National

બિહાર સરકાર મામલે ADRનો મોટો ખુલાસો: 72 ટકા મંત્રીઓ વિરૂદ્ધ નોંધાયા છે ક્રિમિનલ કેસ

બિહારમાં (Bihar) નવી કેબિનેટના (Cabinet) દાગદાર નેતાઓની માહિતી સામે આવી છે. મહાગઠબંધન સરકારમાં 72 ટકા મંત્રીઓએ તેમની સામે ફોજદારી કેસ જાહેર કર્યા છે. બિન-સરકારી સંસ્થા ‘એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ’ (ADR) એ આ માહિતી આપી. મુખ્યમંત્રી નીતિશ કુમાર (Nitish Kumar) અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ સામે પણ કેસ નોંધાયેલા છે. ભાજપ છોડીને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે સરકાર બનાવનાર મુખ્યમંત્રી નીતિશ કુમારે મંગળવારે 31 મંત્રીઓને સામેલ કરીને કેબિનેટનું વિસ્તરણ કર્યું હતું. ત્યારે એડીઆરના રિપોર્ટે સૌને ચોંકાવી દીધા છે. રિપોર્ટ પ્રમાણે ગઠબંધનના 72 ટકા મંત્રીઓ દાગી છે. ખુદ તેજસ્વી યાદવ પર 11 અપરાધિક કેસ નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે 25 ટકા નેતાઓ 12 ધોરણથી ઓછું ભણ્યા છે.

  • નીતિશ કેબિનેટના 72 ટકા મંત્રીઓ દાગી
  • તેજસ્વી યાદવ પર 11 અપરાધિક કેસ
  • 25 ટકા નેતાઓનો 12 ધોરણથી ઓછો અભ્યાસ

બિહાર મંત્રી પરિષદના વિસ્તરણ પછી ADR અને ‘બિહાર ઇલેક્શન વોચ’ એ 2020ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી સહિત 33 માંથી 32 મંત્રીઓ દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે. રિપોર્ટ અનુસાર, 23 મંત્રીઓ (72 ટકા)એ પોતાની વિરુદ્ધ ફોજદારી કેસ જાહેર કર્યા છે જ્યારે 17 મંત્રીઓ (53 ટકા)એ પોતાની વિરુદ્ધ ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. લેશી સિંહ, લલિત યાદવ, કાર્તિકેય સિંહ, મદન સહની, સુમિત કુમાર વિરૂદ્ધ ક્રિમિનલ કેસ નોંધાયા છે. એટલું જ નહીં ખુદ તેજસ્વી યાદર પર 11 કેસ નોંધાયા છે.

ADRના અહેવાલ મુજબ JDU નેતા અને કેબિનેટ મંત્રી અશોક ચૌધરીએ તેમનું સોગંદનામું સબમિટ કરવાની જરૂર નથી કારણ કે તેઓ વિધાન પરિષદના નામાંકિત સભ્ય છે. તેથી તેમની ગુનાહિત, નાણાકીય અને અન્ય વિગતો જાહેરમાં ઉપલબ્ધ નથી. જોકે એડીઆરના જણાવ્યા મુજબ મહાગઠબંધનનાં 32 મંત્રીઓમાંથી 27 (84 ટકા) કરોડપતિ છે. સૌથી વધુ સંપત્તિ ધરાવતા મંત્રી સમીર કુમાર મહાસેઠ છે જેઓ મધુબની સીટનું પ્રતિનિધિત્વ કરે છે. સમીરની સંપત્તિ 24.45 કરોડ રૂપિયા છે. બીજી તરફ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા મંત્રી મુરારી પ્રસાદ ગૌતમ છે જેમની સંપત્તિ 17.66 લાખ રૂપિયા છે. ADR મુજબ 8 મંત્રીઓએ (25 ટકા) તેમની શૈક્ષણિક લાયકાત 8 થી 12 ધોરણની વચ્ચે જાહેર કરી છે જ્યારે 24 મંત્રીઓએ (75 ટકા) તેમની શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએશન અથવા તેથી વધુ જાહેર કરી છે.

કાયદા મંત્રી કાર્તિકેય સિંહ વિરુદ્ધ વોરંટ
બીજી તરફ કાર્તિકેય સિંહ વિરૂદ્ધ પણ હંગામો થઈ રહ્યો છે. સીએમ નીતિશ કુમારે રાજ્યના કાયદા વિભાગની જવાબદારી કાર્તિકેય સિંહને સોંપી છે. હવે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે નીતિશ કુમારને વોન્ટેડ કાયદા મંત્રી બનાવ્યા છે. હકીકતમાં બિહારના નવા કાયદા મંત્રીને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. કાયદા મંત્રી કાર્તિકેય સિંહ ગઈ કાલે અપહરણ કેસમાં દાનાપુર કોર્ટમાં સરેન્ડર કરવાના હતા પરંતુ કાર્તિકેય સિંહ સરેન્ડર થવાને બદલે શપથ લેવા રાજભવન પહોંચ્યા હતા. સાથે જ કાર્તિકેય સિંહે કહ્યું કે તેમની સામે કોઈ વોરંટ નથી.

Most Popular

To Top