સુરત: આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો. 10 અને 12 (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓ માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થાઓ, ટ્રાફિક સંચાલન, પાણી અને આરોગ્ય જેવી મહત્વની સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભગીરથસિંહ પરમારે માહિતી આપી કે, પરીક્ષા કેન્દ્ર શોધવાની મુશ્કેલી ન થાય તે માટે ક્યુઆર કોડની વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ ક્યુઆર કોડ સ્કેન કરીને તેમના પરીક્ષા કેન્દ્રનું લોકેશન સરળતાથી મેળવી શકશે. આ ક્યુઆર કોડ દરેક શાળાના નોટીસ બોર્ડ પર લગાવવામાં આવશે.
જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધીએ અધિકારીઓને સૂચના આપી કે, વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ગોઠવવી જરૂરી છે. ખાસ કરીને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂં રહે, જેથી વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર પહોંચે, તે માટે પોલીસ તંત્રને ખાસ દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેર અને જિલ્લામાં કુલ 1,53,290 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. આ માટે 14 ઝોન, 85 પરીક્ષા કેન્દ્રો, 524 બિલ્ડિંગ અને 5372 બ્લોકમાં પરીક્ષા યોજાશે. તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત જિલ્લામાં 1.53 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
- ધો.10– 91,830 વિદ્યાર્થીઓ
- ધો.12 (સામાન્ય પ્રવાહ)– 45,720 વિદ્યાર્થીઓ
- ધો.12 (વિજ્ઞાન પ્રવાહ)– 15,740 વિદ્યાર્થીઓ
પરીક્ષા સમયગાળો
- ધો.10 (SSC)– સવાર 10:30 થી 1:15
- ધો.12 (HSC)– બપોરે 3:00 થી 6:15
વિદ્યાર્થીઓ માટે મદદ માટે કંટ્રોલ રૂમ
પરિક્ષાને લગતી કોઈપણ માહિતી અથવા મુશ્કેલી માટે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી અથવા વાલીઓ ફોન નંબર: 0261-2662902 પર સંપર્ક કરી શકશે.
‘પરીક્ષા સાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ બુકલેટ લોન્ચ
આ બેઠક દરમિયાન કલેક્ટર ડૉ. સૌરભ પારધીના હસ્તે ‘પરીક્ષા સાથી સાથે પરીક્ષા પે ચર્ચા’ બુકલેટનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ બુકલેટ વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શક રૂપે ઉપયોગી સાબિત થશે.
વિદ્યાર્થીઓ માટે મનોવિજ્ઞાનીઓની મદદ ઉપલબ્ધ
પરીક્ષાના તણાવ અને મનોબળ માટે સુરતના પ્રખ્યાત મનોવિજ્ઞાનીઓ ડો. લતિકા શાહ અને ડો. રુદ્રેશ વ્યાસ સહિત 10 નિષ્ણાતોના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા છે. કોઈપણ વિદ્યાર્થી, જેને પરીક્ષા સંબંધિત માનસિક તણાવ હોય, તે આ નિષ્ણાતોની મદદ મેળવી શકશે. આ માહિતી જિલ્લા શિક્ષણાધિકારીની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે.
