Comments

કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષની મુરાદ

બેંગ્લુરુની ચર્ચસ્ટ્રીટમાં એક પુસ્તકની દુકાનમાંથી ગયા સપ્તાહે મેં ભારત પરના એક ફ્રેંચ વિદ્વાનનું પુસ્તક ખરીદ્યું. આમ તો આ વિદ્યાવ્યાસંગીઓનું પુસ્તક છે અને બે દાયકા પહેલાં તેનું પ્રકાશન થયું હતું પણ તે સીધે સીધી આજની જ વાત કરે છે. જેકી આસાવાળાનું આ પુસ્તક દક્ષિણ ભારતમાં હિંદુઓ અને મુસ્લિમોરૂપી બે નદીઓના સંગમ પર ઉત્તર કર્ણાટકમાં હિંદુઓ અને મુસ્લિમો વચ્ચેના સંબંધોની ઝીણો ગાળેલો વંશીય આલેખ રજૂ કરે છે. જેકી એ લોકોથી અલગ મત ધરાવે છે, જેઓ સંસ્થાનવાદ પૂર્વેના ભારતમાં સંપૂર્ણ હિંદુ-મુસ્લિમ સંયોજન એટલે કે બંને કોમ શાંતિમાં રહે તેવી સંયોજીત સંસ્કૃતિની વાતો કરે છે.

આમ છતાં તેઓ દલીલ કરે છે કે હિંદુઓ અને મુસલમાનો ઝાઝા ઘર્ષણ વગર સાથે રહ્યાં હોવાનો નોંધાયેલો ઇતિહાસ વિવાદાસ્પદ છે. રોજિંદા જીવનમાં સહઅસ્તિત્વ ઘણી વાર સંઘર્ષ કરતાં વધુ દૃશ્યમાન હતું. તેમનું આર્થિક જીવન પરસ્પર નિર્ભર હતું. હિંદુઓ મુસલમાન ગ્રાહકોને માલ આપતા અને મુસલમાનો હિંદુ ગ્રાહકોને માલ આપતા. તેઓ અલગ વસાહતોમાં રહેતાં અને આંતરધર્મી લગ્નો ભાગ્યે જ થતાં અને ધર્મના વાડા ઓળંગીને પણ નિકટની મૈત્રી ભાગ્યે જ દેખાતી. છતાં બંને કોમ સદીઓથી શેરીઓમાં, બજારોમાં અને ઘણી વાર ધર્મસ્થાનોમાં ભેગી દેખાતી.

એક વિભાગમાં પુસ્તક ઉત્તર કર્ણાટકમાં એ ધર્મસ્થાનોની વાત કરે છે જેની મુલાકાતે મુસલમાનો અને હિંદુઓ બંને આવતાં. તેમાં સડકના કિનારે આવેલી એક એવા મુસ્લિમ સંતની દરગાહની વાત આવે છે જેની મુલાકાતે તમામ ગ્રામજનો આવતાં અને હિંદુઓ પણ પોતાના નવા સાહસની શરૂઆત કરતાં પહેલાં આ દરગાહના પીરના આશીર્વાદ લેતા. જેકી બારમી સદીના મહાન સુધારક બસવાનાની વાત લખે છે, જેણે કૃષિજીવન સાથે પાડો મહત્ત્વનો હોવાની વાત કહી હતી. બસવાનાના જન્મનો વાર્ષિકોત્સવ દર વર્ષે ઉજવાય છે અને આ પ્રસંગે હિંદુઓ અને મુસલમાનો ભેંસને બસવાનાનો અવતાર હોવાની શ્રધ્ધા ધરાવે છે અને તે રીતે તેને આદર આપે છે.

ધાર્મિક એકતાનો સૌથી રસપ્રદ દાખલો રાજાબાગ સાવર નામના એક લોકનાયકનો છે. હિંદુઓ તેને ગુરુ માને છે અને મુસલમાનો પીર. આ સીમાડા કહે છે કે વિષ્ણુ અને અલ્લાનું એકરૂપ સ્વરૂપ અહીં જોવા મળે છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી આવે છે એની પશ્ચાદ્ભૂમાં હું આ પુસ્તક વાંચતો હતો. શાસક ભારતીય જનતા પક્ષે પોતાની ચૂંટણી ઝુંબેશ જાણી જોઇને હિંદુ વિ. મુસલમાનો ગોઠવવાની કરી છે. આ નિર્ણય એક વર્ષ પહેલાં લેવાયો હતો. આથી હિજાબ, હલાલમાંથી વિવાદ પક્ષ અને સંઘ પરિવારે જીવતો રાખ્યો હતો અને હિંદુઓને મુસલમાનોથી ભયભીત રાખવાની યોજના ઘડી હતી.

કોંગ્રેસ-જનતા દળ-એસના કેટલાક ધારાસભ્યોના પક્ષાંતરથી 2019માં રચાયેલી ભારતીય જનતા પક્ષની સરકારનો વહીવટ ભ્રષ્ટ અને નબળો રહ્યો છે અને તેને ઢાંકવા તે હિંદુ અને મુસલમાનનો ઉપયોગ કરે છે એવી કેટલાક લોકો દલીલ કરે છે. પ્રો. જેમ્સ મેનોર ‘ધ માપર’ નામના સામયિકમાં લખે છે કે ભારતીય જનતા પક્ષના કોમી ધૃવીકરણના પ્રયાસો માઝા મૂકી રહ્યા છે. હિંદુત્વ માટેની ભારતીય જનતા પક્ષની દોડનું પ્રમાણ તેણે દિલ્હીમાં કર્ણાટકના એક સંસદસભ્ય માટે પ્રધાનની જગ્યા ખાલી થઇ ત્યારે તેણે કર્ણાટકની બહુમતી વસ્તી લિંગાયત કે વોકલિંગમાંથી કોઇની નહીં પણ અનંતકુમાર હેગડે નામના બ્રાહ્મણની પસંદગી કરી તેમાંથી દેખાય છે. ભારતીય જનતા પક્ષની યુવા પાંખના વડા તરીકે બીજા એક બ્રાહ્મણ-દક્ષિણ બેંગલુરુના સંસદસભ્ય તેજસ્વી સૂર્યની પસંદગી થઇ.

બાકી હતું તે પક્ષના મહામંત્રીપદે હિંદુત્વવાદી બી. એલ. સંતોષ પસંદ થયા. પક્ષના કર્ણાટક પ્રમુખપદે નલિનકુમાર કનીલની પસંદગી થઇ. તેઓ પણ હિંદુત્વવાદી છે. આ તમામ નિમણૂક કર્ણાટકના મામલામાં મર્યાદા કરતાં વધુ માથું મારનાર ગૃહમંત્રી અમિત શાહે કરી છે. તેમણે કર્ણાટકના માંડવામાં પક્ષની ચૂંટણી ઝુંબેશનું મંગળાચરણ કરતાં લોકોને ટિપુ સુલતાનને ભવ્ય ચીતરનારા અને દેશભકતોની સાથે રહેનારા વચ્ચે પસંદગી કરવા આવાહન આપ્યું હતું. કર્ણાટકના ભારતીય જનતા પક્ષના પ્રમુખે પછી પક્ષના મતદારોને ગટર અને રસ્તા કરતાં લવ જેહાદના મુદ્દા પર વધુ ધ્યાન આપવા જણાવ્યું હતું. કતીલે કહ્યું હતું કે ટીપુના અનુયાયીઓ નહીં પણ રામના ભજન કીર્તન કરનારાઓ જ આ પ્રદેશમાં રહેવાં જોઇએ.

શાસક અને યોદ્ધા તરીકે ટીપુ સુલતાન વિવાદમાં રહ્યો છે અને હિંદુત્વવાદીઓ તેના પર આક્ષેપ કરે છે તેટલો અપરાધી હોય તો ય 21મી સદીના કાયદાનું પાલન કરનારા મુસ્લિમોને તેને માટે શું કામ સજા કરવી જોઇએ? જેકી પોતાના પુસ્તકની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખે છે તેમ હિંદુ-મુસ્લિમો વચ્ચેનું યુદ્ધ નિયમ નહીં પણ ઇતિહાસનો ગબ્બારો છે જે રાજકારણને કારણે મોટો બન્યો છે. જેકીએ પોતાનું સંશોધન 1980 અને 1990ના અરસામાં કર્યું હતું જયારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં કોમી રમખાણ ફાટી નીકળ્યાં છે.

આ સદીના પહેલા બે દાયકાએ પ્રમાણમાં શાંતિ અનુભવી છે, પણ હવે પાછો કટ્ટરવાદ માથું ઉંચકે છે અને મુસ્લિમો પણ તેમાં પાછળ નથી. વડા પ્રધાન અને સંઘ બોલે છે એનાથી અલગ ભાષામાં ગૃહ પ્રધાન અને કર્ણાટકના ભારતીય જનતા પક્ષના પ્રમુખ તથા નેતાઓ બોલે છે. હિંદુ અને મુસ્લિમ મતદારોએ શું કરવું? ઉત્તર પ્રદેશ અને આસામની જેમ કર્ણાટકમાં પણ ભારતીય જનતા પક્ષને ધાર્મિક ધૃવીકરણથી ચૂંટણી જીતવી છે. તે સફળ થશે તો કર્ણાટકમાં શાંતિ અને સમૃદ્ધિની શકયતાઓ ઘટતી જશે.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top