SURAT

સુરતમાં ખાડી પૂર: ઘરોમાં પાણી ભરાયા, મંદિર ડૂબ્યું, રસ્તા બંધ થયા, જુઓ તબાહીના દ્રશ્યો

સુરત (Surat): વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા શહેરોમાં અગ્રીમ સ્થાન ધરાવતા સુરત શહેરને આડેધડ વિકાસના લીધે ઘણું ભોગવવું પડી રહ્યું છે. અહીં ખાડી પર મકાનો અને રસ્તાઓ બાંધી દેવામાં આવતા હવે સામાન્ય વરસાદમાં (Rain) પણ પૂર (Flood) જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. સુરતની મીઠીખાડીના કિનારે આવેલા લિંબાયત (Limbayat) વિસ્તારના આવાસમાં ગઈકાલ રાતથી જ ખાડીના પાણી ફરી વળ્યા હતા. અહીં 4થી 5 ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના લીધે પાણી ઉલેચવા માટે જેસીબી મશીનો મંગાવવા પડ્યા હતા, જ્યારે બીજી તરફ સુરત શહેરના છેવાડાના આવેલા પૂણા-કુંભારિયા ગામમાં પણ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અહીં આડેધડ કાપડ માર્કેટ અને એપાર્ટમેન્ટ બની જવાના લીધે છેલ્લાં કેટલાંક વર્ષોથી દર વર્ષે ચોમાસામાં (Monsoon) પાણી ભરાઈ જાય છે. સણિયા હેમાદ અને કુંભારિયા ગામમાં રાતથી જ ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. બંને ગામમાં જનજીવન અટકી પડ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પર્વત પાટીયાના કાંગારુ સર્કલથી મહારાણા પ્રતાપ ચોક રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહનવ્યવહારો અટકી ગયો છે. આ રોડ પરથી રોજ હજારો વાહનો સુરતના રીંગરોડ કાપડ માર્કેટ તરફ જતા હોય છે, તે તમામ વાહનચાલકો આજે અટવાઈ પડ્યા હતા. રોડની આસપાસની આવેલી દુકાનો અને પેટ્રોલપંપ પાણીમાં ગરક થઈ ગયા હતા. અનેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. સણીયા હેમાદ અને કુંભારીયા ગામમાં ખાડી પુર આવ્યા છે. આ બંને ગામમાં 5 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ગામનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે. દર વર્ષે આવતા ખાડી પૂરથી પરેશાન ગ્રામવાસીઓએ કાયમી ઉકેલની માંગણી કરી છે.

બીજી તરફ લિંબાયત વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. લિંબાયત પાસેથી પસાર થતી મીઠી ખાડી છલકાઈ છે. તેના લીધે લિંબાયતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહીંના ફુલવાડી અને કમરૂનગર આવાસમાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ગયા છે. પાણી ઉલેચવા માટે જેસીબી મશીનો મંગાવવા પડ્યા હતા. મુસ્લિમ વસ્તી ધરાવતા આ બંને આવાસમાં પાણી ભરાઈ ગયા હતા. સ્થાનિક કોંગ્રેસના આગેવાન અસલમ સાયકલવાલાએ સાંસદ સી.આર. પાટીલના વિસ્તારમાં પાણી ભરાઈ જતું હોવા છતાં તેઓ ધ્યાન નહીં આપતા હોવાની ફરિયાદ કરી હતી. તેમણે કહ્યું કે આ બંને આવાસમાં કુલ 16 એપાર્ટમેન્ટ આવેલા છે, જેમાં 6 હજાર લોકો રહે છે. તે તમામે સમસયાનો સામનો કરવો પડી રહ્યો છે.

સુરતમાં 24 કલાકમાં 3 ઈંચ વરસાદ પડ્યો
સુરત શહેરમાં રવિવારે સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વરાછા વિસ્તારમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે રાતથી વહેલી સવાર સુધીમાં ઉધના વિસ્તારમાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ સાથે જ લિંબાયત, અઠવા, રાંદેર સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો.

ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડાઈ રહ્યું છે
બપોરે 2 કલાકે ઉકાઈ ડેમની સપાટી 335.38 ફૂટ નોંધાઈ છે. 1.61 લાખ ક્યૂસેક ઈનફલો સામે 1.45 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે તાપી નદી બે કાંઠે વહી રહી છે. બીજી તરફ ભારે વરસાદને કારણે સુરતમાંથી પસાર થતી ખાડીઓમાં પણ પાણીની સપાટી વધી છે. મીઠીખાડી, કોયલી ખાડીમાં સપાટી વધતા તે ઉભરાઈને નજીકના નીચાણવાળા વિસ્તાર સણીયા હેમાદ, કુંભરીયા ગામ અને લિંબાયતમાં ભરાયા છે. છેલ્લાં પાંચેક વર્ષથી ખાડી પૂરની સમસ્યાથી આ વિસ્તારના લોકો પરેશાન થતા હોવા છતાં તંત્ર તેનો ઉકેલ લાવવામાં નિષ્ફળ રહ્યું છે.

Most Popular

To Top