Dakshin Gujarat

ભરૂચ કલેક્ટર તુષાર સુમેરા ધો.10માં ગણિતમાં 36 અને અંગ્રેજીમાં માત્ર 35 ગુણ મેળવ્યા, છતાં IAS અધિકારી બન્યા

ભરૂચ: ભરૂચ (Bharuch) કલેક્ટર તુષાર ડી. સુમેરાની (Tushar D. Sumera) એક કર્તવ્યનિષ્ઠ અધિકારી તરીકે સમગ્ર જિલ્લામાં ગણના થાય છે. એક IAS અધિકારી તરીકે કામ કરતા તુષાર સુમેરા પ્રજાભિમુખ છે. ભલે તેઓ IAS અધિકારી બન્યા હોય તો પણ વિદ્યાર્થી કાળનાં સંસ્મરણો આજે પણ તાજાં થાય છે. હાલ એસએસસીનું (SSC) પરિણામ (Result) આવતાં વિદ્યાર્થીઓને યોગ્ય મેસેજ પહોંચે એ માટે સોશિયલ મીડિયા (Social Media) પર વાત પહોંચતી કરી હતી. તેમણે ધોરણ-10ની માર્કશીટ શેર કરી તેમના બોર્ડનાં પરિણામોની રાહ જોઈ રહેલાં બાળકોને પ્રોત્સાહિત કરવા Twitterનો ઉપયોગ કર્યો હતો.

  • ધો.૧૦માંનું પરિણામ તુષાર સુમેરા માટે નબળું આવતાં ગામલોકો કહેતાં કે, શિક્ષણમાં આગળ હવે નહીં વધે. પણ ગામલોકોની વાત ખોટી સાબિત કરી
  • વિદ્યાર્થીઓનો સંઘર્ષ જ સફળતા મેળવે એવો ઉદાહરણરૂપ કિસ્સો

ગુજરાતના ભરૂચ કલેક્ટરે તેમની ધોરણ-૧૦ની પરીક્ષામાં માત્ર પાસ થયેલા ગ્રેડ મેળવ્યા છે. તેમણે અંગ્રેજી વિષયમાં માત્ર ૩૫ અને ગણિતમાં ૩૬ માર્ક્સ મેળવ્યા હતા. બીએડ બાદ વિદ્યા સહાયકની નોકરી મળ્યા બાદ હિંમત કરી UPSC પાસ કરી આજે સમગ્ર જિલ્લાના સમાહર્તા તરીકે સ્થાન મેળવ્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે “મન હોય તો માળવે જવાય” એ વાત ભરૂચ જિલ્લાના હોનહાર કલેક્ટર તુષાર સુમેરાને લાગુ પડે છે. આમ તો આઈએએસ બનવાનું સપનું અનેક જોતા હોય છે. પણ પરીક્ષા આપનારામાં યુવાનોમાંથી માંડ ગણ્યાગાંઠ્યા પાસ થતા હોય છે, જેમાં લગભગ ૧૧ વર્ષ પહેલાં ગુજરાતમાંથી જે યુવાનોનોએ પરીક્ષા પાસ કરીને ડંકો વગાડ્યો તેમાં તુષાર સુમેરા (આજના ભરૂચ કલેક્ટર) પણ એક છે.

તેમના જીવનમાં લીલી-સૂકી જોયા બાદ પણ આજે પણ તેઓ ભૂતકાળને યાદ કરે છે. હાલ એસએસસીનું પરિણામ આવતાં કોઈપણ નર્વસ વિદ્યાર્થી હાર ન માને એ માટે કલેક્ટર તુષાર સુમેરા પોતાની વાત કરી આશ્વાસન આપતા હોય એમ સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાએ ટ્વિટ કરીને કહ્યું કે, તેમણે ધો-૧૦માં ૧૦૦માંથી અંગ્રેજીમાં ૩૫, ગણિતમાં ૩૬ અને વિજ્ઞાનમાં ૩૮ માર્ક્સ મેળવ્યા હતા. તેને તેની સ્કૂલ અને ગામ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે શિક્ષણમાં પણ આગળ જઈ શકશે નહીં. આ વાત છતાં તેઓ નર્વસ ન થયા. શિક્ષણમાં આગળ વધવાનો નિર્ણય વ્યક્તિગત હતો.

સુરેન્દ્રનગરની એમ.પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. રાજકોટમાં એમએનો અભ્યાસ બાદ જૂનાગઢની કોલેજમાંથી બીએડ પૂરું કરી વિદ્યાસહાયક તરીકે નોકરી કરી. મૂળ તો તેમનો પરિવારમાં પિતાજી દલપતભાઈ સુમેરા ગુજરાત જમીન વિકાસ નિગમમાં અને માતા વઢવાણમાં પ્રાથમિક શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા. તેમના મતે તેમના પરિવારજનો UPSC પરીક્ષાના સપોર્ટમાં હતા. અંતે તુષાર સુમેરા ૨૦૧૨માં ભારતીય વહીવટી સેવા (IAS)માં જોડાયા હતા. ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાના મતે શિક્ષકની નોકરી બાદ પણ આગળ શિક્ષણ લેવાનું મન બનાવ્યું. શિક્ષકથી માત્ર ગામમાં એક-બે પેઢી સુધારી શકે પણ આખા સમાજમાં ભલું કરવા કંઈક વિશેષ કરવું જરૂરી છે. ૨૦૦૭માં સ્પીપામાં સિલેક્શન થતાં મેં તૈયારીઓ શરૂ કરી. સમાજશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી મીડીયમમાં પરીક્ષા આપી. પાંચ પાંચ ટ્રાયલ બાદ અંતે સફળતા મળી હતી.

Most Popular

To Top