Entertainment

અક્ષય કુમાર ‘હેરા-ફેરી 3’ નહીં પણ આ બાયોપિકથી હિટ કમબેકની તૈયારી કરી રહ્યો છે

મુંબઈ: સતત ફ્લોપ ફિલ્મો (Film) આપવા છતાં બોલિવુડમાં (Bollywood) અક્ષય કુમારનો ક્રેઝ અટકવાનું નામ નથી લઈ રહ્યો. અક્ષય એક પછી એક નવી ફિલ્મો સાઈન કરી રહ્યો છે. તાજેતરમાં જ અભિનેતાએ તેની બીજી આગામી ફિલ્મ વિશે માહિતી આપી છે. 16 નવેમ્બરે અક્ષયે જણાવ્યું હતું કે તે ટૂંક જ સમયમાં માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલની બાયોપિકને થિયેટરમાં લાવી રહ્યો છે. જણાવી દઈએ કે જસવંત સિંહ ગિલ એ જ વ્યક્તિ છે જેણે વર્ષ 1989માં કોલસાની ખાણમાં ફસાયેલા લોકોનો જીવ બચાવ્યો હતો.

કેન્દ્રીય મંત્રીએ જસવંત સિંહ ગિલને યાદ કર્યા
વાસ્તવમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી પ્રહલાદ જોશીએ સ્વર્ગસ્થ એન્જિનિયર જસવંત સિંહ ગિલને યાદ કરીને ટ્વીટ કર્યું હતું કે ‘અમે સ્વર્ગસ્થ સરદાર જસવંત સિંહ ગિલજીને 1989માં પૂરગ્રસ્ત કોલસાની ખાણમાંથી 65 કામદારોને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ યાદ કરીએ છીએ. અમને અમારા કોલ વોરિયર્સ પર ગર્વ છે. આ ટ્વીટના જવાબમાં અક્ષય કુમારે મંત્રીનો આભાર માન્યો હતો અને લખ્યું હતું કે ‘ખૂબ ખૂબ આભાર પ્રહલાદ જોશીજી, તમે એક સાચા હીરાને યાદ કર્યા છે’. અક્ષયે આગળ લખ્યું, ‘આ મારું સૌભાગ્ય છે કે હું મારી ફિલ્મમાં ગિલજીનું પાત્ર ભજવી રહ્યો છું.’

અક્ષયનો ફર્સ્ટ લુક રિલીઝ થઈ ગયો છે
જણાવી દઈએ કે અક્ષય કુમાર સાથે નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘રુસ્તમ’માં કામ કરી ચૂકેલા ડિરેક્ટર ટીનુ સુરેશ દેસાઈ આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે. તે જ સમયે વાશુ ભગનાની આ ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ માટે ઉત્સાહિત વાશુ ભગનાનીએ લખ્યું, ‘સ્વર્ગીય એન્જિનિયર જસવંત સિંહ ગિલ જીની વાર્તાને ફિલ્મના રૂપમાં લોકો સુધી લઈ જવી એ આપણું સૌભાગ્ય છે. જણાવી દઈએ કે આ ફિલ્મ માટેનું અક્ષય કુમારનું ફર્સ્ટ લુક પોસ્ટર પણ સામે આવ્યું છે, જેમાં તે સરદારજીના ગેટઅપમાં જોવા મળી રહ્યો છે.

કોણ હતા જસવંત સિંહ ગિલ, જેના પર ફિલ્મ બની રહી છે
મળતી માહિતી મુજબ 22 નવેમ્બર, 1939ના રોજ અમૃતસરના સથિયાલામાં જન્મેલા જસવંત સિંહ ગીલે પ્રારંભિક શાળાકીય શિક્ષણ ખાલસા સ્કૂલમાં કર્યું હતું અને 1959માં ખાલસા કોલેજમાંથી સ્નાતક થયા હતા. જસવંત સિંહ ગિલ પશ્ચિમ બંગાળના રાનીગંજમાં કોલસાની ખાણમાં એન્જિનિયર તરીકે કામ કરતા હતા. 16 નવેમ્બર, 1989 ના તે ભયંકર દિવસે, ઇસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડની મહાવીર કોલિયરી ખાતે ખાણિયાઓ કોલસાની દિવાલોને બ્લાસ્ટ કરી રહ્યા હતા, આ દરમિયાન બાજુમાં આવેલ ભૂગર્ભ જળ કોષ્ટક ભંગ થયો, પાણી ઘુસી ગયું અને ખાણમાં પૂર આવ્યું હતું. જસવંત સિંહ ગીલે હિંમત હાર્યા વિના બચાવ કાર્ય શરૂ કર્યું. તેમણે કોલસાની ખાણમાં ફસાયેલા ખાણિયાઓને બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Most Popular

To Top