Gujarat

જામનગરમાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી અઢી વર્ષની બાળકીનું 21 કલાકની જહેમત બાદ મોત

જામનગર: જામનગરમાંથી (Jamnagar) શનિવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જામનગરનાં તમાચણ ગામના વાડી વિસ્તારમાં એક અઢી વર્ષની બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં (Borewell) 20 ફૂટની ઊંડાઈ પર ફસાઈ ગઈ હતી. બાળકીના હાથ દેખાતા તેને બચાવવા માટેની આશા તો જાગી હતી પણ 21 કલાકની જહેમત બાદ રવિવારે વહેલી સવારે 5.45 વાગ્યે તંત્રની તેમજ સ્થાનિક અને સેવાભાવી લોકોની મદદથી બાળકીને બહાર તો કાઢવામાં આવી હતી, પરંતુ બાળકી જિંદગી સામેનો જંગ હારી ગઈ હતી. બાળકીના મોતના કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.

  • બાળકીના હાથ દેખાતા તેને બચાવવા માટેની આશા તો જાગી હતી પણ 21 કલાકની જહેમત બાદ તેનું મોત થયું
  • બાળકીના મોતના કારણે સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો

પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા ફસાઈ ગઈ હતી. અંદર ફસાયેલી બાળકીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો તેમજ ગ્રામજનો બોરવેલ પાસે દોડી ગયા હતા. ફાયરની ટીમ 108 સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. શનિવારથી બાળકીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકીને બચાવવા માટે બોરની નજીક જેસીબીથી ખાડો કરવામાં આવ્યો હતો. એનડીઆરએફની ટીમ, ફાયરના જવાનો અને સેવાભાવી લોકો કામગીરીમાં જોડાયા હતા. સાત ફૂટ બોર તરફ બીજો ખાડો કરીને અઢી વર્ષની બાળકી રોશનીને બહાર કાઢવામાં આવી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી જો કે તેને બચાવી શકાય ન હતી.

તમાચણ ગામમાં જે ખાતેદારની વાડીના બોરમાં અઢી વર્ષની બાળકી ફસાઈ હતી તે વાડી માલિક ગોવિંદભાઈએ જણાવ્યું હતું કે, વાડીમાં બોર ખુલ્લો ન હતો તેને પથ્થરથી ઢાંકવામાં આવ્યો હતો, જોકે, પાંચથી છ નાનાં બાળકોએ રમતાં રમતાં પથ્થરને હટાવી નાખ્યો હતો. ત્યારબાદ અઢી વર્ષની બાળકી બોરમાં પડી ગઈ હતી.

Most Popular

To Top