Dakshin Gujarat

ભરૂચ જિલ્લામાં પંદર વર્ષ જૂનાં 7676 કોમર્શિયલ વાહનોનો આ તારીખથી ફિટનેસ ટેસ્ટ કરાશે

ભરૂચ: (Bharuch) સરકારે વાહનો (Vehical) માટે જાહેર કરેલી સ્ક્રેપ પોલિસી મુજબ ભરૂચ જિલ્લામાંથી ARTOએ 15 વર્ષ જૂનાં 42,454 વાહનનો ડેટા તૈયાર કરી દીધો છે. આગામી એક એપ્રિલથી આ પૈકી 7676 કોમર્શિયલ વાહનોએ (Commercial Vehicles) ફરજિયાત ફિટનેસ ટેસ્ટમાંથી (Fitness Test) પસાર થવું પડશે. જ્યારે 15 વર્ષ જૂનાં તમામ સરકારી વાહનોને ભંગાર ભેગા કરી દેવાશે.

  • ભરૂચ જિલ્લામાં પંદર વર્ષ જૂનાં 7676 કોમર્શિયલ વાહનોનો 1 એપ્રિલથી ફિટનેસ ટેસ્ટ કરાશે
  • ટેસ્ટમાં જો ફેઈલ ગયા તો 30 દિવસ બાદ ફરી ટેસ્ટ
  • રિ-ટેસ્ટમાં પાસ થશે તો વધુ 5 વર્ષ રોડ પર વાહન હંકારી શકાશે

ભરૂચ જિલ્લામાં માર્ગો ઉપર દોડતાં 42 હજારથી વધુ વાહનો એકઝાટકે ગાયબ થઈ શકે છે. 15 વર્ષ જૂનાં વાહનો અંગે કેન્દ્રએ જારી કરેલી સ્ક્રેપ પોલિસી હેઠળ હવે વાહન રોડ ઉપર દોડવા માટે ફિટ છે કે નહીં તેનો ટેસ્ટ આગામી એક એપ્રિલથી આપવો પડશે. 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનોનો RTO ફિટનેસ ટેસ્ટ લેશે, જેમાં જો વાહન અનફિટ એટલે કે ફિટનેસ ટેસ્ટમાં ફેઈલ ગયું તો વાહનમાલિકને 30 દિવસનો સમય મળશે. જે બાદ ફરી ફિટનેસ ટેસ્ટ લેવાશે. જો તેમાં પણ વાહન ફેઈલ ગયું તો સ્ક્રેપમાં મોકલી આપવામાં આવશે. જો વાહન ફિટનેસ ટેસ્ટમાં પાસ થઈ ગયું તો તેને વધુ 5 વર્ષ રસ્તા પર ચલાવવા માટે એક્સટેન્શન અપાશે. જ્યારે સરકારી 15 વર્ષનાં વાહનોને તો ફરજિયાત સ્ક્રેપ કરી દેવામાં આવશે. સ્ક્રેપ પોલિસી હેઠળ વાહનમાલિકોને અન્ય સહાય, લાભો પણ આપવામાં આવનાર છે.

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં કુલ 6 લાખથી વધુ વાહન છે, જેમાં 42,000 હજાર કરતાં વધુ વાહનોને આવરી લેવામાં આવ્યાં છે. કોમર્શિયલ વાહનો 15 વર્ષ કરતાં વધુ જૂના અને ખાનગી વાહનો 20 વર્ષ કરતાં વધુ જૂનાં હોય તેવાં વાહનોને આવરી લેવામાં આવશે.

ભરૂચ જિલ્લામાં આ પોલિસી અંતર્ગત 42,452 વાહનો આવરી લેવાયાં છે, જેમાં 2111 ટ્રેક્ટર, 4431 ટ્રક, 24000 દ્વિચક્રી વાહનો, 10778 કાર, 134 બસ તથા 1000 રિક્ષાનો સમાવેશ થાય છે. આ તમામ વાહનોને સ્ક્રેપ પોલિસી હેઠળ જપ્ત કરી તેનો કાયમી નિકાલ કરવામાં આવશે. હાલ તો એક એપ્રિલથી આ પૈકી 7676 બસ, ટ્રેક્ટર, રિક્ષા સહિતનાં કોમર્શિયલ વાહનોના ફિટનેસ ટેસ્ટની કવાયત શરૂ કરાશે.

Most Popular

To Top