Gujarat

ભાજપ ગૌમાતાના નામે વોટ માંગે, બીજી તરફ ગૌમાતાના હજારોની સંખ્યામાં હાડપિંજર મળી રહ્યાં છે: આપ

અમદાવાદ: દેશમાં પાંચ રાજ્યોમાં થયેલી ચૂંટણીઓમાં ભાજપે (BJP) ત્રણ રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે. ભાજપની જીતથી તમામ વિપક્ષી પાર્ટીઓમાં (Opposition Parties) તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં આપના નેતાએ ભાજપ પર આક્ષેપ કર્યો છે કે ભાજપ ગૌમાતાના નામે વોટ માંગે છે જ્યારે બીજી તરફ ગૌમાતાના હજારોની સંખ્યામાં હાડપિંજર મળી રહ્યાં છે. અમદાવાદ (Ahmedabad) મનપા દ્વારા મૃત્યુ પામેલી ગાયો ગાડી ભરીને શહેરના ગ્યાસપુરની સીમમાં ફેંકી દેવામાં આવે છે, તેવો ગંભીર આક્ષેપ આમ આદમી પાર્ટીના માલધારી સેલના પ્રમુખ કિરણ દેસાઈ કર્યો હતો.

  • અમદાવાદ મનપાની ગાડીઓ ગૌ-માતાના મૃતદેહોને ખુલ્લેઆમ ફેંકી રહી હોવાનો ‘આપ’નો આક્ષેપ

કિરણ દેસાઈ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ આપના આગેવાનોએ ગ્યાસપુરની મુલાકાત લીધી હતી, ત્યારે અહીં મૃત ગાયોના હાડપિંજરો જોવા મળ્યા હતા. અમદાવાદ મનપા દ્વારા ગાડીઓમાં મૃત ગાયો લાવવામાં આવે છે, અને કોઈપણ જાતની કાળજી રાખ્યા વગર ખુલ્લામાં ગૌ-માતાના મૃતદેહોને ફેંકી દેવામાં આવે છે. ભાજપ ગાયોના નામે વોટ માંગે છે, પરંતુ તેમને સાચવવાની જગ્યાએ તેને તરછોડી રહી છે. માલધારી સમાજ પાસેથી ગાયોને છીનવી લેવામાં આવે છે અને ગાયોની કોઈપણ પ્રકારની કાળજી રાખવામાં આવતી નથી. ભાજપ ચૂંટણી સમયે ગૌ માતાના નામે વોટ લઈ જશે, પરંતુ હકીકતમાં ગૌમાતાની શું હાલત કરી છે એ આપણને અહીંયા જોવા મળે છે.

અહીંયા અમે જોયું કે હજારોની સંખ્યામાં ગાયોના હાડપિંજર પડ્યા છે. માલધારી સમાજના લોકોની જે ગાયોને છીનવી લેવામાં આવે છે, આ તે જ ગાયો છે. કારણ કે ઘણી મૃત ગાયોના કાનમાં પીળા બિલ્લા જોવા મળ્યા છે જેનાથી એ સાબિત થાય છે કે આ પશુપાલકો અને ખાસ કરીને માલધારી સમાજના લોકોની ગાયો હશે. માલધારી સમાજ અને ગાયો પર અત્યાચાર કરવામાં ભાજપે તમામ હદ વટાવી દીધી છે.

Most Popular

To Top