Dakshin Gujarat

ભરૂચના તવરા ગામમાં ખેડૂતોના ઘર આગળ મુકેલા 40થી વધુ ટ્રેક્ટરમાંથી આ વસ્તુ ચોરાઈ ગઈ!

ભરૂચ: (Bharuch) ભરૂચ તાલુકાના તવરા ગામે ખેતરોમાં (Farm) લગાવેલ પાણી માટેની મોટરોની અને વીજ વાયરોની થયેલ ચોરીના બનાવો બાદ હવે ગામના ખેડૂતોના ઘર આંગણે પાર્ક કરેલા ટ્રેક્ટરની બેટરીઓની (Tractor Battery) ચોરી થયાની ઘટના સામે આવી છે. અહીં છેલ્લા 15 દિવસમાં ચાળીસથી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ તવરાના ખેતરોમાંથી મોટા પ્રમાણમાં વીજ વાયરોની ચોરીઓ અને મોટરોની ચોરીઓના બનાવો તો યથાવત રહ્યા જ છે પરંતુ હવે ઘર આંગણે ખેડૂતોના ટ્રેકટરોમાંથી બેટરીઓની ચોરી થતા ખેડૂતો પરેશાન થઈ ગયા છે.

  • ખેડૂતોના ઘર આંગણે પાર્ક કરેલા ટ્રેક્ટરની બેટરીઓની ચોરીના કારણે ખેડૂતો પરેશાન
  • ભરૂચ તાલુકાના તવરા ગામે 40 થી વધુ ટ્રેક્ટરોની બેટરીઓની ચોરી થતાં ખેડૂતોમાં આક્રોશ
  • પોલીસ તંત્ર દ્વારા પેટ્રોલિંગ વધારી ચોરી કરનાર તત્વોને અટકાવવાના પ્રયાસો કરે તેવી પ્રબળ માંગ

ભરૂચ તાલુકાના તવરા ગામે ખેડૂતોના ખેતરોમાં ભૂંડ અને રોજનો ઉપદ્રવ વધી રહ્યો છે. ગામની સીમમાં થતા પાક શેરડી, તુવેર, કપાસ, શાકભાજી પાક જેવા અન્ય પાકોમાં પણ આ રોજ અને ભૂંડ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરતા હોય છે. જેને લઇ ખેડૂતો પર આભ તૂટી પડ્યું છે. આવી પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા આ ભૂંડ અને રોજથી થતું નુકસાન અટકાવવા માટે પોતાના ખેતરમાં બાઉન્ડ્રી પર અલગ અલગ પ્રકારના અવાજો કરતા મશીનો લગાડવામાં આવી રહ્યા છે. જેથી ખેતરમાં આવતા રોજ કે ભૂંડ આવતા આ અવાજથી દૂર ભાગતા હોય છે. આવા નાના-મોટા પ્રયાસોથી ખેડૂતો પોતાનો પાક બચાવવા કરતા હોય છે. બીજી તરફ ખેતરોમાં ચાલતા પાણીના કુવાની મોટર કે ખેતરોમાં લગાવેલા લાઈટોના વીજ વાયરો કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાયરોની અને મોટરોની ચોરી કરી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોને નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે.

હવે ટ્રેક્ટરની બેટરીઓની ચોરી થતા ખેડૂતોની સમસ્યા વધી છે. ગામમાં 15 દિવસમાં ચાળીસથી વધુ બેટરીઓની ચોરી થતા ખેડૂતોમાં ચિંતા છે. આ બાબતની રજૂઆતો ભરૂચ સી-ડિવિઝન પોલીસ સ્ટેશને ખેડૂતો દ્વારા અવાર-નવાર કરવામાં આવી હતી. પરંતુ અત્યાર સુધી પોલીસ દ્વારા આ બાબતે કોઈ જ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા ન હોવાનું ખેડૂતો કહી રહ્યાં છે. જેને લઈને ખેડૂતોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. તવરા ગામના ખેડૂતો આ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા યોગ્ય પેટ્રોલિંગ વધારી આવા અસામાજિક તત્વોને અટકાવવાના પ્રયાસો કરે તેવી પ્રબળ માંગ કરી રહ્યા છે.

Most Popular

To Top