન્દ્ર અને દક્ષાબેનનું ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. વઢવાણના ફૂલગામમાં બનેલી ચકચારી ઘટનાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા હરેશ દૂધાત પણ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. એસપીએ કહ્યું હતું કે, આરોપી અને ભોગ બનનારના પરિવારો પાડોશમાં જ રહે છે. એક મહિના પહેલાં ગટરના પ્રશ્ને ઝઘડો થયા બાદ બંને પરિવારો વચ્ચે બોલાચાલી થતી રહેતી હતી. આજે આરોપીએ ઉશ્કેરાઈ પિતા, પુત્ર અને પુત્રવધૂ પર હુમલો કરી હત્યા નિપજાવી હતી. આરોપીની હથિયાર સાથે અટકાયત કરી લેવામાં આવી હોવાનું એસપીએ જણાવ્યું હતું. ફુલગામમાં ધર્મેન્દ્રભાઈ અને દક્ષાબેનની હત્યા કરી દેવાતા તેમના દસ વર્ષના પુત્ર અને સાત વર્ષની પુત્રીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી છે. તો 70 વર્ષીય વૃદ્ધ માતા પર પતિ, પુત્ર અને પુત્રવધૂ ગુમાવવાનું દુઃખ આવી પડ્યું છે. મેમકીયા પરિવારના ત્રણ સભ્યોની હત્યાના કારણે પરિવારજનોમાં આક્રંદ છવાયો છે.

Most Popular

To Top