Madhya Gujarat

મોગર પાસે બાઇક સવાર યુવક બ્રિજ પરથી પટકાતાં મોત

નડિયાદ: આણંદ જિલ્લાના મોગર પાસે નેશનલ હાઇવે પર કારની ટક્કરે બાઇક પરથી ઉછળીને બ્રિજ પરથી નીચે પટકાયેલા યુવકનું ઇજાઓને કારણે ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.આણંદ જિલ્લાના રાસનોલમાં રહેતા જયેશ રમેશભાઇ પરમાર પરિવાર આંકલાવના હળદરી ગામે લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં પ્રસંગમાં હાજરી આપ્યા બાદ પરિવાર આઇસરમાં રાસનોલ પરત જઇ રહ્યો હતો.  જોકે, જયેશભાઇના કાકાના દીકરા જયંતિભાઇ મનુભાઇ પરમાર બાઇક લઇને આવ્યા હોવાથી ઘરે પરત જતી વખતે જયેશભાઇના નાનાભાઇ હિતેશ (ઉ.વ.૨૫) જયંતિભાઇ સાથે બાઇક પર નીકળ્યા હતા. મોગર ગામ નજીક નેશનલ હાઇવેના બ્રિજ ઉપર ટ્રાફિક જામ હોવાથી અકસ્માત થયો હોવાની જાણીને જયેશભાઇ અને અન્ય લોકો આઇસરમાંથી ઉતરીને તપાસ કરવા ગયા હતા. આ સમયે રોડની સાઇડમાં તેમનો કાકાનો દીકરો જયંતિ ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડ્યો હતો. જ્યારે જયેશભાઇનો નાનો ભાઇ હિતેશ વાહનની ટક્કરે બાઇક ઉપરથી ઉછળીને બ્રિજ ઉપરથી નીચે સર્વિસ રોડ પર પટકાતાં તેનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે જયંતિભાઇને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વાસદ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top