Sports

VIDEO: ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં અચાનક પહોંચ્યા આ લિજેન્ડ, શિખર ધવને ભેંટીને કર્યું સ્વાગત

ટ્રીનિદાદ(Trinidad) : ભારતીય ક્રિકેટ ટીમે (Indian Cricket Team) વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીની પ્રથમ મેચ 3 રને જીતી લીધી છે. પોર્ટ ઓફ સ્પેનમાં આ જીત બાદ તમામ ખેલાડીઓ ઉત્સાહિત અને ખુશ દેખાતા હતા, ત્યારે એક દિગ્ગજ ક્રિકેટરે ભારતીય ક્રિકેટરોના ડ્રેસિંગ રૂમમાં પહોંચી ખેલાડીઓની ખુશીને બમણી કરી દીધી હતી. આ દિગ્ગજોનું યુઝવેન્દ્ર ચહલ, ભારતીય કેપ્ટન શિખર ધવન, વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે સ્વાગત કર્યું હતું.

આ દિગ્ગજ છે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન બ્રાયન લારા. ક્રિકેટ જગતના આ દિગ્ગજ ખેલાડી શુક્રવારે મેચ પૂરી થયા બાદ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં અચાનક જ પહોંચી ગયા હતા. ભારતીય ખેલાડીઓના ડ્રેસિંગ રૂમમાં બ્રાયન લારા ગયા તેનો વીડિયો ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે ભારતીય બોર્ડે કેપ્શનમાં લખ્યું, ‘જુઓ ટીમ ઈન્ડિયાના રૂમની મુલાકાત લેવા કોણ આવી રહ્યું છે. આ લિજેન્ડ છે બ્રાયન ચાર્લ્સ લારા. કેપ્શનની સાથે બીસીસીઆઈએ તાળીઓના ગડગડાટનો ઈમોજી પણ મૂક્યો છે. એટલે કે BCCIએ તાળીઓના ગડગડાટ સાથે લારાનું સ્વાગત કર્યું.

વીડિયોમાં જોઈ શકાય છે કે લારાનું સ્વાગત યુઝવેન્દ્ર ચહલ, ભારતીય કેપ્ટન શિખર ધવન, વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યરે કર્યું હતું. આ પહેલા લારા ટીમ ઈન્ડિયાના કોચ અને પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડને પણ મળ્યા હતા. તેનો ફોટો પણ BCCIએ શેર કર્યો હતો. આ ફોટો શેર કરવાની સાથે BCCIએ કેપ્શનમાં લખ્યું હતું કે, એક ફ્રેમમાં બે દિગ્ગજ.

અત્યંત રોમાચંક મેચ ભારત છેલ્લી ઓવરમાં 3 રનથી જીત્યું
તમને જણાવી દઈએ કે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 7 વિકેટે 308 રન બનાવ્યા હતા. શિખર ધવને 97, શુભમન ગીલે 64 અને શ્રેયસ અય્યરે 54 રન બનાવ્યા હતા. વિન્ડીઝ તરફથી ગુડાકેશ મોતી અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી. તે જ સમયે, રોમારિયો શેફર્ડ અને અકીલ હુસૈનને એક-એક વિકેટ મળી હતી. આ પછી 309 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 305 રન બનાવી શકી અને 3 રનથી મેચ હારી ગઈ. ભારત તરફથી સિરાજ, શાર્દુલ ઠાકુર અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ લીધી હતી. આ જીતનો હીરો કેપ્ટન શિખર ધવન રહ્યો છે, જેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો. ધવને 99 બોલમાં 97 રનની ઇનિંગ રમી હતી. તે છઠ્ઠી વખત નર્વસ 90નો શિકાર બન્યો છે.

Most Popular

To Top