Madhya Gujarat

માતા-પિતા વ્હાલ સોયા પુત્રને 7 હજાર રૂપિયામાં વેચી દેવા લાચાર બન્યા, અરવલ્લીની ઘટના

મોડાસા: ગતિશીલ ગુજરાત અને વાઇબ્રન્ટ ગુજરાત અને વિકાસના ફૂંકાતા બણગા વચ્ચે એક એવો કિસ્સો બહાર આવ્યો છે. જે વાંચી ભલભલા કઠણ હૃદયના માનવીને પણ હચમચાવી નાખે તેમ છે. કોરોના સંક્રમણ પછી ધંધા રોજગારી છીનવતા અનેક પરિવારોની હાલત કફોડી બની છે .

ગરીબ પરિવારોને ભૂખ્યા સુઈ રહેવાના દિવસો આવ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં મજૂરી કરી પેટિયું રળતા પરીવારનું ભરણપોષણ કઈ રીતે કરવું તે યક્ષ પ્રશ્ન બન્યો છે. અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતો શ્રમીક પરીવાર કોરોના સંક્રમણમાં ખાવાનાં ફાંફા પડતા તેમના ૧૦ વર્ષીય પુત્રને મોડાસાના ખંભીસર નજીક ઝૂંપડું બાંધી રહેતા પરિવારને ૭ હજાર રૂપિયામાં વેચી દીધું હતું.

ત્યારે છેલ્લા કેટલાક સમયથી બાળક ખંભીસર વિસ્તારમાં ફરતું રહેતા એક જાગૃત યુવકના ધ્યાને આવતા બાળકને ઉભું રાખી પૂછપરછ કરતા તેને તેના માતા-પીતાએ ૭ હજારમાં નજીક ઝૂંપડામાં રહેતા પરિવારને વેચી દીધું હોવાનું જણાવતા યુવક ચોકી ઉઠ્યો હતો અને અગમ ફાઉન્ડેશનનાં હેતલ પંડ્યાને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી બાળકનું રેસ્ક્યુ કરી ઘરે લાવી બાળકને સ્વચ્છ કરી નવા કપડાં પહેરાવી જીલ્લા બાળ સુરક્ષા વિભાગને સુપ્રત કર્યું હતું. 

અગમ ફાઉન્ડેશનના હેતલ પંડ્યા અને બાળ સુરક્ષા અધિકારીએ બાળકની પૂછપરછ કરતા તે માલપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતો હોવાનો અને થોડા સમય પહેલા તેના માતા-પિતાએ ૭ હજાર રૂપિયાના ખંભીસર નજીક ઝૂંપડામાં રહેતા પરિવારને વેચી દીધો હતો અને ખરીદનાર શ્રમિક પરિવાર તેની પાસે શખ્ત મજૂરી કરાવતા હોવાનું જણાવ્યું હતું.

બાળકની ખરીદી કરનાર ગરીબ પરિવારને કાયદાકીય ગુન્હો બનતો હોવાનું જણાવતા ફફડી ઉઠ્યા હતા અને બાળકના માતા પિતાએ સામેથી બાળકને તેમના ત્યાં મજૂરી માટે મુક્યો હોવાનું જણાવ્યું હતું અને આજીજી કરવા લાગ્યા હતા. બીજીબાજુ અગમ ફાઉન્ડેશન અને બાળ સુરક્ષા વિભાગે બાળક વેચનાર માતા-પિતાનો સંપર્ક કરી મળવા બોલાવ્યા હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી.

અગમ ફાઉન્ડેશનના ચેરમેન હેતલ પંડ્યાના જણાવ્યા અનુસાર તેમને તેમના સબંધી યુવકે ખંભીસર નજીક એક ગરીબ બાળક મળી આવ્યું હોવાનું અને તેના માતા-પિતા એ નજીક ઝૂંપડામાં રહેતા પરિવારને વેચી દીધું હોવાની જાણકારી આપતા તાબડતોડ ખંભીસર નજીક જે સ્થળે બાળક સાથે વાત કરતા તેને થોડા સમય પહેલા માતા-પિતાએ આ લોકોને ૭ હજાર રૂપિયામાં વેચી દીધો હોવાનું જણાવતા તેમને અરવલ્લી જીલ્લા બાળ સુરક્ષા અધિકારી બિહોલાનો સંપર્ક કરતા તેમની ટીમ સાથે દોડી આવ્યા હતા અને બાળકનું રેસ્કયુ કરી બાળકને સ્વચ્છ કરી સાંત્વના અપાતા તેના પરિવાર અંગે પૂછપરછ કરતા માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારનું નામ આપતા તેના માતા-પિતાનો સંપર્ક કરી શુક્રવારે બાળ સુરક્ષા અધિકારી કચેરી બોલાવ્યા હોવાનું જણાવ્યું હતું. હાલ તો બાળકને તંદુરસ્ત વાતાવરણ મળી રહે અને બાળક અભ્યાસ કરતુ થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top