Dakshin Gujarat

અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીનો હિજાબ કાઢાવી દેવાતા વિવાદ, પરીક્ષા કેન્દ્રના શાળા સંચાલકની બદલી

ભરૂચ: (Bharuch) અંકલેશ્વરમાં (Ankleshwar) બોર્ડની પરીક્ષા (Exam)માં વિદ્યાર્થીનીનો હિજાબ કઢાવી દેવામાં આવતા વિવાદ સર્જાયો હતો. અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી લાયન્સ ગુજરાતી સ્કૂલમાં આ ઘટના બની હતી. ઘટના બાદ વાલીઓનું ટોળું વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તનના આક્ષેપ લઈ શાળાએ પહોંચ્યું હતું. વિદ્યાર્થીની ચહેરા ઉપર બાંધેલ હિજાબ પરીક્ષા ખંડમાં કઢાવવામાં આવતા વિવાદ ઉભો થવા પામ્યો હતો.

  • પિતા અને એડવોકેટ નાવેદ મલેક સહીત લઘુમતી કોમના પ્રતિનિધિમંડળે શાળાએ પહોંચી વિરોધ કર્યો
  • વાલીએ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજી સુધી પહોંચ્યા
  • જિલ્લા શિક્ષણાધિકારીએ પરીક્ષા કેન્દ્રના શાળા સંચાલકની બદલી હુકમ કર્યો

અંકલેશ્વરજીઆઈડીસી માં આવેલી લાયન્સ ગુજરાતી માધ્યમ શાળામાં એસ.એસ.સી. બોર્ડ પરીક્ષા દરમિયાન ગુરુવારે ગણિત વિષયનુ પ્રશ્નપત્ર હતું. તે દરમ્યાન પરીક્ષા શરૂ થાય તે અગાઉ પાંચ મિનિટ પહેલા કેન્દ્રના નિરીક્ષકનુ ધ્યાન સીસીટીવી કેમેરામાં ગયુ હતુ જેમાં લઘુમતી કોમની એક પરીક્ષાર્થીએ પરીક્ષાખંડમાં હિજાબ પહેર્યો હતો. શાળાના આચાર્યાને આ અંગે જણાવતા શાળાના આચાર્યા તે પરીક્ષાખંડમાં જઈ તે પરીક્ષાર્થીને જણાવ્યુ હતુ કે પરીક્ષા ખંડમાં મુકેલ સીસીટીવી કેમેરામાં તેણીનો ચહેરો દેખાતો ન હોય ચહેરા ઉપરનો હિજાબ કાઢીને આપી દે. ત્યારબાદ આ મામલે વિવાદ સર્જાયો હતો.

વિદ્યાર્થીનીના પિતા અને એડવોકેટ નાવેદ મલેક સહીત લઘુમતી કોમનુ એક પ્રતિનિધિમંડળ શાળામાં પહોંચ્યુ હતુ અને શાળાના સંચાલકને રૂબરૂ મળી એક લેખિત આવેદન પત્ર પાઠવી આ ઘટના પરત્વે નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ આવેદન પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે શાળાના આચાર્યાએ લઘુમતી કોમની વિદ્યાર્થીનીઓ સાથે દ્વેષભાવ રાખી આ હરકત કરી પરીક્ષાર્થીઓનુ મનોબળ તોડ્યુ હતુ. તેઓએ આચાર્યાને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

જોકે આ મામલે પરીક્ષાર્થીના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે એક લેખિત અરજી આપી હતી. બીજી તરફ આ મામલો જિલ્લા શિક્ષણાધિકારી સુધી પહોંચતા તેઓએ આ પરીક્ષા કેન્દ્રના શાળા સંચાલકને બદલવાનો નિર્ણય લીધો હતો. જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિ રાઉલજી સુધી મામલો પહોંચતા તપાસના આદેશ કરાયા હતા જેમાં બોર્ડે હિજાબ હટાવવા કોઈ સૂચના આપી ન હોવાનું સામે આવતા શાળાની કાર્યવાહીને અયોગ્ય ગણી સ્થળ સંચાલકને પરીક્ષાની કામગીરીમાંથી હટાવાયા હતા.

Most Popular

To Top