Madhya Gujarat

ડાકોરમાં પ્રવેશવાના માર્ગે અંધારપટ

નડિયાદ: ડાકોર નગરમાં ફાગણી પૂનમના ઉત્સવનો માહોલ જામતો જોવા મળી રહ્યો છે. એક તરફ પદયાત્રિઓ ડાકોર તરફ આગળ વધી રહ્યા છે તેમ છતાં ડાકોરમાં પ્રવેશ દ્વાર પરજ અંધારપટને લઇને પદયાત્રિઓમાં નારાજગી જોવા મળી રહી છે. ડાકોર નગરમાં ઉત્સવનો માહોલ જામી રહ્યો છે. શ્રી રણછોડરાયજીના ભક્તો બે વર્ષ બાદ ઉત્સાહભેર ફાગણી પૂનમની ઉજવણી કરવા માટે થનગની રહ્યા છે. ચોતરફ ઉત્સવના માહોલ વચ્ચે ડાકોર નગરમાં પ્રવેશવાના દ્વારે જ અંધારપટ જોવા મળી રહ્યું છે. વડોદરા, ઉમરેઠ, આણંદ, નડિયાદ તથા આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતાં પદયાત્રિઓ જે માર્ગે ડાકોરમાં પ્રવેશે છે તે પ્રવેશદ્વારે પદયાત્રિઓને આવકારવા માટે ઘોર અંધારૂ છે. રણછોડજીની નગરીમાં જ્યાં ભવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવવાની છે ત્યાં પ્રશાસન દ્વારા લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે. છેલ્લા એક મહિનાથી તૈયારીઓ ચાલી રહી હોવાછતાં પણ પ્રવેશદ્વાર જ અંધારિયું હોવાનું જાણીને ડાકોરના નગરજનો પણ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા ડાકોરના પ્રવેશદ્વારને પણ સુશોભિત કરી, પ્રકાશિત કરવામાં આવે તે ઇચ્છનીય છે.

ડાકોરમાં ફાગણી પૂનમ પર ૧૦૮ ટીમ એલર્ટ
નડિયાદ | ડાકોરમાં ફાગણી પૂનમમાં દૂરદૂરથી યાત્રાળુઓ દર્શન કરવા આવતા હોય છે. કોરોના મહામારીનો વેગ ઓછો થયા બાદ હવે આ વર્ષે હોળીના તહેવાર પર ફાગણી પૂનમની ઉજવણી કરવામાં આવનાર છે. ડાકોર દર્શનાર્થે આવતાં યાત્રાળુઓને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખીને ૨૪ કલાક અને ૩૬૫ દિવસ ખડેપગે સેવા આપતી ૧૦૮ ની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે. ફાગણી પૂનમની ઉજવણીને ધ્યાનમાં લઇને ડાકોરમાં ૪ જેટલી ૧૦૮ ની ફાળવણી કરવામાં આવી છે અને ૧૦૮ નાં તમામ કર્મચારીઓની રજા મોફુક રાખવામાં આવી છે. પ્રોગ્રામ મેનેજર સંદિપ ગઢવી, સુપરવાઈઝર વિરાટ પંચાલ અને યોગેન્દ્ર સિંહ ચાવડા સતત મોનીટરીંગની કામગીરી કરી રહ્યા છે અને ૧૦૮ ની સેવા મળી રહે તે માટે આયોજન કરી રહ્યા છે.

Most Popular

To Top