Madhya Gujarat

કોમી છમકલા મામલે ભાજપ પર દોષારોપણ

નડિયાદ: ખેડા જિલ્લા કોંગ્રેસ દ્વારા કોમી છમકલા અંગે ભાજપને જવાબદાર ઠેરવતા રાજકારણ ગરમાયુ છે. જિલ્લામાં છેલ્લા સપ્તાહ દરમિયાન ત્રણથી ચાર મોટી ઘટનાઓ બની છે, જેમાં કોમી વિખવાદો ઉભા થાય તે પ્રકારે બિનાઓ સામે આવી છે. હાથજમાં તાજિયાકાંડ હોય કે પછી કપડવંજમાં લવ જેહાદ અને ઊંઢેલા ગામે તો ગરબામાં જ પથ્થરમારો થયો હતો. ત્યારે આ ઘટનાઓ અંગે કોંગ્રેસ લીગલ સેલ દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી દોષનો ટોપલો ભાજપ પર ઠાલવી દેવાતા રાજકારણ ગરમાયું છે.

ખેડા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ભાજપ સત્તા ઉપર બીરાજેલ છે અને તેની ભગીની સંસ્થાઓ દ્વારા કોમી વૈમનસ્ય ફેલાવવા અનેક કૃત્યો થતા હોવાનું ઉલ્લેખ્યુ છે. કાયદો અને વ્યવસ્થા જાળવણી જિલ્લાના વડાની હોય અને આ એક બંધારણીય જવાબદારી ગણાય છે. નડીયાદ તાલુકાના હાથજમાં શૈક્ષણિક સંસ્થાઓમાં કથિત રીતે રમાડવામાં આવેલા ગરબાઓ મહંદશે ધાર્મિક નહીં, પરંતુ આનંદ પ્રમોદ માટે રમાડાતા હોય છે. તેમાં કોઈક બાળકો દ્વારા પોતાનો ધાર્મિક નારો લગાવતા જાણે કે, આભ તુટી પડેલુ હોય અને હિન્દુઓ ખતરામાં આવી ગયા હોય અને ભયમાં હોય તેવો પ્રચાર જોરશોરથી કરવામાં આવ્યો છે. આવા ક્ષુલ્લક કારણોને લઈને શિક્ષિકાઓની નોકરી છીનવી લેવી તે અત્યંત આઘાતજનક અને વખોડવા લાયક છે.

તો વળી અરજીમાં જણાવ્યુ છે કે, ઉઢેળા મુકામે કેટલાંકને પોલીસ દ્વારા જાહેરમાં થાંભલા સાથે જકડીને ફરજીયાતપણે ઉભા રખાવી દંડા મારવામાં આવેલા છે. શું આપણે ભારતને બીજું અફઘાનીસ્તાન તો નથી બનાવતા? તેવો સવાલ ટાંકી પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તો વળી 2022ની વિધાનસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, તેવા સંજોગોમાં હતાશ થઈ ગયેલી સત્તાધારી પાર્ટી દ્વારા કોમી વૈમનસ્ય ફૈલાવી બે કોમ વચ્ચે દુશ્મનાવટો ઉભી કરી રાજકીય લાભ ખાટવાનો બદઈરાદાની શંકા વ્યક્ત કરી છે.

આ સંજોગોમાં પોલીસ તથા વહીવટીતંત્ર કાયદા પ્રમાણે પોતાની ફરજ બજાવે અને અસામાજિક તત્વો કાયદો હાથમાં ન લે તે બાબત પર ધ્યાન રાખવા તથા આપના રેકર્ડ ઉપર રહેલ સંવેદનશીલ વિસ્તારોને ધ્યાને લઈ સમગ્ર ખેડા જીલ્લામાં સી.સી.ટી.વી. ફુટેજ મેળવી શકય તે રીતે સઘન પોલીસ બંદોબસ્ત મુકવા માગણી કરી છે. આ રજુઆતના પગલે રાજકારણ ગરમાયું છે.

કપડવંજમાં બાઈક રેલી પર પથ્થરમારો થયો હોવાની અફવા ફેલાઇ
કપડવંજમાં નીકળેલી બાઈક રેલી દરમિયાન પથ્થરમારો થવાથી એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાની વાતો વહેતી થતાં ગામમાં વાતાવરણ તંગ બન્યું હતું. જોકે, પોલીસે પથ્થરમારાની ઘટનાને અફવા ગણાવી હતી અને બાઈક સ્લીપ ખાઈ જતાં ચાલકને ઈજા પહોંચી હોવાનું જણાવ્યું હતું. જોકે, અફવા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ખેડા જિલ્લાના કપડવંજ નગરમાં દશેરા પર્વ નિમિત્તે ક્ષત્રિય સેના દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. આ બાઈક રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયાં હતાં. આ રેલી પૂર્ણ થયાં બાદ પરત જઈ રહેલાં બાઈકો ઉપર અસમાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની વાતો વહેતી થઈ હતી. આ પથ્થરામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જેને પગલે વાતાવરણ તંગ બન્યું હતું. જેથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. બીજી બાજુ કપડવંજ ડિવીઝનના ડી.વાય.એસ.પીએ પથ્થરમારાની ઘટનાને ખોટી ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, રેલી પૂર્ણ થયાં બાદ લોકો પરત જઈ રહ્યાં હતાં. તે વખતે પુરપાટ ઝડપે પસાર થઈ રહેલી એક બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી. જેથી બાઈક પર સવાર ઈસમને ઈજા પહોંચી હતી. આ સમયે પોલીસકર્મીઓ તે સ્થળે જ હાજર હતાં. પથ્થરમારાની ઘટના બની જ નથી.

Most Popular

To Top