Dakshin Gujarat

ભરૂચના કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પીવાના પાણીમાં જીવાત દેખાતા લોકોમાં રોષ

ભરૂચ : છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેરના વોર્ડ નંબર-૯માં આવેલા કુંભારીયા ઢોળાવ વિસ્તારમાં પાલિકાના વોટર વર્કસ કમિટી દ્વારા પાણી પુરવઠો આપવામાં આવે છે ત્યારે કેટલાક સમયથી આ વિસ્તારમાં દૂષિત પાણી સાથે સાપના કણા અને જીવાતો આવતી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે.

  • બાજુમાંથી નર્મદા નદી વહેતી હોવા છતાં લોકો દૂષિત પાણી પીવા મજબુર: રોગચાળાની દહેશત
  • પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેને વહેલી તકે સમસ્યાનું નિરાકરણ કરવા ખાતરી આપી

પીવાનું દૂષિત પાણી આવતું હોવાથી રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત લોકો સેવી રહ્યા છે. દૂષિત પાણીને કારણે સ્થાનિક લોકો વેચાતું પાણી લાવી પીવા મજબુર બન્યા છે. ત્યારે સ્થાનિકો બુધવારે પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમણે સ્થાનિકોની વેદના સંભાળી વોટર વર્કસના એન્જિનિયરને સુચના આપી તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી.

ભોજનમાં જીવાત નિકળતાં નિઝર મુબારકપુર પ્રા. શાળાની મધ્યાહન ભોજનની સંચાલિકા ફરજમુક્ત
વ્યારા: નિઝર તાલુકાના મુબારકપુર ગામે પ્રાથમિક શાળામાં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં જીવાત નીકળતા ચોખા, ચણા સહિતની સામગ્રી હલકી ગુણવત્તાની હોવાની ફરિયાદ ઉઠી હતી. મામલતદારે આ નમૂનાઓના ચકાસણીનો ઓર્ડર કર્યો હતો. લાંબા સમયથી આવું જીવાતવાળું ભોજન બાળકોને પીરસાતું હોવાના વાલીઓએ આક્ષેપો કર્યા હતા. આ મામલે શાળાની મધ્યાહન ભોજનની સંચાલિકાને ફરજમુક્ત કરાઈ છે. સંચાલિકાને વારંવાર આ અંગેની શાળાનાં આચાર્ય દ્વારા સુચનાઓ પણ અપાઈ હતી. સક્ષમ અધિકારી પાસેથી રજીસ્ટર પણ પ્રમાણિત કરાવ્યું ન હતું. આમ ફરજ પ્રત્યેની બેદરકારી અને નિષ્કાળજી દાખવેલ હોવાનું જણાઈ આવતા મ.ભો.યો. કેન્દ્ર મુબારકપુરનાં સંચાલિકાને તાત્કાલિક અશરે છુટા કરવાનો આદેશ કરાયો છે.

બાળકોને પીરસાતા મધ્યાહન ભોજનમાં ચણામાં ઇયળ નીકળી હોવાની ફરિયાદ ઊઠી હતી, તેઓની શંકા દૂર કરવા આ જથ્થો મામલતદારે તાત્કાલિક બદલાવી દીધો છે. આ મામલે સંચાલિકાને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી. તા.૨૬મી સુધી લેખિત ખુલાસો કરવા જણાવ્યું હતું. જો ખુલાશો યોગ્ય હશે તો વાંધો નથી, નહીં તો તેઓની સામે પગલાં લેવા નિઝર મામલતદારે જણાવ્યું હતું. મધ્યાહન ભોજનમાં સડેલું અને જીવાત નીકળતાં આ નમૂનાઓ જરૂરી ચકાસણી અર્થે મધ્યાહન ભોજન કેન્દ્ર પરનો જથ્થો મામલતદારને મોકલવામાં આવ્યો હતો. કુકરમુંડા અને નિઝર તાલુકા પછાત હોવાથી શોષણની અનેક ફરિયાદો આ બંને તાલુકાઓમાંથી ઊઠી રહી છે, જેમાં રાશનકાર્ડના અનાજ, મધ્યાહન ભોજનમાં સડેલું અનાજ પીરસાતા હોવાના આક્ષેપો કર્યા હતા.

Most Popular

To Top