Charchapatra

બોમ્મન-બેલ્લી, રઘુ અને અમ્મુ

હાલમાં જ ઓસ્કારનો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એકેડેમી એવોર્ડ વૃત્તચિત્ર ‘એલિફન્ટ વ્હિસ્પર્સ’ ને મળ્યો.ગૌરવ એ માટે લઈ શકાય કે ભારતની આ પહેલી ઓસ્કાર વિજેતા ફિલ્મ બની છે. ઝુંડમાંથી વિખૂટું પડી ગયેલ હાથીનું બચ્ચું- રઘુને ઝુંડ સાથે જોડવાના પ્રયાસો થાય છે. જંગલની આ ઘટના! સમાજમાં આનાથી સાવ અલગ જ દૃશ્ય જોવા મળે છે.શું આપણને સમ-વેદના થાય છે ખરી? વૃદ્ધ માતા પિતાને ઝુંડમાંથી(પરિવારથી) અલગ કરી દેવાનાં,જન્મ દેનાર ‘મા’ પોતાના નવજાતને તરછોડે,પિતા જ પુત્રીનું યૌન શોષણ કરે,મા જ દીકરીને પોતાનાં પ્રેમીને ધરી દે,સાવ ક્ષુલ્લક કારણે બાળક કે વડીલ આત્મહત્યા કરે !એ દૃશ્યો સામાન્ય થઇ ગયાં છે. આખા શરીરે ઘાવ હોવા છતાં બોમ્મન એ હાથીના બચ્ચાને(રઘુને) પોતાના સંતાન જેવો જ પ્રેમ,લાગણી અને વહાલ આપી ઉછેરે છે. જ્યારે સુસંસ્કૃત માનવી માંદગીના બિછાને પડેલ સ્વજનને સંભાળવાને બદલે વૃદ્ધાશ્રમના દ્વાર બતાવે! જંગલમાં રહેતાં પ્રાણીઓ કે માનવીઓને જંગલી કે અસંસ્કૃત શબ્દોથી નવાજીએ છીએ,પણ સંસ્કૃતિ,ભૌતિક સાધનો,અભ્યાસ કે ટેકનોલોજીથી વંચિત (લોકોની) વનવાસીઓની સંવેદના સુસંસ્કૃત લોકો કરતાં અનેક ગણી છે. ડેડબોડી આવી ગઈ? ક્યારે કાઢી જવાનાં? જેવા વિધાનો વ્યસ્ત માનવની લાગણીશૂન્યતા પ્રદર્શિત કરે છે.ભૌતિક સુખ પાછળ દોડતો માનવ,માનવને સ્નેહ નથી આપી શકતો ત્યારે પ્રકૃતિને બચાવવાની વાત તો…!?પ્રાણીનાં અસ્તિત્વને ટકાવી રાખવા મથતાં બોમ્મન અને બેલ્લીની મૃદુતા,કાળજીપૂર્વકની સંભાળ હૃદયને સ્પર્શી જાય છે. માનવ સમાજમાં રહેતા આપણે ચહેરાની સુંદરતા, આકર્ષણ,દેખાડો, પ્રભાવ, પૈસા, પાવર અને જૂઠના સહારે નકલી વાહવાહીમાં સંવેદના ખોઈ ચૂક્યા છીએ. છેલ્લા ઘણાં વર્ષોથી માણસ પોતાના વિશે જ વિચારતો થયો છે.બીજાનું દુઃખ આઘાત કે આપત્તિજનક પરિસ્થિતિની જાણે કંઈ અસર જ થતી નથી!સ્વાર્થની ભાવનાથી પ્રેરિત માણસની સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હોય એવું નથી લાગતું? સંવેદના,ભીતરની ૠુજુ લાગણી છે,ત્યારે મનની સ્વચ્છતા અને સુંદરતા ધરાવતા નિ:સ્વાર્થ વનવાસીઓની મૃદુતા બાજી મારી જાય છે.
સુરત     – અરુણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

પ્રદૂષણ અનેક કુદરતી આફતોનું મૂળ
આ વર્ષ ફેબ્રુઆરી મહિનો ઘણાં વર્ષો પછી વધુ ગરમ રહ્યો. આપણે અનુભવીએ છીએ, દિવસે ને દિવસે ગરમી ખૂબ વધતી જાય છે. પંખાનું સ્થાન હવે મોટે ભાગે એસીએ લઇ લેવું પડે એવી ગરમી (અસહ્ય) આપણે ઉનાળામાં અનુભવીએ છીએ. વર્ષના બે-ત્રણ મહિનાને બાદ કરતાં આખું વર્ષ એસીની જરૂર પડે છે અને વળી વાતાવરણમાં અસમાનતાની હવે નવાઈ નથી. વર્ષની ત્રણ ઋતુમાંથી કોઇ પણ ઋતુનો અનુભવ ગમે ત્યારે થઇ જાય. વાતાવરણ વધી રહેલ પ્રદૂષણ આ બધી આફતો નોંતરવાનું કારણ બનતું જાય છે અને કુદરતી આફતો અણધારી આવી પડે છે.આપણે જોષીમઠની સ્થિતિથી વાકેફ થયા. પહાડોની વચ્ચે હવે માનવો પોતાની વસાહત બનાવી પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. અમરનાથ, ચાર ધામ જેવાં ધાર્મિક સ્થળોએ પણ દર્શન કરવાની સાથે પ્રદૂષણ ફેલાવવાની ટેવ માનવ ભૂલતો નથી. આવાં પ્રદૂષણોથી કુદરત કોપાયમાન અસમાનતા કે અસહ્ય ગરમી સહન કરવાની તૈયારી આપણે રાખવી પડશે.
અમરોલી –પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top