Gujarat Election - 2022

રાજ્યની સંવૈધાનિક સંસ્થાઓ ખુલ્લેઆમ ભાજપને મદદ કરી રહી હોવાનો કોંગ્રેસનો ગંભીર આક્ષેપ

અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીના (Election) પ્રથમ તબક્કાના મતદાનને (Voting) હવે માત્ર ગણતરીના દિવસ બાકી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની સંવૈધાનિક સંસ્થાઓ ખુલ્લેઆમ ભારતીય જનતા પાર્ટીને (BJP) અને તેમના ઉમેદવારોને મદદ કરતી હોવાની અનેક ફરિયાદો કરવામાં આવી છે, તેમ છતાં ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી કોઈ જ નિર્ણય લેવામાં આવ્યો નથી, તેવો ગંભીર રાખશે પ્રદેશ કોંગ્રેસ (Congress) દ્વારા લગાવવામાં આવ્યો છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ પત્રકાર પરિષદને જણાવ્યું હતું કે, જે પ્રમાણે પત્રકારત્વ લોકશાહીનો ચોથો સ્તંભ છે તે જ પ્રમાણે સંવૈધાનિક સંસ્થાઓ પણ ભારતના બંધારણમાં એક અગ્રીમ કક્ષાનો ભાગ ભજવે છે. પરંતુ જ્યારે સંવૈધાનિક સંસ્થાઓ ભારતીય જનતા પાર્ટીને અસંવૈધાનિક રીતે મદદ કરી રહી હોય તેવી ફરિયાદો સમગ્ર ગુજરાતમાંથી આવી રહી છે અને તેની સામે સવાલો ઉઠાવી રહ્યાં છે. એ.આઈ.એમ.આઈ.એમ. તે રાષ્ટ્રીય પક્ષ નથી માટે તેમના ઉમેદવારના સમર્થનમાં ૧૦ વ્યક્તિઓ પ્રપોઝર તરીકે મુકવા જરૂરી છે, છતાં પણ તેમના ઉમેદવારોની દરખાસ્ત માત્ર બે વ્યક્તિઓએ આપી હતી. જેથી તેમના ઉમેદવારી પત્ર રદ કરવા માટે કોંગ્રેસે રજૂઆત કરી છે છતાં પણ હજી તેમાં કોઈ નિર્ણય લેવાયો નથી. જ્યારે જ્યારે વડાપ્રધાન, ગૃહમંત્રી અને કેન્દ્રની મંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરવા આવે છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને હાઉસ એરેસ્ટ અથવા પોલીસ સ્ટેશને ૨૪-૨૪ કલાક બેસાડી રાખવામાં આવે છે. અને તેઓ કોંગ્રેસનો પ્રચાર ન કરી શકે તેવા કારસા રચવામાં આવે છે.

આલોક શર્માએ વધુમાં કહ્યું હતુ કે પોરબંદરમાં કિર્તીમંદિર પોલીસ સ્ટેશનના પી.આઈ. વી.વી. પરમાર કોંગ્રેસના કાર્યકર્તાઓને બિનઅધિકૃત રીતે ધમકાવી રહ્યાં છે અને તે પ્રચાર ન કરે અને વિસ્તાર છોડી દે તેવું દબાણ કરી રહ્યાં છે. પોરબંદર પોલીસ સ્ટેશનના સી.સી.ટી.વી. કેમેરા તપાસવામાં આવે તો સત્ય બહાર આવી શકે તેમ છે. પોરબંદરની છાયા નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી ખુલ્લેઆમ ભાજપનો પ્રચાર કરી રહ્યાં છે. રાપર વિધાનસભાના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાના પુત્ર કુલદીપસિંહ જાડેજાના સસરા એમ.એમ. જાડેજા (એલ.સી.બી.પી.આઈ.) અને તેમના ભાઈ ભરતસિંહ જે કોઢ ગામના છે. તેઓ બન્ને પુરજોશમાં સામાજીક નાતે ભાજપના ઉમેદવારનો પ્રચાર કરી રહ્યાં છે. તેમને કચ્છ ખાતેથી ખસેડી દેવા ચૂંટણી અધિકારીને અરજી કરવામાં આવી છે. એ જ પ્રમાણે કલોલ વિધાનસભા ક્ષેત્રમાં પોલીસ અને અન્ય સરકારી એજન્સીઓ દ્વારા ભાજપને લાભ પહોંચાડવા કોંગ્રેસ સમર્થીત નાગરિકોને અને કાર્યકર્તાઓને એવું કહેવામાં આવી રહ્યું છે, કે જો ભાજપની મદદ ના કરી તો તમારા ઉપર નવા કેસ કરવામાં આવશે અને જુના કેસમાં પણ અંદર કરી દેવામાં આવશે.

Most Popular

To Top