Dakshin Gujarat

ચૌટા બજારમાં વીજપોલમાં ધડાકા સાથે આગ લાગતાં દોડધામ

ભરૂચ: (Bharuch) અંકલેશ્વર શહેરમાં ચૌટાબજારમાં (Chauta Bazar) દરૂ ફળિયાના નાકે ગત રાત્રે અચાનક જાહેર રસ્તા ઉપર આવેલા એક વીજ પોલમાં ધડાકા સાથે ભીષણ આગ (Fire) ફાટી નીકળતાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. જોતજોતામાં વીજપોલમાં આગ વધુ વિકરાળ બનતાં સમગ્ર વિસ્તારનો વીજ પુરવઠો વીજ કંપની દ્વારા બંધ કરવાની ફરજ પડી હતી.

  • અંકલેશ્વરના ચૌટા બજારમાં વીજપોલમાં ધડાકા સાથે આગ લાગતાં દોડધામ
  • વીજ પોલમાં લાગેલી આગના પગલે એક સમયે ઉપસ્થિત લોકોના જીવ પણ ટાળવે ચોંટ્યા

રસ્તા વચ્ચે જ ભડકે બળતાં વીજપોલ અંગેની જાણકારી અંકલેશ્વર ડી.પી.એમ.સી.ના ફાયરમાં કરાતાં ફાયરના જવાનો લાયબંબા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. તેમજ જીઈબી વિભાગના કર્મીઓએ પણ સ્થળ પર પહોંચી સૂઝબૂઝ સાથે સળગતા વીજ પોલ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. રાત્રિના સમયે ચૌટાબજાર જેવા ભરચક રહેણાક વિસ્તાર વચ્ચે જ ધડાકા સાથે વીજ પોલમાં લાગેલી આગના પગલે એક સમયે ઉપસ્થિત લોકોના જીવ પણ ટાળવે ચોંટ્યા હતા. તેમજ ગણતરીનાં સમયમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાતાં લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો હતો. વીજપોલમાં અચાનક લાગેલી આગ શોર્ટસર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

અંકલેશ્વર GIDCમાં ઓરેન્જ/સ્પાર્કલ સ્પાની આડમાં ચાલતું સેક્સ રેકેટ ઝડપાયું
ભરૂચ, અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં ગોલ્ડન સ્ક્વેરના બીજા માળેથી ઓરેન્જ/સ્પાર્કલ સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ કરી એક ઈસમને ઝડપી લેવાયો હતો. અંકલેશ્વરના GIDC વિસ્તારમાં ગોલ્ડન સ્ક્વેરના બીજા માળે ઓરેન્જ/સ્પાર્કલ સ્પાની આડમાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી જી.આઈ.ડી.સી. પોલીસમથકના પી.આઈ. ઓ.કે.જાડેજાને મળતાં તેમણે ચાર જેટલા પોલીસ જવાનોને રેડ માટે તૈયાર કર્યા હતા. જેમાં બાતમીવાળા સ્પા સેન્ટરમાં ડમી ગ્રાહકને રૂ.૨ હજાર આપી મોકલ્યો હતો અને તેને સ્પામાં રહેલ યુવતીઓ પૈકી કોઈ શરીર સંબંધ બાંધવાની તૈયારી બતાવે તો મિસકોલ કરવા સૂચના આપી હતી. જે બાદ ડમી ગ્રાહકનો મિસકોલ આવતાં પોલીસે દરોડા પાડતાં કાઉન્ટર પરથી RCL કોલોની, મમ્મી-ડેડી શો રૂમ સામે, માનવ મંદિર રોડ ઉપર રહેતો સંચાલક મહેશ વિષ્ણુ ભીલારે (ઉં.વ.૪૨) મળી આવ્યો હતો. જ્યારે સ્પાના રૂમમાં તપાસ કરતાં તેમાંથી કઢંગી હાલતમાં ડમી ગ્રાહક સાથે યુવતી મળી આવી હતી. પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કરી સ્પાના સંચાલકની અટકાયત કરી ૨ મોબાઈલ કિં.રૂ.૧૫,૦૦૦, કાઉન્ટર પર રોકડા રૂ.૮૨૨૦ મળી કુલ રૂ.૨૩,૨૩૦નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top