Dakshin Gujarat

દેવસર નજીક આઇસ ફેક્ટરીમાં ગેસ ગળતર થતાં અનેક લોકોને ગુંગળામણ

બીલીમોરા : બીલીમોરા (Belimora) નજીક દેવસર ની હરસિદ્ધ (Harsiddha) આઇસ ફેક્ટરીમાં (Ice Factory) મધ્ય રાત્રે એમોનિયા ગેસ લીક (Gas leak) થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ફેક્ટરીની નજીકમાં રહેતી બે મહિલાને ગેસથી ગુંગળામણ થતાં બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ ગંભીર બેદરકારી દાખવનાર આઇસ ફેક્ટરીના સંચાલકોને દેવસર ગ્રામ પંચાયત દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.ગણદેવી તાલુકાના બીલીમોરા નજીકના દેવસરના વ્યંકટેશ નગર ખાતે હરસિધ્ધ આઇસ ફેક્ટરી આવેલી છે. ગુરુવારની મધ્ય રાત્રિના દોઢ દોઢ વાગ્યે આ ફેક્ટરીની પાઇપ લાઇન માંથી એમોનિયા ગેસ લીક થવાનું શરૂ થયું હતું. આ ગેસ ધીરે ધીરે વાતાવરણમાં ભળવા લાગ્યો હતો. જેના કારણે ફેક્ટરીની આસપાસ રહેતાં અને મીઠી નિંદર માણી રહેલા લોકો ઉપર તેની અસર થવા લાગી હતી. લોકોની આંખમાં બળતરા શરૂ થઇ હતી અને શ્વાસ રૂંધાવા લાગ્યો હતો.

કન્ડેનસર વાલને બંધ કરીને વધુ ગેસને પ્રસરતા અટકાવી દીધો
બનાવને પગલે સ્થાનિકોનું ટોળું ફેક્ટરી ઉપર ધસી ગયું હતું. જોકે ત્યાં હાજર ફેક્ટરીના સ્ટાફે પાઇપલાઇન સાથે જોડાયેલા 10 જેટલા કન્ડેનસર વાલને બંધ કરીને વધુ ગેસને પ્રસરતા અટકાવી દીધો હતો, તે સાથે પાઇપ લાઇન ઉપર પાણી નો મારો ચલાવી સ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યા હતા. દરમિયાન ફેક્ટરીની બાજુમાં આવેલા કુબેર એપાર્ટમેન્ટમાં રહેતી 62 વર્ષની વૃદ્ધ લલિતાબેન ઠાકોરભાઈ પટેલ અને અન્ય બીજી એક 39 વર્ષની આશા વર્કર તરુણાબેન નવનીતભાઈ પટેલને એમોનિયા ગેસને કારણે ગંભીર અસર પહોંચતા બંને મહિલાઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.

ડીડીઓએ ફેક્ટરી સીલ કરવાની નોટિસ ઇસ્યું કરી દીધી
બનાવની બીલીમોરા ફાયર વિભાગને જાણ થતા તાત્કાલિક લાસ્કરો સાથે સ્થળ ઉપર ઘસી જઈને ભારે જેહમતે સ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. બીજી તરફ ડીડીઓએ ફેક્ટરી સીલ કરવાની નોટિસ ઇસ્યું કરી દીધી છે. જોકે આ બનાવના પગલે દેવસર ગ્રામ પંચાયત દ્વારા હરસિદ્ધ આઈસ ફેક્ટરીના સંચાલકોને નોટિસ ફટકારી જણાવ્યું છે કે આપની ફેક્ટરીની મશીનરીની સક્ષમ અધિકારી પાસેથી ઇન્સ્પેક્શન કરાવી જરૂરી સર્ટિફિકેટ મેળવ્યા બાદ જ ફરી શરૂ કરવી પડશે.

સુરક્ષાને ધ્યાને લઇ એપાર્ટમેન્ટ ખાલી કરાવી દેવામાં આવ્યાં
મળતી માહિતી અનુસાર બીલીમોરા નજીક દેવસરમાં આવેલી હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજને પગલે તેની લગોલગ આવેલા કુબેર એપાર્ટમેન્ટમાં રહેતા 40થી વધારે, જ્યારે વિશાલ એપાર્ટમેન્ટમાં પણ 40થી વધુ રહીશોની સુરક્ષાને ધ્યાને લઇ એપાર્ટમેન્ટ ખાલી કરાવી દેવામાં આવ્યાં હતાં. જેમને રહેવા-જમવાની સગવડ દેવસર ગ્રામ પંચાયત દ્વારા દેવસર શાળા નં.1માં કરવામાં આવી છે. ત્યારે આ બનાવ બાદ ગણદેવી મામલતદાર ચૌધરી, દેવસર ગ્રામ પંચાયતનાં સરપંચ ચેતનાબેન, બીલીમોરા ફાયરનો સ્ટાફ, પીઆઇ ગઢવી ઘટના સ્થળે સતત હાજર રહી સ્થિતિ ઉપર નજર રાખી રહ્યાં છે.

Most Popular

To Top